ભેજવાળી હવામાં ફેફસાં અને હાર્ટનું ધ્યાન રાખો

09 September, 2025 01:01 PM IST  |  Mumbai | Kajal Rampariya

હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો એ શ્વસનતંત્ર અને હૃદય પર સીધી અસર કરે છે. ખાસ કરીને જેમની ઇમ્યુનિટી-સિસ્ટમ વીક હોય, બ્લડ-પ્રેશર કે હૃદય સંબંધિત સમસ્યા હોય અને અસ્થમાના દરદી હોય તેમને માટે આવું વાતાવરણ વધુ જોખમી સાબિત થઈ શકે છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી એની સીધી અસર આરોગ્ય પર થાય છે. વાતાવરણમાં ભીનાશ વધવાથી પાચનતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ નબળાં પડે છે. બૅક્ટેરિયા અને વાઇરસને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે અને વાઇરલ ઇન્ફેક્શન્સ અને પાણીજન્ય રોગ વધુ થાય છે. ચોમાસાનું ભેજવાળું વાતાવરણ ફેફસાં અને હાર્ટની હેલ્થ માટે પણ જોખમી બની શકે છે. એ કઈ રીતે આરોગ્યને અસર કરે છે અને એનાથી બચવા શું કરવું જોઈએ એ મૉડર્ન સાયન્સ અને આયુર્વેદ એમ બન્ને દૃષ્ટિકોણથી જાણીએ.

હાર્ટ-ફંક્શન્સ પર લોડ

વાતાવરણનો ભેજ જ્યારે શ્વાસ મારફત શરીરની અંદર પ્રવેશે ત્યારે શું થાય છે એ વિશે જણાવતાં મુલુંડમાં છેલ્લાં ૧૨ વર્ષથી પ્રૅક્ટિસ કરતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. હિરેન ગાલા કહે છે, ‘સામાન્યપણે ચોમાસા દરમ્યાન સૌથી પહેલાં ઇમ્યુનિટી-સિસ્ટમ થોડી નબળી રહે છે. એટલે એવું નથી કે બધી જ વ્યક્તિની હેલ્થને જોખમ છે; પણ હા, વાઇરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધી જાય છે એટલે સાવચેતી તો રાખવી જ પડે. આવું એટલા માટે થાય છે કારણ કે હવાની ભીનાશ શરીરની અંદર પ્રવેશે છે. એની સીધી અસર હાર્ટ પર નથી થતી, પણ ફેફસાંને થાય છે. શ્વાસના માધ્યમથી શરીરની અંદર પ્રવેશેલા ભેજમાં પ્રદૂષણ અને બૅક્ટેરિયા હોવાથી શરદી, ઉધરસ, તાવ આવે છે. આ ઉપરાંત ભેજવાળી હવામાં જેટલો ઑક્સિજન જોઈએ એ શરીરને મળતો નથી. એને પરિણામે હાર્ટને શરીરમાં પૂરતો ઑક્સિજન પહોંચાડવા વધુ મહેનત કરવી પડે છે. આવા સમયે બ્લડ-પ્રેશર અસ્થિર થતાં હાર્ટ પર વધારાનો લોડ આવે છે. ઘણા લોકોને અનિયમિત ધબકારાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. ભેજવાળી હવા ભારે હોવાથી ફેફસાંને ઑક્સિજન ખેંચવામાં મુશ્કેલી પડતી હોવાથી હાર્ટ અને ફેફસાં સંબંધિત બીમારી ધરાવતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.’

માસ્ક ફરજિયાત

ચોમાસામાં શ્વસનતંત્ર અને હાર્ટની હેલ્થ સારી રાખવા માટે કેટલીક સામાન્ય બાબતોને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે એમ જણાવીને નાણાવટી હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. હિરેન ગાલા કહે છે, ‘જે વ્યક્તિને ખબર છે કે ચોમાસા દરમ્યાન મારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તેણે ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરવો જોઈએ. માસ્ક પહેરી રાખશો તો બૅક્ટેરિયા શરીરમાં પ્રવેશવાની શક્યતા ઓછી થઈ જશે. જેમને અસ્થમા કે હાર્ટ સંબંધિત સમસ્યાઓ હોય તેમણે પોતાના શરીરમાં નાના ફેરફાર દેખાય તો તાત્કાલિક તેમના ફૅમિલી ફિઝિશ્યનનની સલાહ લેવી જોઈએ. આવા લોકોએ મીઠાઈ કે ઠંડી ચીજો ખાવાનું ટાળવું જોઈએ. આટલી તકેદારી ચોમાસાના ભેજથી તમારી હેલ્થને સારી રાખશે.’

શું કહે છે આયુર્વેદ?

