25 April, 2023 05:18 PM IST | Mumbai | Pallavi Acharya
પ્રતીકાત્મક તસવીર
મસાલા ભરવાની સીઝન ચાલે છે અને એમાં જીરાનો ભાવ આસમાન આંબી રહ્યો છે ત્યારે અનેક ગૃહિણીઓ ઘરખર્ચનું સંતુલન જાળવવા માટે થોડોક સમય જીરા વિના ચલાવી લેવાનું વિચારતી હોય તો આ લેખ જરૂર વાંચી જવો. વરસ આખા માટે ભરવાના જીરાની ક્વૉન્ટિટીમાં ભલે તમે અત્યારે ઘટાડો કરતા હો, ઉનાળામાં એનો વપરાશ કમ કરવો ઠીક નથી. અન્ય સીઝનમાં તમે બજેટને સરભર કરી નાખી શકો એમ છો કેમ કે અત્યારની કાળઝાળ અને પિત્ત માથે ચડી જાય એવી ગરમીમાં જીરું અને ધાણાજીરું એ બે બહુ જ હાથવગું રસોડાનું રસાયણ બની રહે એમ છે.
હા, રોજિંદા ખોરાકમાં વાપરી શકાય અને સાથે એ ઔષધનું કામ પણ કરે એવી ચીજ છે ધાણા અને જીરું. ગુજરાતી ઘરોના મસાલિયામાં ધાણાજીરું અચૂક હોય જ. આ બન્ને ઠંડક આપનારી ચીજો છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જીરું વાયુનું શમન કરે છે, ભૂખ ઉઘાડીને ખોરાકની રુચિ વધારે છે, ગ્રાહી અને જંતુઘ્ન ગુણ ધરાવે છે તથા પાચકઅગ્નિ વધારે છે. એ શરીરની ધાતુઓની પુષ્ટિ કરે છે. બપોરે જ્યારે ખૂબ ગરમી લાગતી હોય ત્યારે પણ ધાણાજીરું નાખીને ઉકાળેલું પાણી પીવામાં આવે તો એ ચિલ્ડ શરબતો કરતાં અનેકગણી સારી ઠંડક આપે છે. એ માટે સવારે જ ચાર ગ્લાસ પાણીમાં બે ચમચી ધાણાજીરું નાખીને પાણી ઉકાળવું. આ પાણી ઠરે એટલે ગાળીને પીવું. એનાથી બળબળતી ગરમીમાં પણ ટાઢક વળે છે. ઝીણો તાવ રહેતો હોય તો પરસેવો વળીને ઊતરે છે. ત્વચા અને હાથ-પગના પંજાની બળતરામાં પણ એનાથી ફાયદો થાય છે. ગૃહિણીઓ ધાણાજીરુંમાં લવિંગ, તમાલપત્ર કે અન્ય તેજાના મિક્સ કરીને રાખે છે જેથી એ ગરમ મસાલો અને ધાણાજીરું બન્નેની ગરજ સારે, પણ ઉનાળાના ઔષધ તરીકે ધાણાજીરું વાપરવું હોય તો માત્ર આ બે જ શેકીને તાજું ખંડાવેલું ચૂર્ણ વાપરવું જ બેસ્ટ છે. ખોરાકમાં પણ રાઈના વઘારને બદલે જીરુંનો વઘાર ઉનાળામાં વાનગીના વાયુકર ગુણને શમાવીને વધુ સુપાચ્ય બનાવશે. એટલે જ તો દહીં, છાશમાં પણ શેકેલું જીરું અને સિંધવ મેળવીને ખાવાનું કહેવામાં આવ્યું છે. કાચી કેરીનો બાફલો હોય, લીંબુનું શરબત હોય કે જલજીરા શરબત; બધામાં શેકીને ખાંડેલા જીરું પાઉડરનો છૂટથી ઉપયોગ થાય છે. ઉનાળામાં વિવિધ રાયતામાં પણ જીરુંનો જ ઉપયોગ બહેતર છે. ટૂંકમાં કહીએ તો ગરમીની સીઝનમાં કોઈ પણ વાનગીમાં રાઈને રિપ્લેસ કરીને જીરું વાપરવામાં આવે તો વાનગી વધુ સુપાચ્ય બને છે અને શરીરમાં વણજાઈતી ગરમી પેદા થતી નથી.’
શાક-દાળ બની ગયા પછી છેક છેલ્લે ગૅસ પરથી ઉતારતાં પહેલાં ધાણાજીરુંનો પાઉડર ઉમેરવામાં આવે છે. એનાથી વાનગી સ્વાદિષ્ટ અને સુપાચ્ય બને છે. આ ધાણાજીરું શરીરને ઠંડક આપવાનું કામ પણ કરે છે.
