Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શરીરની સફાઈ કેમ રાખવી એની વાતો પણ છે યોગમાં

શરીરની સફાઈ કેમ રાખવી એની વાતો પણ છે યોગમાં

19 June, 2019 11:12 AM IST |
રુચિતા શાહ - રોજેરોજ યોગ

શરીરની સફાઈ કેમ રાખવી એની વાતો પણ છે યોગમાં

સત્કર્મ યોગ

સત્કર્મ યોગ


રોજેરોજ યોગ

ખાલી સ્લેટ પર લખવું વધુ આસાન છે એમ જ જે સ્વચ્છ છે, શુદ્ધ છે તેના પર યોગિક ક્રિયાઓ, આસનો અને પ્રાણાયામની ઝડપી અસર થાય એ દેખીતી વાત છે. શરીરની શુદ્ધિ રોગમુક્તિ માટે જરૂરી છે. યોગાસનો અને પ્રાણાયામ ઉપરાંત પણ શરીરને શુદ્ધ રાખવાની વિવિધ ક્રિયાઓનું વિગતવાર વર્ણન યોગશાસ્ત્રોમાં છે. યોગના પ્રચલિત ગ્રંથોમાં તેને ષટ્કર્મ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે છ પ્રકારની ક્રિયાઓ એમાં સમાવવામાં આવી છે. આ સંદર્ભે ૬૦ કરતાં પણ વધુ વર્ષ જૂની યોગસંસ્થા યોગ વિદ્યા નિકેતનના વાઇસ પ્રેસિડન્ટ અને ષટ્કર્મમાં માહેર એવા દુર્ગાદાસ સાવંત કહે છે, ‘શરીરની નાડીઓમાં બ્લૉકેજ હોય, શરીર આંતરિક રીતે અશુદ્ધ અને રોગગ્રસ્ત હોય તો વ્યક્તિ સાધનાની દિશામાં આગળ વધી શકતો નથી. એ આસન કે પ્રાણાયામમાં સ્થિર રહી શકતો નથી. ઋષિમુનિઓ આ અવસ્થાને જાણીને એના ઉપાયરૂપે ષટ્કર્મની ક્રિયાઓ આપી. જો તમે બાહ્ય રીતે શરીરને વિવિધ ક્રિયાઓથી શુદ્ધ કરી દો તો સ્વાભાવિક રીતે ધ્યાનસ્થ અવસ્થા સુધી તમારા માટે પહોંચવું વધુ સરળ બને.’



ષટ્કર્મની ક્રિયાઓ શરીરના ટોક્સિન્સને દૂર કરવાનું કામ કરે છે. દુર્ગાદાસજી કહે છે કહે છે, ‘આયુર્વેદમાં શરીર શુદ્ધિ માટે પંચકર્મ છે. યોગશાસ્ત્રમા ષટ્કર્મ. બન્નેમાં ફરક એટલો છે કે ષટકર્મમાં પંચમહાભૂતોનો જ સાધન તરીકે ઉપયોગ કરાય છે. મહદ્ અંશે જળ, વાયુ, આકાશ અને પૃથ્વી તત્ત્વ દ્વારા જ શરીરની શુદ્ધિ થાય છે. તમારા શરીરના નોસ્ટ્રલ અને રેસ્પિરેટરી પૅસેજ, ડાયજેસ્ટિવ પૅસેજને સાફ કરવાથી તાત્કાલિક લાભ થયાના હજારો કિસ્સા અમે જોયા છે. શરીરની અશુદ્ધિને પ્રયાસપૂર્વક બહાર ફેંકો એટલે સ્વાભાવિક જ લાભ તો થવાનો જ છે. આમ તો આપણું શરીર પોતે જ કુદરતી રીતે પોતાની શુદ્ધિ જાળવી શકે એટલું સક્ષમ છે, પરંતુ જ્યારે પ્રદૂષણની માત્રા વધુ હોય અને લાઇફસ્ટાઇલ બગડી ગયેલી હોય તો શરીરની કુદરતી શક્તિઓ ટોક્સિન્સને બહાર કાઢવા માટે પૂરતી નથી. ત્યારે ષટકર્મ પિક્ચરમાં આવે છે.’


