ચિંતા અને દુઃખની અસર શુગર પર પડે?

27 March, 2024 09:02 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે કોર્ટીસોલ હૉર્મોન જન્મે છે અને આ સ્ટ્રેસ હૉર્મોન શરીરમાં લોહીમાં રહેલી શુગરનું પ્રમાણ વધારે છે.

પ્રતીકાત્મક તસવીર

૭૨ વર્ષના મારા ભાઈને છેલ્લાં ૭ વર્ષથી ડાયાબિટીઝ છે, પરંતુ શિસ્તબદ્ધ જીવન જીવતાં તેમની શુગર હંમેશાં કન્ટ્રોલમાં રહી હતી. ૬ મહિના પહેલાં તેમની પત્નીનું અવસાન થયું અને તેમના પર એ વાતની ખૂબ ગંભીર અસર થઈ. તેમનું રૂટીન તો ખોરવાયું જ, પરંતુ સાથે-સાથે ભયંકર દુઃખમાં જીવવા લાગ્યા છે. પોતે પત્નીને બચાવી ન શક્યા એનો સ્ટ્રેસ કોરી ખાય છે. હાલમાં ૩૯૦ જેટલી શુગર વધી જતાં તેમને હૉસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો. શું માનસિક પરિસ્થિતિની અસર શુગર પર થતી હશે?
    
સ્ટ્રેસની વ્યાખ્યા કરીએ તો કહી શકાય કે એક એવી માનસિક અવસ્થા જેમાં ઇમોશનલ તાણ કે ટેન્શન ઉદ્ભવે જેને તમે પહોંચી ન વળો. સામાન્ય રીતે સ્ટ્રેસ એ વર્તણૂક સાથે સંબંધિત તકલીફો જેમ કે વધુ પડતું ખાવું, હાઈ ફેટવાળો ખોરાક વધુ ખાવો કે ખોટા ખોરાકની પસંદગી વધુ કરવી, શારીરિક ઍક્ટિવિટી ન કરવી, આળસુ બની રહેવું અને બેઠાડું જીવન જીવવું વગેરે જેવી તકલીફો જોવા મળે છે. સ્ટ્રેસને કારણે વ્યક્તિની ઊંઘ ઓછી થઈ જાય અથવા તે ઊંઘે, પણ એ ગાઢ ઊંઘ ન હોય. સ્ટ્રેસને કારણે વ્યક્તિને માનસિક તકલીફો પણ ઉદ્ભવતી હોય છે, જેમ કે તે ડીપ્રેશન, એન્ગ્ઝાયટી, અસુરક્ષાની ભાવના વગેરેનો શિકાર બની શકે છે, આ બધા જ પ્રકારના બદલાવ તેને ડાયાબિટીઝ તરફ ધકેલે છે. આ બધા જ બદલાવ ટ્રીગર છે જે ડાયાબિટીઝને તાણી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આમ સ્ટ્રેસ એ ડાયાબિટીઝનું કારક બને છે અને જેમને હોય તેનો ડાયાબિટીઝ વકરે છે. 

જ્યારે તમે સ્ટ્રેસમાં હો છો ત્યારે કોર્ટીસોલ હૉર્મોન જન્મે છે અને આ સ્ટ્રેસ હૉર્મોન શરીરમાં લોહીમાં રહેલી શુગરનું પ્રમાણ વધારે છે. જેમને ડાયાબિટીઝ છે જ એવી વ્યક્તિને પણ કોર્ટીસોલને કારણે ઘણો ખતરો છે, કારણ કે તેમનું શુગર લેવલ કન્ટ્રોલમાં રહેતું નથી. આમ સ્ટ્રેસને કારણે ડાયાબિટીઝ, ડાયાબિટીઝને કારણે વધુ સ્ટ્રેસ, વધુ સ્ટ્રેસને કારણે અનિયંત્રિત ડાયાબિટીઝ અને અનિયંત્રિત ડાયાબિટીઝને કારણે વધતો જ રહેતો સ્ટ્રેસ એ એક ક્યારેય ખતમ ન થતી સાઇકલ છે. આ સાઇકલને તોડવી સમય જતાં અઘરી પડે છે, જે માટેના પ્રયાસો જેટલા વહેલા શરૂ થાય એ ફાયદેમંદ છે. તમારા ભાઈની પરિસ્થિતિ સુધારવા પહેલાં તેમની માનસિક પરિસ્થિતિ પર ધ્યાન દેવું જરૂરી છે. જો માનસિક સ્ટ્રેસ દૂર થશે તો જ શારીરિક રોગમાં ફરક પડશે એ હકીકત છે. આમ, ફક્ત દવાઓ લેવાથી ફરક નહીં પડે. માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

health tips life and style columnists