યોગક્ષેત્રના ત્રણ મહારથીઓને માત્ર ત્રણ સવાલ

20 June, 2019 01:12 PM IST  |  | રુચિતા શાહ- રોજેરોજ યોગા

યોગક્ષેત્રના ત્રણ મહારથીઓને માત્ર ત્રણ સવાલ

યોગક્ષેત્રના ત્રણ મહારથીઓને માત્ર ત્રણ સવાલ

રોજેરોજ યોગા

મુંબઈની અને દેશની સૌથી જૂની ‘ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ’નાં ડ‌િરેક્ટર હંસાજી જયદેવ યોગેન્દ્ર છેલ્લાં ૪૦ વર્ષથી યોગના ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. આયુષ મિનિસ્ટ્રી સાથે સંકળાયેલા યોગના એસોસિએશન ‘ઇન્ડિયન યોગ એસોસિએશનનાં તેઓ જૉઇન્ટ સેક્રેટરી છે. સંખ્યાબંધ પુસ્તકો, લેક્ચર્સ, ટેલિવિઝન શો, સેમિનાર્સ અને ન્યુઝ આર્ટિકલ્સ દ્વારા તેમણે યોગનો પ્રચાર-પ્રસાર કર્યો છે. યોગ આસનો જ નહીં, પણ યોગ પાછળ રહેલા હાર્દ સુધી લોકો પહોંચે એવા પ્રયત્નો તેઓ વ્યક્તિગત ધોરણે અને પોતાની ઇન્સ્ટિટ્યૂટના માધ્યમે કરી રહ્યાં છે.

સવાલ-૧ : યોગ માટેના આપના પ્રેમનાં કારણો અને આજના સમયમાં યોગની ઉપયોગિતા.

યોગનો સૌથી મહત્ત્વપૂર્ણ અૅસ્પેક્ટ મને લાગતો હોય તો એ છે એનો સાઇકોલૉજિકલ અૅસ્પેક્ટ. તમારા મગજ પર એ જોરદાર કામ કરી શકે છે. આજે તમે સુખી છો, દુખી છો, વ્યગ્ર છો, ચિંતામાં છો એ બધું કોના પ્રતાપે? તમારા મગજના પ્રતાપે જને? માઇન્ડ ઇઝ રૂટ કૉઝ ઑફ ઑલ ડિસીઝ. એ મગજને ઠેકાણે રાખવાનું કામ યોગ કરે છે અને એની આજના સમયમાં સૌથી વધુ જરૂર છે. જોકે આપણે ત્યાંના લોકો યોગના ફિઝિકલ અૅસ્પેક્ટ સુધી સીમિત થઈને રહ્યા છે. મારે કમર દુખે છે એટલે યોગ કરવો છે, મારે ગરદન દુખે છે એટલે યોગ કરવા છે, મારે પાતળા થવું છે એટલે યોગ કરવા છે. આ જ ગોલ હોય તો આટલું જ મળે, પણ જો તમારો ગોલ આનાથી ઊંચો હોય તો આની સાથે બીજું પણ ઘણું આપી શકવાની સંભાવના યોગ પાસે છે. શરીર, મન, ભાવના, તમારા ઇન્ટરપર્સનલ રિલેશન, દુનિયા સાથેનો તમારો સંબંધ એમ બધું જ યોગને કારણે ઠેકાણે આવી શકે છે. આસનો જિમ્નૅસ્ટિક્સ જેવાં ન લાગે એવાં હોવાં જોઈએ. આજના સમયમાં યોગની ઉપયોગિતા ખૂબ છે, પણ એનાં સાઇકોલલૉજિકલ પાસા પર ધ્યાન વધુ અપાય એ મને જરૂરી લાગે છે. અત્યારે જે થઈ રહ્યું છે એ સમુદ્રમાંથી લોટા જેટલા પાણીનો ઉપયોગ આપણે કરી રહ્યા હોઈએ એવું છે.

સવાલ-૨ : યોગમાં આવી રહેલા કમર્શિયલાઇઝેશન અને યોગ શબ્દના ઉપયોગ કરતાં દુરુપયોગ વિશે આપનો પ્રતિભાવ?