ગૅસ, ઍસિડિટીમાં ફાયદો | ભોજનમાં જીરાનો ઉપયોગ કરવાથી ખોરાકનું પાચન સારી રીતે થઈ જાય છે. ગૅસ, ઍસિડિટી, આફરો, પેટ ફૂલવું જેવી સમસ્યા નથી થતી એમ જણાવતાં જાણીતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ડાઇજેશન પૉઇન્ટ ઑફ વ્યુથી જોઈએ તો એનું ઘણું મહત્ત્વ છે. ભોજનમાં યોગ્ય માત્રામાં જીરાનો સમાવેશ કરો તો ખાધેલું સરળતાથી પચાવી શકો છો. તેથી જ ભારતભરમાં બધાં જ રાજ્યોમાં રસોઈમાં જીરાનો ઉપયોગ થાય છે. ફરાળી વાનગીઓમાં પણ જીરું જ વપરાય છે જેથી એ ગૅસ ન કરે. ફરાળી વાનગીઓમાં તેથી જ રાઈ નથી વપરાતી. પંજાબીઓ પણ છોલે, રાજમા કે અન્ય વાનગીઓમાં શેકેલું જીરું વાપરે છે. છાશમાં પણ તેથી જ શેકેલું જીરું નાખીને પીવાય છે. જીરું તમારા ભોજનના ફૅટ, કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીન ત્રણે સહિત ઓવરઑલ ખોરાકને ડાઇજેસ્ટ કરે છે અને બધાં તત્ત્વો શરીરમાં શોષાઈ જે-તે અંગોમાં એનો યોગ્ય ઉપયોગ કરે છે.’
આ પણ વાંચો : જીરાના ભાવમાં થયેલો ભડકો ઠરશે કે વધુ ભડકશે?
જીરાના અન્ય ફાયદા | જીરું લોહીમાંના કૉલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ જેવાં તત્ત્વોને બહાર ફેંકી લોહીને શુદ્ધ રાખે છે. એ ઉપરાંત અન્ય ફાયદા વિશે યોગિતાબહેન કહે છે, ‘જીરું રેગ્યુલર લેવાથી શરીરમાં યુરિક ઍસિડ સહિતનાં ઍસિડ બહાર ફેંકાઈ જાય છે; જેને લઈને માઇગ્રેન, ઍસિડિટી નથી થતાં એટલું જ નહીં, એના કારણે હાથ અને પગમાં આવતો સોજો, સ્નાયુઓમાં થતી જકડાહટથી બચી શકાય છે. જીરું આંખની ક્ષમતા મજબૂત કરે છે તેથી જો ગર્ભવતી સ્ત્રીઓ માત્ર પાંચમા મહિનામાં જ બદામ સાથે એક ચમચી જીરું લે તો તેના બાળકની આંખોની ક્ષમતા વધારી શકાય છે. જીરું એક જ મહિનો અને રોજ એક જ ચમચી લેવું જોઈએ. વધુ ન લઈ શકાય. ગરમીમાં એક ચમચી જીરું તકમરિયાં સાથે લેવામાં આવે તો શરીરને ઠંડક આપે છે.’
જીરાના પ્રકાર | જીરું સફેદ, કાળું, શાહ, ઘોડાજીરું એમ વિવિધ પ્રકારનું હોય છે. સામાન્ય રીતે આપણે ખોરાકમાં કાળું જીરું વાપરીએ છીએ. જ્યારે પેટમાં તકલીફ હોય ત્યારે ઓથમી જીરું એટલે કે ઘોડાજીરુંનાં ફોતરાં વપરાય છે. આ સફેદ ફોતરાંને ઇસબગુલ કહીએ છીએ જે મોટા ભાગે કબજિયાતના દરદીઓને રાતે સૂતાં પહેલાં ગરમ દૂધ કે પાણી સાથે આપવામાં આવે છે.
કેટલા પ્રમાણમાં લેવાય? | જીરાના ફાકડા ના મરાય. વઘારમાં નાખો એટલું કે રોજનું એક ચમચી જીરું લેવાય, વધારે નહીં.3
જીરું રેગ્યુલર લેવાથી શરીરમાં યુરિક ઍસિડ સહિતનાં ઍસિડ બહાર ફેંકાઈ જાય છે. એને કારણે માઇગ્રેન, ગૅસ, ઍસિડિટી, હાથ-પગમાં સોજો, સ્નાયુઓમાં જકડાહટ ઘટે છે. - યોગિતા ગોરડિયા