જેને સ્ટ્રોક રિસ્ક વધુ હોય તેણે ગરમ પાણીએ ન નહાવું?

14 November, 2022 03:26 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

જ્યારે આપણે ખૂબ ઠંડા પાણીએ નાહીએ છીએ ત્યારે શરીરમાં રહેલી લોહીની નસો સંકોડાય છે અને ખૂબ ગરમ પાણીમાં નસો પહોળી બને છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા પિતાજીને મગજમાં એટ્રીઓવીનિયસ મેલફોર્મેશન છે, જેને લીધે તેમના પર સ્ટ્રોકનું રિસ્ક વધુ છે. એટલે ડૉક્ટરે કહ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર કાબૂમાં રાખવું જરૂરી છે. ડૉક્ટરે આપેલી ગાઇડલાઇન્સમાં એવું પણ લખ્યું હતું કે એકદમ ગરમ કે એકદમ ઠંડા પાણીએ ન નાહવું. મારા પપ્પા તો ભયંકર ગરમ પાણીએ જ નહાય છે. તે જ્યારે બાથરૂમની બહાર નીકળે તો બાથરૂમ આખું ધુમાડા-ધુમાડા થઈ જાય છે. તેમને  સ્નાયુમાં કળતર થાય છે એ ગરમ પાણીને લીધે જતી રહે છે એટલે તે ગરમ પાણી વાપરે છે. શું ખરેખર ગરમ પાણીથી કોઈ તકલીફ છે?  

તમારા પિતા પર સ્ટ્રોકનું જોખમ વધારે છે ત્યારે તેમણે ક્યારેય ખૂબ ઠંડા પાણીએ કે ખૂબ ગરમ પાણીએ નાહવું જોઈએ નહીં. થાય છે એવું કે જ્યારે આપણે ખૂબ ઠંડા પાણીએ નાહીએ છીએ ત્યારે શરીરમાં રહેલી લોહીની નસો સંકોડાય છે અને ખૂબ ગરમ પાણીમાં નસો પહોળી બને છે. એ સાંકડી કે પહોળી થાય ત્યારે આ નસોને કારણે બ્લડ પ્રેશર પર સીધી અસર પડે છે. બ્લડ પ્રેશર ઉપર-નીચે થાય એટલે હાર્ટ અને બ્રેઇન પર જોખમ વધે છે. આ સંજોગોમાં જો વ્યક્તિને પહેલેથી રિસ્ક હોય તેમનું રિસ્ક વધે છે.

બાથરૂમમાં સ્ટ્રોક આવવાની શક્યતા ઘણી વધારે રહે છે. તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે નાહવા જાઓ ત્યારે એકદમ જ માથા પર પાણી નાખો તો કંપારી છૂટે છે, પરંતુ પહેલાં પગ પાણી પર નાખો અને ધીમે-ધીમે નીચેથી ઉપર તરફ શરીર પર પાણી નાખશો તો કંપારી છૂટતી નથી. એનું શું કારણ? આપણા શરીરમાં લોહી ગરમ હોય છે, જ્યારે તમે નાહવા જાઓ ત્યારે માથું કે વાળ પહેલાં ભીના કરો તો એકદમ જ લોહીનું તાપમાન ખૂબ ઝડપથી ઍડ્જસ્ટ કરવું પડે છે. જો પગ પરથી નાખો તો ત્યાં નાની નસો હોય છે એટલે ઍડ્જસ્ટમેન્ટ ધીમે-ધીમે થાય છે. તાપમાન ઠીક કરવાનો સમય મળી રહે છે. જ્યારે તાપમાનનું ઍડ્જસ્ટમેન્ટ જલદી કરવાનું હોય ત્યારે આખા શરીરમાંથી મગજ તરફ લોહી ખૂબ ઝડપથી વહે છે. આ સમયે કોઈ નળી નબળી હોય અને તૂટી જાય તો વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. તમારા પિતાને આ બાબત સમજાવો કે હુંફાળા પાણીએ જ નાહવું તેમના માટે ઠીક રહેશે. આમ તો કોઈ પણ વ્યક્તિએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ જો તમને રિસ્ક ફૅક્ટર હોય જ તો-તો આ બાબતે ગફલતમાં રહેવું નહિ. નહીંતર જીવ જોખમમાં મુકાઈ શકે છે.

columnists health tips life and style