યોગમાં પૈસાનો પાવર સો ટકા વધ્યો છે અને એ દુખદાયી બાબત છે. યોગ પૈસાવાળાની પ્રૉપર્ટી નથી કે ગરીબો યોગ ન શીખી શકે એવું નથી. હું એમ પણ માનું છું કે યોગ ફ્રીમાં ન શીખવવા જોઈએ, કારણ કે મફતની લોકોને વૅલ્યુ નથી. નિઃશુલ્ક મળતી બાબતોમાં આપણે ત્યાં લોકો સિન્સિયર થતા જ નથી. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં અમારી ફી વાજબી રાખી છે, પરંતુ એમાંય જો જ્ઞાનપિપાસુ પાત્ર દેખાય અને તેની યોગ શીખવાની ઝંખના તીવ્ર હોય તો ફી આડે ન આવે એની તકેદારી અમે રાખીએ છીએ. ઓછામાં ઓછી ફી, સ્કૉલરશિપ, ઇન્સ્ટૉલમેન્ટ એમ તમામ વ્યવસ્થા છે. અમારે ત્યાં રોજેરોજના યોગ ક્લાસની પણ મિનિમમ ફી લેવામાં આવે છે. શાકવાળા, કામવાળા જેવા આર્થિક રીતે નબળા સ્તરમાંથી આવતા હોય તેમની પાસેથી અમે ફી નથી પણ લેતા.યોગના બદલાયેલા સ્વરૂપ માટે પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે એમાં કોઈક નવી વ્યવસ્થા કે પૉલિસી બને.

સવાલ-૩ : આવનારો સમય કેવો રહેશે યોગના સંદર્ભમાં?

યોગનો આ ગોલ્ડન ટાઇમ છે. ઘણા નવા અૅવન્યુ આ ક્ષેત્રમાં ઊઘડી રહ્યા છે. યોગ તરફ જોવાનો લોકોનો નજરિયો બદલાઈ રહ્યો છે. જોકે જેમ પ્રચાર અને પ્રસાર વધે એમ ગુણવત્તામાં કચાશ આવવાની પણ શરૂ થાય છે. એના માટે અમે કન્સ્ટ્રક્ટિવ પગલાંઓ લઈ રહ્યા છીએ. જોકે છેલ્લે લોકોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ કરવો રહ્યો.

યોગના પ્રચાર-પ્રસાર અને યોગશિક્ષણને પદ્ધતિસર આપવામાં આવે એ આશયથી ૧૯૯૮માં ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી નવી દિલ્હીની મોરારજી દેસાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ યોગમાં છેલ્લાં ૧૪ વર્ષથી ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલા ડૉ. ઈશ્વર બસવરેડ્ડી ૩૨ વર્ષથી યોગ અને યોગશ‌િક્ષણ સાથે સંકળાયેલા છે. યોગ થેરપી અને રિસર્ચ માટે તેમણે ઈન્સ્ટિટયૂટ લેવલે ઘણા ફેરફારો કર્યા છે. ભૌતિક શાસ્ત્રમાં માસ્ટર્સ કરનારા ડૉ. ઈશ્વર ૩૨૦ કરતાં વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં પોતાના રિસર્ચ પેપર રજૂ કરી ચૂક્યા છે. ૧૦૦૦થી વધારે લેક્ચર્સ તેઓ આપી ચૂક્યા છે.

સવાલ-૧ : યોગ માટેના આપના પ્રેમનાં કારણો અને આજના સમયમાં યોગની ઉપયોગિતા.

હું સાતમાં ધોરણમાં ભણતો હતો ત્યારથી યોગ કરતો આવ્યો છું. મને યાદ છે કે કર્ણાટક યુનિવર્સિટીમાં લક્ષ્મણ કુમારજી નામે એક પ્રોફેસર હતા જેમણે મને યોગ માટે ખૂબ મોટિવેટ કર્યો હતો. યોગમાં સૌથી આકર્ષક બાબત જો કોઈ હોય તાે એ છે ધ્યાન. ધ્યાન યોગનું હાર્દ છે. પોતાની જાતને જાણવાની પ્રોસેસ. એ પ્રોસેસ દરમ્યાન થતાં આસન, પ્રાણાયામ જેવી ક્રિયાઓ તો એની બાયપ્રોડક્ટ ગણાય છે. આજના સમયમાં યોગની દરેકે દરેક બાબતની જરૂર સમાજને છે. આ જ કારણ છે કે આજે યોગનો વ્યાપ અને વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ એની જરૂરિયાત સાથે ઉદ્ભવેલા છે. માત્ર માર્કેટિંગ અને પ્રચાર-પ્રસારથી આટલી સાતત્યતા સાથે કોઈનો વિકાસ ન થાય એ આપણે સમજવું જોઈએ.

