મારી ઑપ્ટિક નર્વ ડૅમેજ થઈ ગઈ છે

01 May, 2023 04:25 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

શરૂઆતમાં ધૂંધળું દેખાય છે અને એની તીવ્રતા મુજબ ઘણી વાર ૧-૨ દિવસમાં જ તો ઘણી વખત સમય જતાં આંખની સંપૂર્ણ રોશની જતી રહે છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું ૪૬ વર્ષનો છું. સ્મોકિંગ અને ડ્રિન્કિંગ બન્નેની આદત છેલ્લા બે-ત્રણ મહિનાથી વધી છે. કન્ટ્રોલ કરવાની કોશિશ ચાલુ છે. એકાદ અઠવાડિયાથી ઝાંખું દેખાવાનું શરૂ થયું છે. મને લાગ્યું કે ચશ્માંનો પાવર ઉપર-નીચે થયો હશે એટલે ડૉક્ટર પાસે ગયો તો કહ્યું કે મારી ઑપ્ટિક નર્વ ડૅમેજ થઈ છે, જેનું કારણ ડ્રિન્કિંગ અને સ્મોકિંગ છે. આ આદતોથી લીવર ખરાબ થાય, કૅન્સર થાય, પણ આંખનું વિઝન પણ જાય એ વાત માનવામાં આવતી નથી. શું ખરેખર આવું થઈ શકે? એનો ઉપાય શું? હું ઠીક તો થઈ શકીશને? 
  
કોઈ વ્યક્તિ લાંબા ગાળાથી થોડું-થોડું પીતો હોય તો પણ તેને આ રોગ થઈ શકે છે. એની અસર એટલી ધીમી હોય કે એકદમ ખ્યાલ નહીં આવે, પરંતુ અચાનક જ જ્યારે વધુ પીવાનું ચાલુ કરે ત્યારે એનું વિઝન અસર પામે છે. જોકે બધાને આલ્કોહૉલ કે સ્મોકિંગથી આવું થાય એવું હોતું નથી, નહીંતર તો દુનિયામાં કેટલાય લોકો અંધ બની જાત. અમુક લોકો જિનેટિકલી આ રોગનો ભોગ બને છે. અમુક જ લોકોને સ્મોકિંગ અને આલ્કોહૉલની અસરની સાથે-સાથે કુપોષણની અસર જોડાય અને સીધી ઑપ્ટિક નર્વ પર અસર થાય છે.

આ રોગ થાય ત્યારે એકદમ એક જ ઝટકામાં વિઝન ગાયબ થઈ જતું નથી. એનો પ્રોગ્રેસ ધીમે-ધીમે થાય છે. પહેલાં એક આંખથી તકલીફ શરૂ થાય છે અને ૨-૩ દિવસમાં બીજી આંખમાં પણ એ તકલીફ જોવા મળે છે. શરૂઆતમાં ધૂંધળું દેખાય છે અને એની તીવ્રતા મુજબ ઘણી વાર ૧-૨ દિવસમાં જ તો ઘણી વખત સમય જતાં આંખની સંપૂર્ણ રોશની જતી રહે છે અને દેખાવાનું સાવ બંધ થઈ શકે છે. આ બાબતનો આધાર ઑપ્ટિક નર્વ કેટલી ડૅમેજ થઈ છે એના પર છે. આવા લોકોને એકદમ રંગ ન ઓળખી શકાય એવું પણ બને છે. બહારથી કોઈ ચિહ્‍‍ન દેખાય નહીં, બસ જોવામાં ધૂંધળું લાગે એ જ આ રોગની શરૂઆત છે, જે વગર ઇલાજે અંધાપા સુધી પહોંચી જાય છે. આવા સમયે દરદીનું સ્મોકિંગ અને આલ્કોહૉલ બન્ને બંધ કરાવી દઈ, તેને પોષણની ગોળીઓ આપીને જરૂર પડે તો સ્ટેરૉઇડ્સ આપીને એનું ડૅમેજ આગળ વધતા અટકાવી શકાય છે. તમારા કેસમાં એકદમ શરૂઆત જ છે તો તમારું વિઝન પહેલાં જેવું થવાની શક્યતા વધુ રહે છે, પરંતુ એ માટે તાત્કાલિક ઇલાજ જરૂરી છે. 

health tips columnists