પરણ્યા પછી પગમાં વીંછિયા પહેરો તો ઘણા ફાયદા છે

12 April, 2024 11:02 AM IST  |  Mumbai | Sejal Patel

સુહાગની નિશાની તરીકે જાણીતી પગની આંગળીઓમાં પહેરાતી ટો-રિંગ્સ પણ સ્ત્રીઓના શારીરિક સ્વાસ્થ્ય સાથે બહુ જ ઊંડો નાતો ધરાવે છે

પ્રતીકાત્મક તસવીર

સ્ત્રીઓના શણગારને લગતા પરંપરાગત રિવાજોને આપણે ધીમે-ધીમે છોડી રહ્યા છીએ, પણ કેટલીક પરંપરાઓની પાછળ ઊંડું વિજ્ઞાન હોય છે. સુહાગની નિશાની તરીકે જાણીતી પગની આંગળીઓમાં પહેરાતી ટો-રિંગ્સ પણ સ્ત્રીઓના શારીરિક સ્વાસ્થ્ય સાથે બહુ જ ઊંડો નાતો ધરાવે છે

હિન્દુ ધર્મમાં પરણ્યા પછી સ્ત્રીના ગળામાં મંગળસૂત્ર અને સેંથામાં સિંદૂર લગાવવાની પ્રથા હજીયે ટકી છે, પરંતુ પગમાં વીંછિયા પહેરવાની પ્રથા ગુજરાતીઓમાં સાવ જ ભુલાઈ રહી છે. ફૅશનની દૃષ્ટિએ હવે ફરીથી સ્ત્રીઓના શણગારમાં એનું કમબૅક થઈ રહ્યું છે. ગુજરાતમાં કાઠિયાવાડ વિસ્તારમાં હજીયે સ્ત્રીઓ પરણ્યા પછી વીંછિયા પહેરે છે અને બાકી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તામિલનાડુ અને કેરલામાં વીંછિયા હજીયે પરિણીત સ્ત્રીની ઓળખ ગણાય છે. આ પ્રથા કેમ પડી એ પાછળનું વિજ્ઞાન આજે સમજવાની કોશિશ કરીએ. 

ક્યારથી મહિલાઓ પગમાં રિંગ પહેરતી થઈ એનો ઇતિહાસ તપાસીએ તો જૂનામાં જૂનો રામાયણકાળની વાતનો સંદર્ભ મળે છે. જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે પોતે મુસીબતમાં છે એ રામને ખબર પડે એ માટે તેમણે પગમાંથી રિંગ કાઢીને નીચે ફેંકી દીધી હતી. એ વીંટી જ સંદેશારૂપે લઈને હનુમાનજી તેમને અશોકવાટિકામાં મળ્યા હતા. મતલબ કે રામાયણકાળથી સ્ત્રીઓના પગમાં વીંછિયા પહેરવાની પ્રથા હશે. ટ્રેડિશનલી બન્ને પગની ચારેય આંગળીઓમાં વીંછિયા પહેરવાનું પોતાનું મહત્ત્વ છે, પરંતુ જે સ્ત્રીઓ ચારેય આંગળીઓ પર વીંટી પહેરવા ન ઇચ્છતી હોય તેઓ ઍટ લીસ્ટ અંગૂઠાની બાજુની પહેલી મોટી આંગળી પર તો પહેરે જ એવું શાસ્ત્રોમાં પણ કહ્યું છે. 

