પ્રેગ્નન્સીમાં હાઈ બીપી હોય તો સ્ટ્રોક આવી શકે?

26 March, 2024 07:24 AM IST  |  Mumbai | Dr. Shirish Hastak

જે સ્ત્રીને હાઈ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ પ્રેગ્નન્સી પહેલાંથી જ રહેતો હોય તેને પ્રેગ્નન્સી દરમ્યાન ઍસ્પિરિનનો લો-ડોઝ અને કૅ​લ્શિયમ સ​પ્લિમેન્ટ્સ આપવાં ખૂબ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૫ વર્ષની છું. મારા પપ્પાનું મૃત્યુ સ્ટ્રોક આવવાથી થયું હતું. કાકાને પણ આ તકલીફ હતી. હાલમાં મારાં માસીને સ્ટ્રોક આવ્યો. તેઓ ફક્ત બાવન વર્ષનાં જ છે. તેમને જોકે બ્લડ-પ્રેશરની તકલીફ હતી. મને હાલમાં પ્રેગ્નન્સી દરમિયાન હાઈ બ્લડ-પ્રેશર શરૂ થયું છે. હું ડરની મારી કોઈ દવાઓ લેતી નથી, પરંતુ દવાઓ નહીં લઉં અને બ્લડ-પ્રેશર પ્રૉબ્લેમ કરશે તો શું મને નાની ઉંમરે સ્ટ્રોક આવી શકે? મારા બાળકનું શું થશે? હું એકદમ મારા પપ્પા જેવી જ છું. પહેલાં મને એમ હતું કે સ્ત્રીઓમાં સ્ટ્રોક આવે નહીં, પરંતુ માસીની હાલત જોઈને મને ગભરામણ થાય છે. પ્રિવેન્શન માટે કંઈ કરાય?
   
સ્ટ્રોક જેવી તકલીફ વારસાગત હોઈ શકે છે, પણ તમે ગભરાઓ નહીં. પ્રેગ્નન્સીમાં હાઈ બ્લડ-પ્રેશર આવે એટલે એનો અર્થ એ નથી કે તમને સ્ટ્રોક આવી જશે. ગાઇડલાઇન્સ મુજબ સ્ત્રી જ્યારે પ્રેગ્નન્ટ બને છે ત્યારે જ વૅસ્ક્યુલર ડિસીઝનાં પહેલાં ચિહનો સામે આવે છે. ખાસ કરીને જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન ઇક્લેમ્પસિયા કે પ્રીક્લેમ્પસિયા જેવા રોગ થાય છે તેમના પર પછીથી સ્ટ્રોકની શક્યતા બમણી થઈ જાય છે. લાઇફસ્ટાઇલ એકદમ પ્રૉપર રાખવી જેને કારણે આ સમસ્યા વકરે નહીં. આ ઉપરાંત ગાઇડલાઇન્સ મુજબ જે સ્ત્રીને ઑરા સાથેના માઇગ્રેનની તકલીફ હોય તેને પણ સ્ટ્રોકનું રિસ્ક વધારે હોય છે તેથી તેણે પણ સાવચેતી રાખવી જરૂરી છે. 

જે સ્ત્રીને હાઈ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ પ્રેગ્નન્સી પહેલાંથી જ રહેતો હોય તેને પ્રેગ્નન્સી દરમ્યાન ઍસ્પિરિનનો લો-ડોઝ અને કૅ​લ્શિયમ સ​પ્લિમેન્ટ્સ આપવાં ખૂબ જરૂરી છે. જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ હોય તેમણે ​ડિલિવરી પછી પણ સતત થોડા-થોડા સમયે પોતાનું બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ ચેક કરાવતા રહેવું જરૂરી છે. જો થોડું પણ વેરિએશન આવે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી. આમ તો કોઈ પણ સ્ત્રીએ સ્મોકિંગ અને આલ્કોહૉલથી દૂર જ રહેવું, પરંતુ ખાસ કરીને જે સ્ત્રીઓ માઇગ્રેનથી પીડિત છે તેમણે ક્યારેય સ્મોકિંગ કરવું જ નહીં. બૅલૅન્સ્ડ ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, ઓબેસિટી અને હાર્ટબીટ્સના રિધમનો પ્રૉબ્લેમ જેને આ​ર્ટ્રિયલ ​ફિબ્રિલેશન કહે છે એ આજે પણ સ્ટ્રોકનાં મુખ્ય કારણોમાંનું એક છે. આ પ્રૉબ્લેમ હોય તેમણે રેગ્યુલર ચેક-અપ અને દવાઓ દ્વારા એને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. તમે ચિંતા ન કરો. ઇલાજ કરાવો, દવાઓ લો અને ખુદનું ધ્યાન રાખો. 

life and style health tips columnists