બાળક સાવ ફિક્કું થઈ ગયું છે, શું કરવું?

28 April, 2023 05:29 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

બાળક થાકી જાય કે ફિક્કું લાગે તો એક વખત હીમોગ્લોબિન ચેક કરાવવું જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારું દોઢ વર્ષનું બાળક છેલ્લા એક મહિનાથી સાવ ફિક્કું લાગવા માંડ્યું છે. મારે એકનો એક દીકરો છે એટલે ધ્યાન તો હું ખૂબ રાખું છું, પણ ક્યારેક ચહેરો એકદમ પીળો લાગે છે, જાણે કમળો થઈ ગયો હોય. તે રમવા જવાની પણ ના પડે છે, કારણ કે રમીને ખૂબ જલદી થાકી જાય છે. તેની ઉંમરના છોકરાઓ તો કેટલી ભાગદોડ કરતા હોય છે, પણ આ એટલું નથી કરી શકતો. તેની એનર્જી સતત ઓછી લાગ્યા કરે. થાકને લીધે તે ખૂબ ચીડચીડિયો પણ રહે છે અને રડ્યા કરે છે. ગુસ્સો પણ ખૂબ કરે છે. છેલ્લા બે મહિનાથી તેના મોઢામાં ચાંદા પડી ગયા છે. હું શું કરું સમજાતું નથી.

બાળક થાકી જાય કે ફિક્કું લાગે તો એક વખત હીમોગ્લોબિન ચેક કરાવવું જરૂરી છે. જો હીમોગ્લોબિન ઓછું હોય તો સપ્લિમેન્ટ લેવાં પડશે. બાળકમાં આ પ્રકારનાં લક્ષણ દેખાય તો ચોક્કસપણે બાળકોના નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ જઈને તેમની સલાહ મુજબ બાળકને આયર્નનાં સપ્લિમેન્ટ આપવાં જોઈએ. મોટા ભાગે ૩-૬ મહિનાનો એ કોર્સ હોય છે, જે ઘણો ઉપયોગી છે. એ લેવાથી બાળકના વિકાસને એનીમિયાને કારણે અવરોધ આવતો નથી.

આ પણ વાંચો : ગર્ભમાં બાળકનું વજન વધતું નથી...

આદર્શ રીતે બાળક ૯ મહિનાથી લઈને ૧ વર્ષનું થાય ત્યાં સુધી એક વખત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ કરાવવી ઇચ્છનીય છે, જેથી જાણી શકાય કે બાળક એનીમિક છે કે નહીં. એ જાણ્યા પછી તેની ટ્રીટમેન્ટ કરાવી શકાય. બાળકનાં માતા-પિતા બન્નેમાંથી કોઈ પણ એક થૅલેસેમિયા માઇનર હોય તો ૧ વર્ષની ઉંમર સુધી બાળકની ટેસ્ટ કરાવવી જરૂરી છે. કારણ કે બાળક પણ જીનેટિકલી થૅલેસેમિયા માઇનર હોઈ શકે છે. જો એમ હોય તો બાળકને ફોલિક ઍસિડનાં સપ્લિમેન્ટ્સ આપવાં જરૂરી છે, કેમ કે થૅલેસેમિયા માઇનર વ્યક્તિમાં જો ફોલિક ઍસિડની ઊણપ પણ આવી તો એનું હીમોગ્લોબિન ખૂબ નીચે જતું રહેવાનું રિસ્ક રહે છે. માટે તેમના માટે ટેસ્ટ ફરજિયાત છે. 

આ સિવાય બાળકના ખોરાક પર પણ ખાસ ધ્યાન આપો. તેને ભાવે એ નહીં, તેને પોષણ આપે એ ભોજન આપો. તમે કહો છો કે તમે તેનું ધ્યાન બરાબર રાખો છો તો પણ તે કુપોષિત કેમ છે એ સમજવું જરૂરી છે. એનું કારણ શું છે એ સમજવાની કોશિશ કરો અને એના પર કામ કરો એ જરૂરી છે. 

columnists health tips life and style