શાસ્ત્રો શું કહે છે?
આયુર્વેદશાસ્ત્ર મુજબ કુંવારી છોકરીઓએ અંગૂઠા પછીની બીજી આંગળીમાં અને પરિણીત સ્ત્રીઓએ પહેલી આંગળીમાં પહેરવું જોઈએ એવું કહેવાયું છે. આની પાછળ શું વિજ્ઞાન હોઈ શકે એ વિશે ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન અને બૉડીની એનર્જી વિશે ઊંડું જ્ઞાન ધરાવતાં ઍક્યુપંક્ચર સ્પેશ્યલિસ્ટ ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘વીંછિયા માત્ર આભૂષણ નથી, એ સ્ત્રીના શરીરની ફેમિનાઇન એનર્જી અને હૉર્મોન-બૅલૅન્સિંગનું બહુ જ મહત્ત્વનું કામ કરે છે. હવે તો ફૅશનના નામે લોકો કંઈ પણ પહેરે છે, પણ એનો કોઈ અર્થ નથી. શરીરના દરેક અંગમાં જે કોઈ પણ આભૂષણ પહેરવામાં આવે છે એની પાછળ વિજ્ઞાન છે. એની ધાતુ કઈ હોવી જોઈએ એ પણ બહુ મહત્ત્વનું છે. જોકે એ વિજ્ઞાન સમજતાં પહેલાં બૉડીની એનર્જીના વિજ્ઞાનને સમજવું જોઈએ.’

યિન ઍન્ડ યાન્ગ એનર્જી
દરેક વિજ્ઞાન શરીરને સમજવા માટે પોતાની રીતે અલગ-અલગ માધ્યમ યુઝ કરે છે. આયુર્વેદનો આધાર જેમ વાત, પિત્ત અને કફ છે એમ ઍક્યુપંક્ચર વિજ્ઞાનમાં બે પ્રકારની એનર્જીનું સંતુલન મુખ્ય આધાર રહે છે. આ એનર્જી વિશે સમજાવતાં ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘બૉડીમાં હંમેશાં યિન ઍન્ડ યાન્ગ એનર્જીનું સંતુલન હોવું જોઈએ. યિન એટલે ફીમેલ એનર્જી અને યાન્ગ એટલે મેલ એનર્જી. યાન્ગ એનર્જી ગરમ હોય અને યિન એનર્જી ઠંડકવાળી. શરીરમાં પણ મુખ્યત્વે બે પાર્ટ હોય. કહેવાય છે કે શરીરનો ઉપરનો ભાગ એટલે યાન્ગ એનર્જી અને નીચેનો ભાગ એટલે યિન. નાભિની નીચેના ભાગમાં સ્ત્રીઓનું સૌથી મહત્ત્વનું ઑર્ગન કહીએ તો એ છે રીપ્રોડક્ટિવ સિસ્ટમ. યિન એનર્જીને બૂસ્ટ મળે એ માટે શરીરના નાભિની નીચેના ભાગને ઠંડો રાખવાનો હોય. એ ઠંડક માટે પગમાં પાયલ અને પગના અંગૂઠામાં વીંછિયા પહેરવાનો રિવાજ પડ્યો. તમે જોયું હોય તો આપણે ત્યાં એટલે જ તો કોઈને ત્યાં દીકરો જન્મે તો હાથમાં પહેરવાનાં કડાં અપાય અને છોકરી જન્મે તો પગમાં પહેરવાની ચાંદીની પાયલ અપાય છે.’

પિરિયડ્સ સાથે સંબંધ
કોઈ પણ પ્રકારનું હૉર્મોનલ અસંતુલન હોય તો યિન એનર્જીના બૂસ્ટથી ફાયદો થાય એમ જણાવતાં ડૉ. જાસ્મિન કહે છે, ‘લગ્ન પછી રીપ્રોડક્ટિવ સિસ્ટમ હાઈ એનર્જી સાથે કાર્યરત રહે એ જરૂરી હોવાથી લગ્ન પછી પગની આંગળીઓમાં ચાંદીની વીંટી પહેરાવવામાં આવતી. પહેલાંના જમાનામાં કિશોરી પિરિયડ્સમાં બેસતી થાય એટલે તરત જ પરણાવી દેવામાં આવતી. તેમને રજસ્વલા સમયની શરૂઆતની સમસ્યાઓ બહુ કનડે નહીં એ માટે પણ આ કામનું હતું.’