ધૌતિ

ધૌતિ એટલે ધોવું. મોઢાથી લઈને ગુદાદ્વાર સુધીનાં તમામ ઑર્ગનોને ધોઈને સાફ કરવાની ક્રિયાને ધૌતિ ક્રિયા કહેવાય. એના ઘણા પ્રકાર છે, જેમાં દંત ધૌતિ એટલે આંગળીથી દાંત સાફ કરવા, કર્ણરંદ્ર ધૌતિ એટલે કે કાનને મસાજ કરવો, જિવ્હા અને તાળવાને સાફ કરવાં, વમન ધૌતિ એટલે કે સારી માત્રામાં પાણી પીને વૉમિટ કરી લેવું, જેથી પેટમાં રહેલું પિત્ત બહાર આવી જાય. વસ્ત્ર ધૌતિમાં કૉટનનું લાંબું અને સાંકડું કપડું આંતરડા સુધી પહોંચે ત્યાં સુધી ગળતા જવાનું. ધૌતિથી ડાયજેશનને લગતી ઘણી સમસ્યાઓ દૂર થાય. દંડ ધૌતિ પણ એક ખૂબ ઉપયોગી ક્રિયા છે, જેમાં રબરની અમુક આકારની પાઇપને ગળાના માધ્યમથી પેટ સુધી પહોંચાડીને ડાયરેક્ટ એમાંથી ઍસિડ બહાર આવે એવું કરવાનું. બહુ જ ઍસિડનો પ્રકોપ હોય તેમને માટે આ ઉપયોગી ક્રિયા છે. ગજકરણી કરીને એક ક્રિયા છે, જેમાં મીઠાંનું પાણી ગટગટાવી જઈને હાથી પોતાની સૂંઢમાંથી ફુવારા છોડે એ રીતે પાણી બહાર કાઢવાનું, વ્યાઘ્રકરણી છે, જેમાં એકસામટું આ પાણી બહાર કાઢવાનું. શંખ પ્રખાલન કરીને એક ખૂબ પ્રચલિત યોગક્રિયા છે, જે પણ ધૌતિનો જ હિસ્સો છે એમાં ટુકડે ટુકડે લગભગ વીસ ગ્લાસ જેટલું મીઠાયુક્ત પાણી પીને વચ્ચે વચ્ચે વિવિધ આસનો કરવાનાં. આ પણ તમારાં આંતરડાંના ક્લીનિંગ માટે બેસ્ટ ક્રિયા ગણવામાં આવે છે.


બસ્તી

એનિમા વિશે સાંભળ્યું છેને. બસ્તી એટલે યોગિક એનિમા. ફરક માત્ર એટલો કે એનિમામાં બહારથી ફોર્સ આપીને કોલોનને ક્લીન કરવામાં આવે છે, જ્યારે બસ્તીમાં કેથેટર દ્વારા ગુદાદ્વારમાંથી બહારથી પાણી (જલ બસ્તી) અથવા હવા (સ્થલ બસ્તી) ને પ્રેશર સાથે ઉપયોગમાં લે છે. એનિમા લાંબા ગાળે તમારી મળવિસર્જનની કુદરતી ક્રિયાને શિથિલ કરી શકે છે, જ્યારે બસ્તી તમારા એ અવયવને વધુ સ્ટ્રૉન્ગ બનાવે છે. કબજિયાત માટે બસ્તી રામબાણ ઇલાજ ગણાય છે. એના માટે યોગમાં ઉડિયાન બંધ અને નૌલી ક્રિયા કરવામાં આવે છે. ઉડિયાન બંધ એટલે પેટના મસલ્સને અંદરની તરફ સંકુચિત કરવા. શરીરની લાંબા ગાળાની તંદુરસ્તી માટે આ શ્રેષ્ઠ ક્રિયા ગણવામાં આવે છે.

