અનિયમિત ધબકારા પછી હવે સંતુલનમાં તકલીફ પડે છે

15 March, 2023 05:40 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

બન્ને હાથ અને પગઊંચા કરો અને પાંચ સેકન્ડ સુધી હવામાં રાખી જુઓ અને એની સ્ટ્રેંગ્થ ચકાસો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

હું ૬૭ વર્ષની છું. મને હાલમાં એટ્રિયલ ફેબ્રિલેશન થયાનું નિદાન આવ્યું છે. મારા ધબકારા અનિયમિત થઈ ગયા છે. અમને ડૉક્ટરે સલાહ આપેલી કે હૉસ્પિટલમાં થોડો સમય દાખલ થઈ જઓ, પણ પછી ખાસ તકલીફ નહોતી એટલે દાખલ થયા વગર અમુક દવા લખાવીને અમે ઘરે આવી ગયા છીએ, પરંતુ આવ્યા છીએ ત્યારથી મને થોડું અજુગતું લાગે છે. ચાલવામાં થોડું બૅલૅન્સ નથી અને કન્ફયુઝન હોય એમ સતત લાગે છે. 

આ પરિસ્થિતિમાં કોઈ પણ લક્ષણ ગંભીર જ છે એમ સમજીને તાત્કાલિક ડૉક્ટરને મળવા જવું જરૂરી છે. તમે જે લક્ષણો જણાવો છો એ સ્ટ્રોકના હોઈ શકે છે. ધબકારાની રિધમની તકલીફના જુદા-જુદા પ્રકાર છે, એમાંનો એક પ્રકાર એટલે એટ્રિયલ ફેબ્રિલેશન. આ રોગમાં ધબકારા અનિયમિતપણે અનિયમિત બની જાય છે. એટલે કે પોતાની મરજી મુજબ ગમે એમ હૃદય ધબકે છે. આ પરિસ્થિતિ શરીરમાં ક્લૉટ જન્માવે છે. એટલે જ એટ્રિયલ ફેબ્રિલેશનના દરદીને સ્ટ્રોક આવવાની શક્યતા વધુ રહે છે. જ્યારે ધબકારાની રિધમ ખોરવાય ત્યારે આ પરિસ્થિતિને લીધે શરીરમાં જુદી-જુદી જગ્યાએ ક્લૉટ બને છે અને જ્યાં ક્લૉટ બને એ જગ્યાએ કે એ અંગ પર અસર થાય છે જેમાં મોટા ભાગે જોવા મળ્યું છે કે એની અસર મગજ પર વધુ થાય છે. મગજમાં ક્લૉટ બને અને એને કારણે સ્ટ્રોક આવી શકે છે. જરૂરી એ છે કે તમે થોડી પણ લાપરવાહી કર્યા વગર ડૉક્ટર પાસે તરત જ જાઓ. 

આ પણ વાંચો: નાઇટ વિઝનમાં તકલીફ છે, નંબર ઉતારવાની સર્જરીથી ફાયદો થાય?

જો તમને હજી પણ શંકા જતી હોય તો અમુક રીત છે જેના દ્વારા ખુદ ખબર પડે છે કે આ સ્ટ્રોક છે કે નહીં. બન્ને હાથ અને પગઊંચા કરો અને પાંચ સેકન્ડ સુધી હવામાં રાખી જુઓ અને એની સ્ટ્રેંગ્થ ચકાસો. ચાલતી વખતે કોઈ પણ જાતના સપોર્ટ વગર તમે ચાલી શકો છો કે નહીં એ ચકાસો. તમારા ઘરનું ઍડ્રેસ જોરથી બોલો અને જુઓ કે તમને કોઈ અઘરો શબ્દ બોલવામાં તકલીફ પડે છે કે નહીં. અરીસામાં જોઈને હસો. હસવામાં કોઈ તકલીફ પડે છે કે હસવાથી ચહેરો કંઈક વિચિત્ર લાગે છે કે નહીં તે ચકાસો. જો ઉપરમાંથી કો, પણ એક ચકાસણીમાં તમને સંદેહ લાગે કે તકલીફ લાગે તો તાત્કાલિક તમારી નજીકના સિટી સ્કૅનની સહુલિયતવાળી હૉસ્પિટલે પહોંચો અને મગજના નિષ્ણાત ડૉક્ટરને બતાવો. 

columnists life and style health tips