યુરિન પાસ કરવાની ફ્રીક્વન્સી વધી ગઈ છે

29 November, 2022 05:12 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

જયારે મૂત્રાશયમાં ગાંઠ હોય ત્યારે પણ વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૫૪ વર્ષની છું અને મને બીજી કોઈ બીમારી નથી, પણ છેલ્લા એકાદ મહિનાથી મારા યુરિનની ફ્રીક્વન્સી વધી ગઈ છે. દિવસના ૬ વાર અને સાંજ પછીથી ચારેક વાર જવું પડે છે. પહેલાં રાત્રે હું ક્યારેય યુરિન પાસ કરવા ઊઠતી નહોતી, પરંતુ હવે તો રાત્રે પણ ઊઠવું પડે છે. શું આ કોઈ એવાં લક્ષણ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે? 
 
મેડિકલ પરિમાણો મુજબ જો કોઈ વ્યક્તિ દિવસમાં ૮ વખતથી વધુ વાર યુરિન પાસ કરવા માટે જાય તો એ કંઈક તકલીફજનક હોઈ શકે છે. એ નૉર્મલ ગણાતું નથી. એ જ રીતે જો કોઈ વ્યક્તિ દિવસમાં અઢીથી ૩ લીટર યુરિન પાસ કરે તો એ પણ નૉર્મલ નથી. યુરિનની માત્રા જ્યારે વધી જાય એને પોલીયુરિયા કહે છે જે એક રોગ છે અને વધુ લોકોમાં ફેલાયેલો એ જોવા મળતો નથી, પરંતુ વારંવાર યુરિન જવાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. એ ખૂબ જ કૉમન પ્રૉબ્લેમ છે.

ઘણા લોકો પાણી વધારે પીએ છે. પાણી પીવું સારું એમ સમજીને ઘણા લોકો ૩-૪ લીટર પાણી દિવસમાં પીતા હોય છે. આવા લોકોએ અચાનક જ પાણી વધુ પીવાનું શરૂ કર્યું હોય ત્યારે તેમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે એમ બને. આ સિવાય ઠંડીની માત્રા વધી જાય ત્યારે પણ આવું બની શકે છે. આ બન્ને કારણો જરાય ગંભીર નથી, પરંતુ બાકીનાં કારણો ગંભીર હોઈ શકે છે. કોઈ વ્યક્તિને મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન થયું હોય તો આ લક્ષણ મુખ્ય છે. કઈ ઑબ્સ્ટ્રક્શનની શક્યતા હોય એટલે કે કિડનીથી મૂત્રાશય અને મૂત્રાશયમાંથી યુરિન બહાર આવે એ મૂત્રમાર્ગ સુધી પૂરા ટ્રેક્ટમાં કોઈ પણ જગ્યાએ કોઈ જાતનું ઑબ્સ્ટ્રક્શન હોય અને મૂત્રને આગળ વધવાનો માર્ગ ન મળે અથવા એ માર્ગ સાંકડો થઈ જાય ત્યારે આ પરિસ્થિતિમાં પણ વ્યક્તિને વારંવાર ટૉઇલેટ જવું પડે છે. જયારે મૂત્રાશયમાં ગાંઠ હોય ત્યારે પણ વ્યક્તિમાં આ લક્ષણ જોવા મળે છે. આ ગાંઠ સામાન્ય પણ હોઈ શકે છે અને કૅન્સરની પણ હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં એક લક્ષણ ખાસ દેખાય છે એ છે વારંવાર યુરિન પાસ કરવું. પથરી ખૂબ જ સામાન્ય બીમારી છે જે ઘણા લોકોને થતી હોય છે. આ બીમારીમાં પણ એનું મહત્ત્વનું લક્ષણ એ જ છે કોઈ પણ વ્યક્તિની બ્લડ-શુગર કંટ્રોલમાં ન રહેતી હોય તો એની સીધી અસર એની યુરિન ફ્રીક્વન્સી પર પડતી હોય છે. આમ, તમારે ડૉક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવા અને યોગ્ય નિદાન સાથે ઇલાજ કરવો.

columnists health tips life and style