નેતિ

જળ નેતિ અને સૂત્ર નેતિ એ આ ક્રિયાના મુખ્ય પ્રકાર છે. નેઝલ પૅસેજને લગતી સમસ્યાઓ અને ઍલર્જીની તકલીફો આ ક્રિયાથી દૂર થાય છે. ડાબા નાકથી મીઠું નાખેલું નવશેકું પાણી જમણા નાકથી બહાર કાઢવું અને જમણી નોસ્ટ્રલથી ડાબી નોસ્ટ્રલમાંથી પાણી બહાર કાઢવું. સૂત્ર નેતિમાં કેથેટર નાકથી ગળામાંથી બહાર કાઢવું. આ સાંભળવામાં જેટલું અઘરુ લાગે છે એટલુ કરવામાં નથી હોતું. શરીરને એક વાર એની ટેક્નિક રજિસ્ટર્ડ થઈ ગઈ તો આ ક્રિયાઓ કરવામાં સરળ અને ઉપયોગી છે, જેને દર મહિને શરદી થતી હતી એવા લોકોને ભાગ્યે જ શરદી થાય એવા કિસ્સાઓ અમે આ ક્રિયાના રિઝલ્ટરૂપે જોયા છે. આંખ માટે આ ઉપયોગી છે. મેમરી માટે પણ નેતિ ક્રિયાની ઉપયોગિતા ઘણી છે. નોસ્ટ્રલ પૅસેજ સાફ થવાથી ભવિષ્યના ઇન્ફેક્શન પણ આ ક્રિયા કરનારાને નથી લાગતા.

ત્રાટક

કોઈ પણ એક જ ઑબ્જેક્ટ પર એક ધ્યાન કૉન્સન્ટ્રેશન કરવું અને એમ કરતાં આંખમાંથી પાણી આવે આ ક્રિયા ત્રાટક છે. શરીરના હિડન ઇમોશન ત્રાટક ક્રિયા કરવાથી બહાર નીકળી જાય છે. કેટલીક વણકહી લાગણીઓને કારણે આપણને સાઇકોસોમેટિક રોગો થતા હોય છે. એના માટે ત્રાટક ક્રિયા લાભકારી છે. આંખો તેજ, તમારા વ્યક્તિત્વની પ્રભાવકતા વધારવા માટે તો તે ઉપયોગી છે જ.

નૌલિ

પેટના સ્નાયુઓને ગોળાકાર અને ડાબે જમણે હલાવવાની ક્રિયાને નૌલિ કહે છે. ઍબ્ડોમિનલમાં આવેલા આંતરિક ઑર્ગનને મસાજ આપવાની આ ક્રિયાથી તમારા ડાયજેશનને લગતી સમસ્યાઓ માટે ખૂબ જ ઉપયોગી છે.

આ પણ વાંચો : યોગીઓની અલભ્ય સિદ્ધિઓ ચમત્કાર નથી, પરંતુ વિજ્ઞાન છે

કપાલભાતિ

કપાલભાતિના બે પ્રકાર છે. વાતક્રમ અને વ્યુતક્રમ. વાતક્રમ પ્રચલિત છે, જેમાં હવાને તમે ફોર્સફુલી બહાર કાઢો છો. વ્યુતક્રમમાં તમે નાકમાંથી પાણી મોમાં અને મોંમાથી પાણી નોસ્ટ્રલમાંથી બહાર કાઢતા હો છો. તમારું કપાલ સૂર્યની જેમ તેજસ્વી થઈ જતું હોય છે આ પ્રાણાયામ. શરીરની ઓવરઑલ સિસ્ટમમાં આ પ્રાણાયામનો ઘણો પ્રભાવ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 11:12 AM IST | | રુચિતા શાહ - રોજેરોજ યોગ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK