જીભની સંભાળ એટલે આખા શરીરની સંભાળ

25 January, 2023 04:42 PM IST  |  Mumbai | Ruchita Shah

આપણા શરીરમાં વધુ અવગણાયેલી ટંગના મસ્તિષ્ક સાથેના કનેક્શન પર ભરપૂર શોધ-સંશોધનો થઈ રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

યોગમાં ‘ખેચરી મુદ્રા’ છે જેમાં મનને અંતર્મુખી કરવાના ધ્યેયથી જીભને વાળીને ગળા તરફ લઈ જવાના પ્રયાસ કરવામાં આવે છે. આપણા શરીરમાં વધુ અવગણાયેલી ટંગના મસ્તિષ્ક સાથેના કનેક્શન પર ભરપૂર શોધ-સંશોધનો થઈ રહ્યાં છે. માત્ર સ્વાદ અથવા તો વાણી પૂરતું જ જીભનું કામ મર્યાદિત નથી. આપણા શરીરના સ્નાયુઓની ક્ષમતામાં પણ જીભનો રોલ છે, તો તમારા હાર્ટ અને બ્રેઇનની ક્ષમતા પણ જીભની કસરતથી વધી શકે છે

તમને ખબર છે?

લગભગ બેથી ચાર હજાર ટેસ્ટ-બડ્સ મોઢામાં હોય છે. વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ ૨૫ ટકા લોકો સુપરટેસ્ટર્સ કૅટેગરીમાં આવતા હોય છે એટલે કે તેમની ટેસ્ટ-સેન્સ અન્ય કરતાં વધારે હોય છે. 

આપણા જીવનની મુખ્ય જરૂરિયાત શું? રોટી કપડા અને મકાન બરાબર? હવે આ રોટી તમે ચાવી શકો કે તમારા આહારને તમે પેટમાં પધરાવીને એમાંથી પોષણ લઈ શકો છો એની બહુ મોટી ક્રેડિટ કોને જાય છે, ખબર છે? તમારી જીભને. ભોજનની જેમ જ તમે કોઈ પણ જાતની તકલીફ વિના કડકડાટ બોલી શકો છો, ક્રેડિટ કોને જાય છે, ખબર છે? તમારી જીભને. જીભમાં ગરબડ હોય તેમની ભાષા સ્પષ્ટ ન હોય. ઇન ફૅક્ટ, ક્યારેક જીભ પર ચાંદાં પડ્યાં હોય તેમને આ અનુભવ થયો જ હશે ક્યારેક. જો જીભ ન હોત તો જીવન પણ કંઈક જુદું જ હોત. હાડકા વિનાની ત્રણ ઇંચની જીભ તમારા બધાં જ હાડકાં તોડાવી શકે છે એવું કહેવાય છે, પરંતુ આ એક જીભ કુલ આઠ સ્નાયુઓથી બનેલી છે અને એટલે જ એ સૌથી વધુ લચીલાપણું ધરાવતો અવયવ છે શરીરનો. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે જીભના લચીલાપણાને કારણે જ આપણે એક મિનિટમાં ૧૦૦ શબ્દો બોલી શકીએ એટલી ક્ષમતા ધરાવીએ છીએ. દરેકની ફિંગરપ્રિન્ટની જેમ જીભની પ્રિન્ટ પણ જુદી હોય છે. તમારી જીભના રંગ પરથી તમારા શરીરના હાલચાલ અનુભવી વૈદ્યો જાણી શકે છે. આપણા શરીરમાં વધુ અવગણાયેલી ટંગના મસ્તિષ્ક સાથેના કનેક્શન પર ભરપૂર શોધ-સંશોધનો થઈ રહ્યાં છે. આપણી આ અણિયાળી જીભનું પણ અદકેરું મહત્ત્વ છે ત્યારે એની ઉપયોગિતાથી લઈને જીભનું સ્વાસ્થ્ય જાળવવાની એક્સરસાઇઝ વિશે વાત કરીએ. 

બહુ જ મહત્ત્વની

જીભને આપણા શરીરના સ્નાયુઓની ક્ષમતા અને લવચિકતાનું પાવરહાઉસ માનવામાં આવે છે. ડૉ. અંકિતા ધેલિયા પોતાના એક વિડિયોમાં કહે છે, ‘તમારા જીભની પોઝિશન સાથે તમારા શરીરની સ્ટ્રેંગ્થ બદલાતી હોય છે, જેના પ્રયોગ તમે કરી શકો છો. જીભને તમે તાળવા પર વાળીને રાખો અને વજન ઉપાડો અને જીભને સામાન્ય સ્તરે રાખીને વજન ઉપાડો. ઑબ્ઝર્વ કરશો તો સમજાશે કે બન્ને વખતે જુદા લેવલની સ્ટ્રેંગ્થની જરૂર પડી હશે તમને. જીભ પણ સ્નાયુઓની જ બનેલી છે, પરંતુ એ ક્યારેય દુખાવો નથી આપતી એટલે એને તમારા અટેન્શનની જરૂર નથી એવું ન સમજવું. જીભની અમુક મૂવમેન્ટથી તમે આખા શરીરની સ્ટ્રેંગ્થ વધારી શકો છો.’

