રીંગણ, વાલોળ અને પાપડી જરા સંભાળીને ખાજો

16 November, 2022 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિયાળો એટલે રીંગણનો ઓળો અને દાણાવાળી શાકભાજીઓની સીઝન કહેવાય, પરંતુ આ વિન્ટર વેજિટેબલ્સ નબળી પાચનશક્તિવાળાઓ માટે નથી

રીંગણ, વાલોળ અને પાપડી

વડીલોને આપણું દેશી ખાણું બહુ ભાવે. ઠંડીની સીઝનમાં તેમને રીંગણનું શાક, ઓળો અને બાજરીના રોટલા ખાવાં ગમે. બજારમાં પણ લાંબા, ગોળ, ભુટ્ટા એમ જાતજાતની સાઇઝનાં રીંગણ મળવા લાગે. ખાસ સુરતથી આવેલાં વાલોળ અને જાડી-પાતળી અને ચપટી પાપડી માર્કેટમાં મળવા લાગી છે ત્યારે એવું ન માનવા માંડતા કે હવે તો બસ તૂટી જ પડીએ આ વિન્ટર વેજિટેબલ્સ પર. હા, બરાબર કહું છું. એક વાત સમજવા જેવી છે કે દરેક સીઝનલ ચીજ હંમેશાં હેલ્ધી જ હોય એવું જરૂરી નથી. એમાંય હવે તો દરેક સીઝનની પોતાની તાસીર પણ હવે ઓરિજિનલ નથી રહી. એમાંય મુંબઈમાં કદી શિયાળો હોતો જ નથી. બપોરે શોષ પાડતો તડકો હોય અને સાંજ-રાત ગુલાબી ઠંડીવાળી. આમાં તમે કડકડતી ઠંડીમાં ખવાય એવી ચીજોનો મારો પેટમાં કરો તો શું થાય? ફાયદાને બદલે નુકસાન જ થાય કે નહીં?

આજે વાત કરવી છે વડીલોને બહુ ભાવતાં અને ઊંધિયાની સીઝનમાં ભરપૂર ખવાતાં રીંગણ, વાલોળ-પાપડી જેવાં શાકની. સૌથી પહેલાં તો એ કહેવું છે કે આ શાક બધાને સુપાચ્ય હોય એ જરૂરી છે. આ શાકભાજી તમને માફક આવશે કે નહીં એનો બહુ મોટો આધાર તમારી તાસીર શું છે અને પાચનશક્તિ કેવી છે એના પર નિર્ભર કરે છે. સૌથી પહેલાં તો વાત કરીએ રીંગણની. બીવાળાં શાક પિત્તકર હોય છે. રીંગણની જેમ ટમેટાંનું પણ એવું જ છે. એટલે જ ઘણી વાર રીંગણનું શાક ખાધા પછી પિત્તના ઓડકાર આવવાની ફરિયાદ ઘણાને હોય છે. બીજું, વાલોળ-પાપડી જેવાં શાક વાયુકર છે. તમે જોયું હોય તો જે વાલોળ કે પાપડી છોડ પરથી ઉતારતાં પહેલાં ઘરડી થઈ ગઈ હોય એની છાલ આપણે કાઢી નાખીએ છીએ અને માત્ર અંદરના દાણા જ વાપરીએ છીએ. એનાથી છાલની અંદરનું જે ફાઇબર છે એ પણ આપણે લૂઝ કરીએ છીએ. ઘરડી વાલોળ-પાપડીના દાણા વધુ વાયુકર હોય છે એટલે માત્ર દાણા નીકળે એવી પાપડી વધુ વાયુ કરે છે.

શિયાળામાં આમેય વાતાવરણમાં અને શરીરમાં શુષ્કતાનું પ્રમાણ વધુ હોય છે. વાયુથી શુષ્કતા ઓર વધે છે. આ જ કારણોસર સૌથી વધુ ખવાતું રીંગણ-વાલોળ-પાપડીના કૉમ્બિનેશનવાળું શાક સુપાચ્ય નથી રહેતું. એમાં પાછું બટાટાનું ઉમેરણ હોય, જે વધુ વાયુ કરે. વડીલોની પાચનશક્તિ આમેય નબળી હોય છે ત્યારે આ કૉમ્બિનેશનવાળાં શાક બને ત્યાં સુધી ઓછાં ખાવામાં આવે એ જ હિતાવહ છે. એમાં પાછું હેલ્ધીના નામે હવે તો ઓછું તેલ અથવા તો ઝીરો ઑઇલ વાપરવાનું ચલણ છે. આવાં શાક માટે તો ઝીરો ઑઇલ ઑર નુકસાનકારક બને છે. જો તમને તમારા બૉડીનું રીઍક્શન નોંધવાની અવેરનેસ હશે તો સમજાશે કે પિત્ત-વાયુકર શાક ખાધા પછી તમને તીખા ઓડકાર આવે છે. ડાયટિંગના નામે આ શાક સૂકું બનાવવામાં આવે એનાથી વધુ વાયુ થાય છે. 

હું કહીશ કે જો તમારી પાચનશક્તિ સારી હોય તો અને તો જ તમારે આવાં શાક ખાવાં જોઈએ. સવાલ એ છે કે પાચનશક્તિ સારી એટલે શું? એનાં કેટલાંક લક્ષણો છે. નિયમિત સમયે ભૂખ લાગે. દિવસમાં એક કે બે વાર મળ બંધાઈને આવે અને પેટ સાફ થઈ જાય. કમોડમાં તમારો મળ તરતો હોય, ડૂબી ન જતો હોય અને જમ્યા પછી તમને સ્ફૂર્તિ અને ચુસ્તી અનુભવાતી હોય એ સારી પાચનશક્તિની નિશાની છે.

આ કૉમ્બિનેશન ક્યારે અને કેવી રીતે ખવાય?

રીંગણ ખાવાં જ હોય તો ઓછામાં ઓછાં બીવાળાં હોય એનું ધ્યાન રાખવું. પાકાં બીવાળો ભાગ હોય તો એ કાઢી નાખવો. ઓળો બનાવો તોય ભૂંજેલા ભુટ્ટાની અંદરના બીવાળો ગર કાઢી નાખવો.

આ શાક બનાવતી વખતે તેલનો છૂટથી ઉપયોગ કરવો. એમાં હિંગ, લસણ અને અજમાનો વઘાર કરવાનું ચૂકવું નહીં. આ શાકમાં ગરમ મસાલા ખૂબ ઓછા વાપરવા. બને તો તલના તેલમાં આ શાક બનાવવું. 

જ્યારે પણ તમારી થાળીમાં આ શાક હોય ત્યારે એને કૉમ્પ્લીમેન્ટ કરવા માટે થાળીમાં સુખડી કે ગોળ-ઘી અચૂક હોવાં જ જોઈએ. તો જ તમારું ભાણું સંતુલિત છે એમ કહેવાશે.

columnists health tips dr ravi kothari