05 November, 2024 09:36 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર
ઊંઘ માટે અને થાક ઉતારવા માટે અકસીર ગણાતું એપ્સમ સૉલ્ટ આપણાં સૌનું જાણીતું અને માનીતું છે. પણ શું તમને ખબર છે આ સૉલ્ટમાં મૂળે તો મૅગ્નેશિયમ વપરાય છે? આ સૉલ્ટ મૅગ્નેશિયમ સલ્ફેટ, સલ્ફર અને ઑક્સિજનના સંયોજનથી બને છે. મૅગ્નેશિયમના શરીરને થતા ફાયદાઓ આપણે જાણીએ છીએ. ખાસ કરીને ઊંઘ પર મૅગ્નેશિયમની અસર વિશેનાં સંશોધનો એવું સૂચવે છે કે મૅગ્નેશિયમ ઊંઘની ગુણવત્તા સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મૅગ્નેશિયમ મગજમાં સંદેશો પહોંચાડતાં ન્યુરોટ્રાન્સમીટર્સને નિયંત્રિત કરીને શરીર અને મનને શાંત કરવામાં પણ મહત્ત્વનો ફાળો ભજવે છે. એની આવી ગુણવત્તાને લીધે આજકાલ મૅગ્નેશિયમની એક પ્રોડક્ટ ઘણી ચર્ચામાં છે. એ છે મૅગ્નેશિયમ ઑઇલ સ્પ્રે. એવું કહેવાય છે કે આ ઑઇલથી રાતે પગમાં મસાજ કરીને સૂવાથી સારી ઊંઘ આવે છે. ખાસ કરીને એવા લોકો જેમને થાકને લીધે આખી રાત પગ સેન્સિટિવ થાય છે તેમના માટે તો આ તેલ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ વિશે વિસ્તારથી વાત કરતાં છેલ્લાં ૪૮ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઘાટકોપરના આયુર્વેદ નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘મૅગ્નેશિયમ નામનું મિનરલ ઊંઘમાં ઘણો ફાયદો કરે છે એ સાચું. એના માટે માર્કેટમાં હર્બોમિનરલ તેલ ઉપલબ્ધ છે જેમાં મૅગ્નેશિયમ ક્લોરાઇડ અને મૅગ્નેશિયમ સલ્ફેટ સાથે અશ્વગંધા, હળદર, આદું, બોસ્વેલિયા જેવી બે-ચાર જાતની ઔષધિ હોય છે. આયુર્વેદિક કૉમ્બિનેશનમાં વપરાતું આ તેલ ત્રણેય દોષ (વાત-પિત્ત-કફ)નો નાશ કરે છે. કોઈ પણ વાતનાશક દવાઓમાં રહેલું હર્બલ સ્ટેરૉઇડ સ્નાયુઓનો દુખાવો ઓછો કરે છે. આ રીતે તેલનો મસાજ કરવાથી પગનાં તળિયાંમાં રાહત થાય છે. મોટા ભાગે આપણું સ્ટૅન્ડિંગ પૉશ્ચર હોય છે એટલે શરીરનું વજન પગનાં તળિયાં પર વધુ આવે છે. એના લીધે ઉંમર વધતાં આપણને વધુ કરીને રાતે પગમાં થાક લાગે, દુખાવો થાય અને અમુક લોકોને ઝણઝણાટી જેવું થાય છે.’
પગમાં મસાજ કરવાની આયુર્વેદિક પદ્ધતિ
કોઈ પણ તેલનો મસાજ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એની ચોક્કસ અસર જોવા મળે છે. જોકે કોણે કેટલો અને કેવી રીતે મસાજ કરવો એ વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ શકે છે. પાતળી કે સંવેદનશીલ ત્વચાવાળાને ઓછા સમયમાં કે તરત જ અસર દેખાય છે, જ્યારે જાડી ચામડી હોય તેમને ક્યારેક વીસથી ત્રીસ મિનિટ મસાજ પછી અસર વર્તાય છે. આમ જણાવતાં ડૉ. મહેશ કહે છે, ‘આયુર્વેદિક પદ્ધતિ મુજબ તો ગાયનું ઘી અથવા કોઈ પણ તેલથી રાતે પગનાં તળિયાંમાં મસાજ કરવામાં આવે છે. પહેલાં નવશેકા ગરમ પાણીમાં મીઠું નાખીને પગ ધોઈ લેવામાં આવે, પછી એને બરાબર લૂછીને મોટા ભાગે કાંસા અથવા એ ન હોય તો તાંબા કે પિત્તળની વાડકીથી પગમાં ઘસી-ઘસીને મસાજ કરવામાં આવે. પગ કાળા થાય એટલે શરીરનાં બધાં જ ટૉક્સિન બહાર આવી જાય અને એને લૂછી લેવામાં આવે. ખરેખર તો આ રીતે મસાજ કરીને સૂવાથી રાતે આરામથી સૂઈ શકાય છે. હવે રોજ કોઈ આ રીતે મસાજ કરી શકતું નથી એટલે આવી રીતે હર્બોમિનરલ તેલ વાપરીને મસાજ કરવામાં આવે છે. આમાં પણ વાડકીથી મસાજ કરી શકાય છે.’