સવાલ-૨ : યોગમાં આવી રહેલા કમર્શિયલાઇઝેશન અને યોગ શબ્દના ઉપયોગ કરતાં દુરુપયોગ વિશે આપનો પ્રતિભાવ.

એ સાવ સાચી અને નરવી હકીકત છે કે યોગના ક્ષેત્રમાં અંધાધૂંધ કમર્શિયલાઇઝેશન આવ્યું છે અને એની વ્યાપકતાને કારણે અત્યારે એના પર લગામ તાણવી પણ શક્ય નથી દેખાતું. યોગ એના મૂળભૂત રૂપથી બદલાઈ રહ્યા છે અને લોકો એના નામનો મનફાવે ત્યાં ઉપયોગ કરી રહ્યા છે એ બાબત અમારા ધ્યાનમાં છે. એના પર નૅશનલ પૉલ‌િસી બનાવવાની વિચારણાઓ ચાલી રહી છે. જોકે એક બાબતમાં નિશ્ચિત છીએ કે ગમે તેવાં ગતકડાં યોગના નામે કરશે તો પણ એ ટકશે નહીં. એની શેલ્ફ લાઇફ ઓછી છે.

સવાલ-૩ : આવનારો સમય કેવો રહેશે યોગના સંદર્ભમાં?

આવનારા સમયમાં યોગને લઈને થોડુંક વધુ ઊંડાણ આવે, એના ફૉર્મલ શિક્ષણને ગંભીરતાથી લેવામાં આવે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ભારત સરકારના આયુષ વિભાગ સાથે મળીને અમે યોગના શિક્ષકો માટે કેટલીક પરીક્ષાઓ પણ શરૂ કરી છે. ગુણવત્તા વધે એ માટેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. એ દિવસો દૂર નથી જ્યારે થિન્ક, ટૉક અને ડૂ યોગ લોકોના જીવનનો હિસ્સો બની જશે. ૨૪ કલાક યોગમય જીવન જીવનારા લોકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. હું તમારા માધ્યમે દરેકને કહીશ કે તમારા જીવનમાં કમ સે કમ પાંચ મિનિટ એવી હોવી જોઈએ જેમાં તમે યોગમય હોય. વિચારતા હો યોગ વિશે, બોલતા હો અથવા કરતા હો.

ડૉ.આર. નાગરથ્ના યોગક્ષેત્રનું ખૂબ જ આદરણીય નામ ગણાય છે. સ્વામી  વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાના આરોગ્યધામમાં યોગ અને લાઇફ સાયન્સના ડીન તથા આ જ સંસ્થાના આરોગ્યધામના ચીફ કન્સલ્ટન્ટ છે. રૂમૅટોલૉજિસ્ટ ડૉક્ટર તરીકેની કારકિર્દી છોડીને તેમણે પોતાનું આખું જીવન યોગના વિવિધ સંશોધન માટે સમર્પિત કરી દીધું. આજે પણ યોગની વિવિધ અસરોના પદ્ધતિસર વૈજ્ઞાનિક અભિગમ સાથે થઈ રહેલા સંશોધનમાં તેમની અને તેમની સંસ્થાની અપ્રતિમ ભૂમિકા છે. તેમણે કરેલા વિવિધ રિસર્ચની નોંધ દેશ-વિદેશના ૮૦થી વધુ મેડિકલ જર્નલમાં નોંધ લેવાઈ છે. જુદી-જુદી બીમારીઓ પર યોગની અસર પર તેમના દ્વારા લખાયેલાં લગભગ ૧૧ પુસ્તકો પ્રકાશિત થયાં છે. યોગક્ષેત્રમાં ખૂબ જ વિદ્વાન વ્યક્તિ તરીકે તેમની ગણના અગ્રતમ વ્યક્તિઓમાં થાય છે. મિડ-ડે સાથેના ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં તેમણે શૅર કરેલા યોગક્ષેત્ર‌ વિશેના વિચારો પ્રસ્તુત છે.

સવાલ-૧ : યોગ માટેના આપના પ્રેમનાં કારણો અને આજના સમયમાં યોગની ઉપયોગિતા.