ભેજવાળા વાતાવરણથી સ્વાસ્થ્યને કઈ રીતે અસર થાય છે એ વિશે વાત કરતાં ઘાટકોપરમાં બે ક્લિનિકનું સંચાલન કરતા અનુભવી આયુર્વેદ એક્સપર્ટ દિનેશ હિંગુ કહે છે, ‘ભેજવાળી હવા હાર્ટથી પહેલાં ફેફસાંને અસર કરે છે. આપણા શરીરમાં પણ ૬૦થી ૭૦ ટકા જેટલો ભાગ પાણીનો હોય છે અને ભેજવાળી હવામાં પણ પાણીનું પ્રમાણ વધુ હોવાથી જ્યારે એ શરીરમાં પ્રવેશે ત્યારે શરદી અને કફ થાય છે. અમુક કેસમાં શ્વસનતંત્રને ગંભીર અસર થતાં અસ્થમાનો અટૅક પણ આવી શકે છે. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયામાં ખલેલ પહોંચે એટલે શરીરમાં ઑક્સિજનની કમી વર્તાય અને ત્યાર બાદ હાર્ટ પર લોડ આવે. ચોમાસાની સીઝનમાં હવા ભારે હોવાથી પ્રદૂષણ ઉપર જવાને બદલે નીચે જ રહે છે અને એ પણ બીમારીઓનું કારણ બને છે. આયુર્વેદમાં કહેવાયું છે કે દરિયાની બાજુમાં વસવાટ કરવો હેલ્થ માટે સારું નથી. શરીર અને હવા બન્નેમાં પાણીનું પ્રમાણ વધશે તો શારીરિક સમસ્યાઓ ઊભી થવાની જ છે. ખાસ કરીને મુંબઈ જેવું શહેર દરિયાકાંઠે જ વસેલું છે. ચોમાસા દરમ્યાન વાઇરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગનો રોગચાળો ફાટી નીકળે છે ત્યારે આપણે એની અડફેટે ન આવીએ એ માટે થોડી સાવધાની રાખવી બહુ જરૂરી છે.’

શું છે ઇલાજ?

ચોમાસામાં ઉદ્ભવતી સમસ્યાઓના પ્રભાવને ઓછો કરવા માટે આયુર્વેદિક દૃષ્ટિકોણથી કેવી રીતે કાળજી રાખવી જોઈએ એ વિશે જણાવતાં દિનેશભાઈ કહે છે, ‘૩ પ્રકારે કોઈ પણ રોગથી બચી શકાય છે - આહાર, વિહાર અને ઋતુ. જે ચીજો ખાવાથી કફ વધતો હોય એ આહારથી દૂર રહેવું જોઈએ. જેમ કે મીઠાઈ, કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસક્રીમ, બિસ્કિટ અને ચૉકલેટ જેવા ગળ્યા આહારથી અંતર જાળવવું જોઈએ. આ ઉપરાંત ખાવામાં ચીકણી હોય એવી એટલે કે તેલ, ઘી, બટર અને ચીઝ જેવી ચીજોનું સેવન ઓછું કરવું જોઈએ. રૂમનું તાપમાન ૨૬થી ૨૬ ડિગ્રી રાખવું જોઈએ. ઘણા લોકો મૂવી જોવા કે મૉલમાં જાય છે ત્યાં વાતાવરણ ACને કારણે ઠંડું હોય છે અને ઉપરથી ઠંડાં પીણાં પણ પીએ છે. એને લીધે એકદમ ફિટ ઍન્ડ ફાઇન લોકો પણ માંદા પડે છે. ઋતુના હિસાબે લાઇફસ્ટાઇલ જીવવી જોઈએ. ચોમાસું છે તો શરીરને ગરમ રાખતા અને પિત્તનાશક આહારનું સેવન કરવું જોઈએ. નિયમિત બાફ લેવો જોઈએ તથા હળદર-મીઠાના પાણીના કોગળા કરવા જોઈએ. જે લોકોને પિત્તનો કોઠો હોય એ લોકોએ જેઠીમધ સાથે અરડૂસીનાં પાન લેવાં જોઈએ. આ કૉમ્બિનેશન કફનું મારણ કરે છે અને પિત્ત પણ વધારતું નથી. હેલ્ધી રહેવા માટે ચ્યવનપ્રાશનું નિયમિત સેવન જરૂરી છે. ચિત્રક હરિતકી અવલેહ જેને સંિક્ષપ્તમાં CHA પણ કહેવાય છે એ આયુર્વેદમાં બહુ ઉપયોગી ઔષધિ ગણાય છે. એનું સેવન અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ અને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. આ ઔષધિનું સેવન આડેધડ કરવાને બદલે આયુર્વેદ એક્સપર્ટની સલાહ લઈને કરવામાં આવે તો એનો ફાયદો થશે. રૂટીનમાં દરરોજ પ્રાણાયામ અને અનુલોમ-વિલોમ જેવા યોગને ઉમેરવાથી શ્વસનતંત્ર સારું રહેશે અને હાર્ટ પર લોડ આવશે નહીં.’

health tips life and style monsoon news mumbai monsoon ayurveda news mumbai columnists heart attack diet gujarati mid day Weather Update