રિચાર્જ કરે છે બ્રેઇનને

બ્રેઇન સાથે જીભનું બહુ મહત્ત્વપૂર્ણ કનેક્શન છે. આપણી બહુ બધી સેન્સરરી નર્વ જીભના માધ્યમથી મેસેજિસનું બ્રેઇન તરફ અને બ્રેઇનથી શરીર તરફ આદાન-પ્રદાન થાય છે. કેટલાક યોગીઓ દ્વારા જીભને કૉન્શિયસ અને અનકૉન્શિયસ વચ્ચેનો સેતુ માનવામાં આવ્યો છે. ઍક્યુપંક્ચર સાયન્સની દૃષ્ટિએ જીભ પર કિડનીના પૉઇન્ટ્સ આવે છે. આપણી મસ્તિષ્કના જે કનેક્ટિવ ટિશ્યુઝ સાથે આપણી કરોડરજ્જુ અને છાતીનો ભાગ જોડાયેલા છે એ જ કનેક્ટિવ ટિશ્યુ સાથે જીભ પણ જોડાયેલી છે. એટલે જ બ્રેઇનની શાર્પનેસ વધારવા માટે, પેઇનકિલર તરીકે, બ્રેઇન અને ચેસ્ટની કાર્યક્ષમતા વધારવા માટે અને એમની રેન્જ ઑફ મોશન વધારવા માટે પણ જીભની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી મદદ મળી શકે છે. બીજી મજાની વાત એ છે કે જીભની કસરત કરો ત્યારે હોઠ અને હડપચીની કસરત પણ સહજ રીતે થઈ જાય છે જે તમારા બ્રેઇન તરફ બ્લડ ફ્લો વધારે છે અને ચેતાતંત્રને રિચાર્જ કરવાનું કામ કરે છે. તમારા ચહેરાનો ગ્લો વધારવામાં પણ એ ઉપયોગી છે. 

હેલ્થ ઇન્ડિકેટર

એ વાત તો જગજાહેર છે કે પ્રાચીન સમયથી જ તમારી ઓવરઑલ હેલ્થનું બહુ જ મોટું ઇન્ડિકેટર તરીકે જીભનું ઑબ્ઝર્વેશન કરવામાં આવતું હતું. જેમ કે જીભ પર સફેદ પરત હોય તો પેટ સાફ નહીં થયાની નિશાની છે. બહુ જ લાલચટાક જીભ ફૉલિક ઍસિડ કે બી૧૨ જેવાં વિટામિન્સની કમી સૂચવે છે. અમુક રોગમાં પણ ઘણાની જીભ લાલ થઈ જતી હોવાનું નિષ્ણાતો માને છે. ઘણી વાર જીભ પર કાળાં ચાંઠાં પડી જાય છે જેને બૅક્ટેરિયલ ગ્રોથ અથવા ડાયાબિટીઝ અથવા કીમો થેરપી સાથે પણ કનેક્શન હોઈ શકે છે. સફેદ ચાંઠાં જીભ પર હોય તો એને મોઢામાં કોઈ ફંગસ ઇન્ફેક્શનની નિશાની ગણી શકાય. જીભમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને એટલે જ વજન વધે ત્યારે જીભની સાઇઝ પણ વધી શકે અને એ ઊંઘને લગતી સમસ્યાનું નિર્માણ કરી શકે. ગુલાબી અને કોઈ પણ જાતના ચાંઠા વિનાની જીભને જનરલી હેલ્ધી જીભ માનવામાં આવે છે. 

