વજન વધુ હોવા છતાં બાળક કુપોષિતહોય?

29 March, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકો કુપોષણનો શિકાર છે તે બાળકો રોગો સામે લડી શકતાં નથી. વારંવાર તેઓ માંદા પડે છે અને દવાઓ સાથે પણ જલદીથી ઠીક થતાં નથી.

પ્રતીકાત્મક તસવીર

મારો દીકરો ૮ વર્ષનો છે અને એનું વજન થોડું વધારે છે. ઘરમાં એકનો એક હોવાથી લાડ ઘણાં વધારે છે. સ્કૂલમાંથી હાલમાં અમને લેખિતમાં આપવામાં આવ્યું છે કે તે કુપોષણનો શિકાર છે. મારો દીકરો હટ્ટો-કટ્ટો છે, પછી સ્કૂલવાળા કઈ રીતે કહી શકે કે તે કુપોષિત છે? તે જન્મ્યો ત્યારે નબળો હતો, પણ પછી કોઈ વાંધો નથી. ઘરમાં ખાવા-પીવાનું સુખ છે. આજકાલનાં બાળકો તો આમ પણ ચીઝ-પનીર ભરી-ભરીને ખાતા હોય છે. આમાં, વળી કુપોષણ ક્યાંથી આવ્યું?   

જે લોકો ગરીબ છે, બે ટંક ખાવા માટે પણ પૈસા નથી, તેમનાં બાળકો કુપોષણનો શિકાર બને છે, પરંતુ કુપોષણ એ ગરીબોનો રોગ નથી. કુપોષણ કોઈ પણ બાળકને થાય છે. સારાં ઘરોમાં પ્રી-ટર્મ જન્મતાં બાળકો જન્મથી જ કુપોષિત છે તો જે બાળકો ફક્ત જન્ક ખાઈ-ખાઈને ગોળ-મટોળ થઈ ગયાં છે એ બાળકો પણ કુપોષણનો શિકાર છે. અમુક બાળક જમવાનું જોઈને જ ભાગી જાય છે, એક કલાકમાં માંડ ચાર ચમચી ખાય છે એ પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ નથી અને એ બાળકો પણ કુપોષિત છે. જો તમારું બાળક દરેક ઍક્ટિવિટી એની ઉંમર મુજબ વ્યવસ્થિત કરી શકતું ન હોય, તેની માનસિક ક્ષમતા સારી ન હોય અને તેનું વજન એના આદર્શ વજન કરતાં ૧-૨ કિલો નહીં, પરંતુ ઘણું વધારે હોય તો એને પણ કુપોષણ જ કહીશું. 

બાળકો કુપોષણનો શિકાર છે તે બાળકો રોગો સામે લડી શકતાં નથી. વારંવાર તેઓ માંદા પડે છે અને દવાઓ સાથે પણ જલદીથી ઠીક થતાં નથી. લાંબા ગાળા સુધી જે બાળકો કુપોષિત જ રહે છે તેમના વિકાસમાં પણ ક્ષતિ પહોંચે છે. ઉંમર પ્રમાણે તેમનું વજન અને ઊંચાઈ વધતા નથી. આ સિવાય માનસિક વિકાસ પર પણ અસર થાય છે. આ બાળકો કુપોષિત હોવાને કારણે સારું ભણી પણ શકતાં નથી. તેમના દરેક પ્રકારના વિકાસમાં અડચણ આવે છે. એનીમિયા અને અંધાપા જેવી તકલીફો પણ કુપોષણને કારણે જ આવે છે. જરૂરી છે કે તમે બાળ-નિષ્ણાતને મળો. તમારા બાળકને પોષણયુક્ત ખોરાક ખાતા શીખવો. લાડ છોડો અને જન્ક ફૂડ-ફાસ્ટ ફૂડથી દૂર રાખો. જરૂર પડે તો પ્રોફેશનલ મદદથી એનું વજન ઓછું કરાવો. સર્વાંગી વિકાસ માટે એ જરૂરી છે. 

ડૉ. ઝીનલ ઉનડકટ   

columnists life and style health tips