૪૫ વર્ષથી યોગ સાથે પૂરેપૂરી રીતે સંકળાયેલી છું અને મારા વર્ષોના અનુભવ પરથી કહું છું કે યોગ જેટલી પાવરફુલ વસ્તુ આ દુનિયામાં બીજી એકેય નથી. યોગ દ્વારા અમે અનેક ફૅસિનેટિંગ પરિણામો મેળવ્યાં છે જેમાં તમારી અક્કલ કામ ન કરે. મેડિકલ સાયન્સ મૂંઝવણમાં મુકાઈ જાય. ડૉક્ટર હોવાને નાતે આ ક્ષેત્રને પણ બરાબર રીતે સમજી શકી છું. તમે વિચાર તો કરો આજ જેટલા એકેય ડિવાઇસ ત્યારે હયાત નહોતાં છતાં શરીર વિજ્ઞાનને બરાબર સમજીને આપણા ઋષિમુનિઓએ પ્રૉપર એ જ રીતની પદ્ધતિ આપી. વિચાર કરો એ લોકો એ સમયે કેટલા પાવરફુલ હતા. હું નાનપણથી યોગની તાલીમ લેતી હતી. દરેક વખતે મને એમાંથી કંઈક નવી વસ્તુ મળી છે. અત્યારના સમયે યોગ આસનોમાં વધુ સ્થિર થયો છે. જોકે એમાં મને કંઈ ખોટું નથી લાગતું. શરૂઆત આવી જ હોય. ફિઝિકલ ફિટનેસ, પછી મેન્ટલ ફિટનેસ, પછી સ્પિરિચ્યુઅલ ફિટનેસ. આ બધું એક પિરામિડ જેવું છે. દરેક વિજ્ઞાનમાં આ જ રીતે આગળ વધાતું હોય છે. યોગ પણ ‌એક વિજ્ઞાન છે. ફિઝિકલ લાભ માટે લોકો યોગ કરે તો એ પણ સારું જ છે. એને નીંદવા જેવું કંઈ નથી.

સવાલ-૨ : યોગમાં આવી રહેલા કમર્શિયલાઇઝેશન અને યોગ શબ્દના ઉપયોગ કરતાં દુરુપયોગ વિશે આપનો પ્રતિભાવ?

જે થઈ રહ્યું છે એને આગળ વધારો. બિયર યોગ, ડૉગ યોગ કે ગોટ યોગ. જે છે એ ભલે રહ્યું. આજે ડૉગ યોગ કરનારા આવતી કાલે બનતા બનતા માનવ બની જશે અને અસલી યોગ તરફ ખેંચાશે જ. ચ‌િંતાનું કોઈ કારણ નથી. કોઈને રોકવાની કે કોઈના પર ચર્ચા કરવાની જરૂર નથી. એવો સમય પણ આવ્યો છે જ્યારે સંપૂર્ણ પરંપરા લુપ્ત થઈ ગઈ હતી અને યોગશાસ્ત્ર વિશે કોઈ જાણતું સુધ્ધાં નહોતું. એ પછીયે એ કાળખંડમાંથી ફરી યોગનો ઉદ્ભવ થયો જ છે. જે સત્ય છે, જે સાત્ત્વ‌િક છે એ ક્યારેય નષ્ટ ન થાય. એટલે અત્યારે જે તમાશો ચાલી રહ્યો છે એ ચાલવા દો.

આ પણ વાંચો: શરીરની સફાઈ કેમ રાખવી એની વાતો પણ છે યોગમાં

સવાલ-૩ : આવનારો સમય કેવો રહેશે યોગના સંદર્ભમાં?

યોગ માટે અત્યારનો સમય પણ શ્રેષ્ઠ છે અને આવનારો સમય આના કરતાં પણ વધુ બહેતર જવાનો છે. ભારત સરકાર દેશભરમાં સ્વાસ્થ્ય કેન્દ્રો શરૂ કરી રહી છે, જેને કારણે યોગશિક્ષકોની ડિમાન્ડમાં જોરદાર વધારો થશે. એ સિવાય પણ યોગના હોલિસ્ટિક અપ્રોચ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. યોગની મેથડમાં સૌથી મહત્ત્વની બાબત કોઈ હોય તો એ છે રિલૅક્સેશન. શરીરને હીલ થવા માટે રિલૅક્સેશન ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે અને એ યોગ દ્વારા સતત આપવામાં આવે છે. ડીપર અને ડીપર રિલૅક્સેશન એની સૌથી મોટી ખૂબી છે જેની આજના સમયમાં સૌથી વધુ આવશ્યક્તા છે. બીજું, યોગશિક્ષકોની ગુણવત્તા અકબંધ રહે એ માટે હવે રાષ્ટ્રીય ધોરણે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.

health tips international yoga day gujarati mid-day