ટાઇમપાસ માટે યોગ શરૂ કર્યા અને પછી એ ક્યારેય છૂટ્યા નહીં

19 July, 2022 12:22 PM IST  |  Mumbai | Rashmin Shah

હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૈયર મોરી રે...’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરીને ભલભલાની આંખો ચાર કરી દેનારી યુક્તિ રાંદેરિયા કહે છે, ‘દિવસ દરમ્યાન સમય ન મળવાનો હોય તો હું મિનિમમ દસ સૂર્યનમસ્કાર તો અચૂક કરું જ કરું’

યુક્તિ રાંદેરિયા

લગભગ ચારેક વર્ષ થયાં એ વાતને. ફિઝિકલ ઍક્ટિવિટીના ભાગરૂપે મેં યોગની શરૂઆત કરી. એ આમ તો કોઈ પ્લાનિંગ વિનાનો ડિસિઝન હતો, મનમાં હતું કે થાય એટલો સમય કરીશ અને કંટાળો આવશે તો છોડી દઈશ, પણ સાચું કહું? યોગ શરૂ કર્યા પછી હું રીતસરની એમાં જ ઓતપ્રોત થઈ ગઈ. શરૂ કર્યું એ સમયે તો માત્ર એટલું જ મનમાં હતું કે ફિઝિકલ ઍક્ટિવિટી કરવી છે અને એ પણ એવી કે જેના માટે ક્યાંય જવું ન પડે, વધારે સમય પણ ન જાય અને ઓછાંમાં ઓછાં ઇક્વિપમેન્ટ્સની જરૂર પડે. આ ત્રણેત્રણ વાત યોગ સાથે લાગુ પડતી હતી એટલે જ મેં એની શરૂઆત કરી અને પછી યોગમય બની.

યોગ માત્ર ફિઝિકલ ઍક્ટિવિટી નથી, પણ એનાથી મેન્ટલી પણ રિલૅક્સેશન મળે છે. મન શાંત થાય અને મન શાંત થવાને લીધે ઍન્ગ્ઝાયટી પણ દૂર થાય અને સ્ટ્રેસમાં પણ રાહત મળે. આ બધા થયા મનના ફાયદા, હવે વાત કરું તમને ફિઝિકલ બેનિફિટની. યોગથી બૉડી ફ્લેક્સિબિલિટી સુધરે છે, જેને કારણે જૉઇન્ટ પેઇનમાં રિલીઝ મળે છે. મેટાબોલિઝમ પાવરફુલ થાય છે. કફ, પિત્ત અને વાયુ એમ તમામ પ્રકૃતિની માત્રા સમાન થાય છે.

સાંભળજો ધ્યાન દઈને | આજે તમે યોગ ઑનલાઇન પણ શીખી શકો છો. મેં યોગ માટે કોઈ ટ્રેઇનર નહોતો રાખ્યો પણ હા, ઑથેન્ટિક વ્યક્તિ પાસેથી ઑનલાઇન યોગ ક્લાસ કે પછી એવી વ્યક્તિના વિડિયો જોઈને જો યોગ કરવામાં આવે તો હિતાવહ છે. સૂર્યનમસ્કાર તો આપણને બધાને સ્કૂલમાં પણ શીખવાડતા પણ એ પછી આપણે એને પાછળ મૂકીને આગળ નીકળી ગયા. આજે એવું હોય છે કે જો મને ખૂબ કામ હોય તો હું માત્ર દસ સૂર્યનમસ્કાર કરીને મારા કામ પર લાગી જઉં અને જો મારી પાસે પૂરતો સમય હોય તો હું ૪પ મિનિટ યોગ કરું.
એક વાર યોગ શરૂ કર્યા પછી મેં એક પણ દિવસ એમાં બ્રેક લીધો નથી. લૉકડાઉન દરમ્યાન પણ યોગ મારા ચાલુ જ હતા. સેટ પર પણ મને જો ટાઇમ મળે તો હું યોગ કરી લઉં અને જો એવું ન થાય તો મેં કહ્યું એમ, દસ સૂર્યનમસ્કાર તો કરી જ લેવાના અને એ પણ સવારે જાગ્યા પછી અને ફ્રેશ થયા પછી તરત જ.