રીપ્રોડક્ટિવ સિસ્ટમની સાથે મેટાબોલિઝમના ફાયદા પણ આ પૉઇન્ટ્સમાં રહેલા છે એમ જણાવતાં ડૉ. જાસ્મિન કહે છે, ‘તમે જોયું હોય તો અંગૂઠાની બાજુની પહેલી આંગળીમાં જ વીંછિયા પહેરવાનું વધુ ચલણ છે. એ આંગળીમાં પેટના અવયવોના પૉઇન્ટ્સ આવેલા છે. એનાથી મેટાબોલિઝમ સુધરે છે. એ પેટની તજાગરમી દૂર કરે છે. તજાગરમીને કારણે ગૅસ, ઍસિડિટી, ઊબકા આવવા જેવી તકલીફો ન થાય એ માટે આ પૉઇન્ટ ખાસ છે. એનાથી ગર્ભાશયની પણ તજાગરમી ઘટે છે. મતલબ કે આજના સમયમાં જે એન્ડોમેટ્રિઓસિસ એટલે કે ગર્ભાશયની દીવાલ જાડી થવાને કારણે પેદા થતી ઇન્ફર્ટિલિટીની સમસ્યા છે એ પણ પ્રિવેન્ટ કરવાનું કામ થાય છે. જરાક વિચારવા જેવું છે કે કેમ પહેલાંના સમયમાં પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ આટલો જોવા નહોતો મળતો? માસિક ચક્રની નિયમિતતા કેમ હવે બહુ જ ખોરવાવા લાગી છે? પગની આંગળીમાં ચાંદીની ધાતુનો સ્પર્શ શરીરની યિન એનર્જીને સતત બૂસ્ટ કરવામાં મદદ કરે છે. વળી ગર્ભધારણ થાય અને બાળક ડિલિવર થાય એ પ્રક્રિયામાં પણ યિન એનર્જી ખર્ચાઈ જતી હોય છે, જે સતત બૂસ્ટ થતી રહે અને ખૂટતી સરભર થાય એ માટે પણ પગમાં વીંછિયા બહુ મહત્ત્વનું કામ કરે છે.’.

કેમ ચાંદી જ, સોનું કેમ નહીં?
ધાતુઓની પણ પોતાની એનર્જી હોય છે અને તાસીર પણ. એ વિશે ડૉ. જાસ્મિન કહે છે, ‘અગેઇન એનર્જીના સંદર્ભે જોઈશું તો સોનું યાન્ગ એનર્જી ધરાવે છે, જ્યારે ચાંદી યિન. રીપ્રોડક્ટિવ સિસ્ટમને બૂસ્ટ મળે યિન એનર્જી ધરાવતી ચાંદીથી. આપણે ત્યાં કહેવાય છે કે સોનું હંમેશાં શરીરના ઉપરના ભાગમાં જ પહેરાય, જ્યારે ચાંદી હંમેશાં નાભિથી નીચેના ભાગમાં. સોનું યાન્ગ એનર્જી છે, જે ગરમ છે. એનાથી સિસ્ટમ સતત સક્રિય રહે અને એ હાઈ એનર્જીથી ભરપૂર હોય. નાભિથી ઉપરના ભાગોની વાત કરીએ તો અહીં બહુ જ વાઇટલ કહેવાય એવા બે અવયવ છે, હાર્ટ અને ફેફસાં. જો એ કામ કરવામાં એક પણ ક્ષણની ગરબડ કરે તો જીવન ખોરવાઈ જાય. સોનું યાન્ગ એનર્જી હોવાથી આ અવયવોને બળ આપે છે. એટલે જ ગળામાં હંમેશાં સોનું પહેરવું જોઈએ અને પગમાં આગળ કહ્યું એમ ચાંદી. આજકાલ ધનાઢ્ય લોકો પગમાં પણ સોનાની ચીજો પહેરવા લાગ્યા છે એ ખોટું છે. એનાથી એનર્જીનું અસંતુલન થઈ શકે છે.’

columnists life and style health tips sejal patel