06 August, 2025 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભુટ્ટા
વરસાદની ઠંડી મોસમમાં ગરમાગરમ મકાઈના ડોડાનો સ્વાદ, એની સુગંધ આપણને એની તરફ ખેંચી જ જાય છે. ચોમાસામાં શેકેલા ડોડા પર લીંબુ, મસાલો નાખીને ખાવાની એક અલગ મજા છે. સારી વાત એ છે કે ખાવામાં સ્વાદિષ્ટ મકાઈનો ડોડો આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છો.
સામાન્ય રીતે ચોમાસામાં પાચન બગડી જતું હોય છે. કબજિયાત અને અપચાની સમસ્યા થઈ જતી હોય છે. એવામાં મકાઈનો ડોડો ખાવાથી ડાઇજેશન સુધરે છે, કારણ કે એમાં ફાઇબરનું સારુંએવું પ્રમાણ હોય છે. ફાઇબર આપણી ગટ-હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્યને પણ સારું રાખવાનું કામ કરે છે.
ચોમાસાની ઋતુમાં જ્યારે વાઇરલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધુ હોય છે ત્યારે મકાઈનો ડોડો ખાવાથી ઇમ્યુનિટી સારી થાય છે. એમાં રહેલું બીટા કૅરોટિન, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, વિટામિન C તેમ જ પોટૅશિયમ, મેગ્નૅશિયમ જેવાં મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
મકાઈનો ડોડો ખાવાથી એનર્જી પણ બૂસ્ટ થાય છે. એમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે જે ધીરે-ધીરે ડાઇજેસ્ટ થાય છે. એટલે એને ખાધા પછી શરીરમાં લાંબા સમય સુધી એનર્જી જળવાઈ રહે છે.
મકાઈ વેઇટલૉસ કરી રહેલા લોકો માટે પણ એક સારો સ્નૅક-ઑપ્શન છે. એમાં રહેલા હાઈ ફાઇબરને કારણે લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે એટલે ઓવર-ઈટિંગથી બચાવ થાય છે. આ એક નૅચરલ લો ફૅટ ફૂડ છે જેને કોઈ પણ જાતના ખચકાટ વગર આરામથી ખાઈ શકાય છે.
મકાઈનો ડોડો ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ સારો છે. ચોમાસામાં વધારે પડતા ભેજને કારણે ત્વચા તૈલી થઈ જાય છે. મકાઈના ડોડામાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને વિટામિન Eથી સ્કિન ડીટૉક્સ થાય છે. એમાં રહેલાં વિટામિન B અને ઑમેગા 6 ફૅટી ઍસિડ્સ વાળ માટે પણ સારાં હોય છે.