ફિઝિકલ ઍક્ટિવિટીની સાથે મેન્ટલ ઍક્ટિવિટી બહુ જરૂરી છે. આજે આપણે બધા એટલી ફાસ્ટ લાઇફ જીવતા થઈ ગયા છીએ કે શરીર અને મન પર ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ, જે આપણી સૌથી મોટી ભૂલ છે. દસ વર્ષના બાળકથી માંડીને સિત્તેર વર્ષનાં કાકા-કાકીએ પણ ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવાના પ્રયત્નો કરવા જોઈએ, જેમાં યોગ બેસ્ટ છે. બીજી એક વાત પણ કહીશ, તમારી ઍક્ટિવિટીને કન્ટિન્યુ રાખજો. તો જ એનો ફાયદો દેખાશે. મારી દ્રષ્ટિએ યોગ બેસ્ટ છે અને એનાથી બેસ્ટ હોમ-મેડ એક્સરસાઇઝ બીજી કોઈ હોઈ જ ન શકે.

ચાલો, જમવા બેસીએ | હું સુરતી છું અને એમ છતાં પણ મારું ફૂડ ઇન્ટેક સિમ્પલ છે. ઘરનું બનાવેલું કશું પણ મને ચાલે. બીજા શહેરમાં શૂટ હોય ત્યારે મારી અંદરનો સુરતી-સોલ જાગી જાય. હું નવા લોકેશન પર જતાં પહેલાં લાઇન-પ્રોડ્યુસર પાસેથી ત્યાંની લોકલ વરાઇટી વિશે પહેલેથી જ જાણી લઉં અને પછી એ વરાઇટી ખાવા જવાનો અમે પ્રોગ્રામ બનાવીએ. હમણાંની જ વાત કરું. મારી ફિલ્મ ‘સૈયર મોરી રે...’નું મોટા ભાગનું શૂટિંગ સૌરાષ્ટ્રમાં હતું. દરરોજ એવી-એવી ટ્રેડિશનલ વરાઇટી મેં ખાધી છે કે જેની કલ્પના પણ કોઈ કરી શકે.

ખાધેલી એ બધી વરાઇટીમાંથી મારી જો કોઈ ફેવરિટ આઇટમ બની ગઈ હોય તો એ છે રોટલો અને ઢોકળીનું શાક. ખીચડી સાથે મને કઢી પણ બહુ ભાવી. કાઠિયાવાડી કઢી અને બીજી કઢીમાં ફરક છે. કાઠિયાવાડી કઢી ટેસ્ટમાં જરા વધારે ખાટી હોય છે પણ એનો જે સ્વાદ છે, વાહ.

કાઠિયાવાડી વરાઇટી અને સુરતી ફૂડમાં એક મોટો ફરક જો કોઈ હોય તો એ કે કાઠિયાવાડની મોટા ભાગની વરાઇટીમાં ગ્રેવી હોય અને તેલ બહુ વાપરવામાં આવે. કાઠિયાવાડી ઊંધિયું પણ અમારા સુરતી ઊંધિયા કરતાં જુદું હોય છે. કાઠિયાવાડમાં મિર્ચી પાઉડરનો વધારે ઉપયોગ થાય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગ્રીન ચિલીનો ઉપયોગ પુષ્કળ થાય. કાઠિયાવાડમાં દૂધની સ્વીટ્સનું ચલણ વધારે છે અને એમાં પણ ક્રીમનો વધારે ઉપયોગ થાય છે પણ દક્ષિણ ગુજરાતમાં ચણાના લોટની સ્વીટ્સ વધારે ખવાય છે અને ક્રીમનો ઉપયોગ ઓછો થાય છે.

બહાર ગયા પછી હું ફૂડ પર કોઈ પ્રકારનાં બંધનો નથી રાખતી અને સામે કન્ટ્રોલ પણ નથી છોડતી. દિવસ દરમ્યાન કંઈ પણ નવું ટ્રાય કરું તો ડિનરમાં ખીચડી લઉં જેથી લાઇટ રહે.

ગોલ્ડન વર્ડ્સ
જિમમાં કરેલા વર્કઆઉટથી શરીરને ફાયદો થાય પણ યોગથી મેન્ટલ બેનિફિટ પણ એટલો જ મળે, જેટલો ફિઝિકલ બેનિફિટ થાય.

columnists life and style health tips Rashmin Shah