આ પણ વાંચો : પ્રતીકાત્મક તસવીર જ્યારે ૩૦ વર્ષનો યુવાન સ્ટ્રોક અટૅક બાદ ભાનમાં આવ્યા પછી ડૉક્ટર પાસે રડી પડ્યો

ખેચરી મુદ્રાને સમજીએ

યોગમાં કેટલીક મુદ્રાઓ એવી છે જેને માત્ર યોગીઓ જ કરી શકે. ખેચરી મુદ્રા જ એવી મુદ્રાઓમાંની એક છે, જેમાં જીભ અને તાળવાને જોડતી સ્કિનને ધીમે-ધીમે કટ કરવામાં આવે છે. એટલે કે એક વાર આ સ્કિનને જરાક કટ કર્યા પછી થોડા દિવસ બ્રેક લેવામાં આવે અને ફરી એનું રિપિટેશન થાય. જેની પાછળનું ધ્યેય એ હોય છે કે આ રીતે એ સ્થાનની રક્તવાહિનીઓ પોતાનું સ્થાન અંદરની તરફ બનાવે છે અને જીભની લંબાઈ એ સ્તરે વધી જાય છે કે પછી એને વાળીને અંદરની તરફ લઈ જાઓ તો એ શ્વાસ લેવા માટે જે છિદ્રો છે એને સ્પર્શી શકે અને એને અંદરથી બંધ કરી શકે. યોગીઓ જ્યારે પૂર્ણ સમાધિમય સ્ટેટમાં ખેચરી મુદ્રાથી પ્રાણોની ગતિને સંપૂર્ણપણે રોકી દેતા હોય છે. આ ક્રિયામાં કેટલાંક મહત્ત્વપૂર્ણ ઊર્જાકેન્દ્રો પણ ઉત્તેજિત થાય છે, જે યોગીઓને આધ્યાત્મિક અનુભૂતિમાં મદદરૂપ થાય છે. જોકે આગળ કહ્યું એમ ખૂબ જ ઍડ્વાન્સ કક્ષાના સાધક યોગીઓ માટેની આ ક્રિયા છે. સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે એનો નિષેધ છે. જોકે એના પ્રતીકરૂપે ઘણા યોગગુરુઓ જીભને તાળવાથી ઉપર લઈ જવાનો અભ્યાસ કરાવતા હોય છે જે ટંગ એક્સરસાઇઝના લાભ તો આપે જ છે.

આ રહી કેટલીક જીભની કસરત

જીભને અંદર–બહાર ખેંચો : જમીન પર અથવા ખુરસી પર ટટ્ટાર બેસીને ગરદન સીધી રાખીને મોઢું આખું ખૂલે એ રીતે રાખીને હવે જીભને સંપૂર્ણપણે બહાર કાઢીને સ્ટ્રેચ કરો. બહાર બરાબર ખેંચ્યા પછી જીભને અંદર લઈ જઈ જીભને અંદરની તરફ વાળો અને તાળવાની પાછળના ભાગમાં જીભને સ્પર્શ કરાવો. આ અભ્યાસ પચીસથી ત્રીસ વાર કરી શકાય.

જીભને ડાબે-જમણે લઈ જાઓ : મોઢું સંપૂર્ણપણે ખૂલે એ રીતે રાખીને જીભને બહાર સ્ટ્રેચ કરો અને હવે જીભને ડાબે અને જમણે સ્ટ્રેચ કરો. પચીસથી ત્રીસ વાર આ અભ્યાસ કરી શકાય.
મો બંધ રાખીને જીભને ગોળાકાર ફેરવો : મોઢું બંધ રહે એ રીતે જીભને ચારેય દિશામાં ક્લૉકવાઇઝ અને ઍન્ટિ-ક્લોક વાઇઝ ફેરવો. વીસથી ત્રીસ રાઉન્ડ આ કરી શકાય. 

આવા લાભ થઈ શકે ટંગ એક્સરસાઇઝના

ઊઠવા-બેસવા-ચાલવાથી લઈને શરીરની તમામ હલનચલન અને વજન ઉપાડવાની ક્રિયામાં જ્યાં તમારે સ્નાયુઓના સ્ટ્રેંગ્થનો ઉપયોગ કરવાનો હોય છે એમાં જીભની એક્સરસાઇઝથી 
લાભ થશે. 

તમારા મસ્તિષ્કનો બહુ 

મોટો એરિયા છે જે જીભ સાથે જોડાયેલો છે, એટલુ જ નહીં, તમારા હાર્ટના મસલ્સનું પણ જીભ સાથે કનેક્શન છે અને તમારા પેટની હેલ્થ, કિડનીની હેલ્થ, તમારા શરીરમાં રહેલી વિટામિન્સની કમી માટે પણ જીભ ઇન્ડિકેટર છે. જીભની કસરત આ તમામ બાબતોમાં ઉપયોગી પરિણામ આપી શકે છે.

જીભની કસરતથી તમારી હડપચી અને હોઠની કસરત પણ થતી હોવાની ઓવરઑલ ચહેરાની સુંદરતાને પણ ચાર ચાંદ લાગી શકે છે. 

columnists ruchita shah yoga health tips