રિલૅક્સેશન અને ઊંઘ
પગમાં તેલ લગાવવાથી ઊંઘ આવી જાય એવું નથી, પરંતુ એનાથી પગમાં રિલૅક્સેશનની ફીલ મળે છે એ અહીં કામ કરી જાય છે. છેલ્લાં ૨૨ વર્ષથી દહિસરમાં પ્રૅક્ટિસ કરતાં હોમિયોપૅથિક કન્સલ્ટન્ટ અને ફૅમિલી ફિઝિશ્યન ડૉ. રીમા કુલકર્ણી કહે છે, ‘મૅગ્નેશિયમ ઑઇલનો સીધો સંબંધ ઊંઘ સુધારવા સાથે નથી પણ પગના દુખાવાને અને પગમાં અનુભવાતા સ્ટ્રેસને ઓછો કરવા સાથે છે. કેટલાય લોકોને રાતે પગમાં દુખાવો થાય કે થાકને લીધે ટિન્ગલિંગ થાય એના લીધે સૂવામાં તકલીફ પડે છે. મૅગ્નેશિયમ એવા લોકોને રાહત આપી શકે છે. છતાંય આ ઑઇલ વિશેનાં સંશોધનો હજી સાવ જ નવાં-નવાં છે. એટલે આવી વસ્તુઓ જ્યાં સુધી વધુ રિસર્ચ ન થાય ત્યાં સુધી વાપરવી ટાળવી જોઈએ.’
એક તરફથી જ્યાં એવું માનવામાં આવે છે કે મૅગ્નેશિયમ ઑઇલ વાપરવું એકદમ સલામત છે ત્યાં એના ખાસ કોઈ પુરાવા જોવા નથી મળ્યા. આ ઑઇલ મૅગ્નેશિયમની સ્નાયુઓના રિલૅક્સેશનમાં રહેલી ભાગીદારીને લીધે જ વધુ અસરકારક માનવામાં આવે છે પણ એની અસરકારકતા વ્યક્તિએ-વ્યક્તિએ બદલાઈ પણ શકે છે. આ પરિણામોની પુષ્ટિ કરવા માટે વધુ મોટા પાયે લાંબા ગાળાના અભ્યાસની જરૂર છે.
જો તમે ઊંઘ માટે મૅગ્નેશિયમ ઑઇલનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો એ મદદ કરી શકે છે, જોકે એનો બેસ્ટ ફાયદો લેવો હોય તો એ માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
શરીરમાં મૅગ્નેશિયમ ઊણપનાં લક્ષણો શું?
શરીર માટે મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ બહુ જ જરૂરી છે. એ વિશે ડૉ. રીમા કુલકર્ણી કહે છે, ‘જ્યારે પણ શરીરમાં મૅગ્નેશિયમ ઓછું થાય છે ત્યારે સ્નાયુઓનો દુખાવો વધી જાય છે. પગમાં દુખાવો થાય કે કોઈ ભળતી જ જગ્યાઓ દુખાવો થાય છે. આનાથી કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. અલબત્ત, આવું થાય ત્યારે જાતે જ તમને મૅગ્નેશિયમની ઊણપ છે એવું નિદાન કરી લેવાની જરૂર નથી. આવી સમસ્યાઓ થાય ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવી લેવી જોઈએ. ધારો કે ડૉક્ટર સપ્લિમેન્ટ્સ લેવાનું કહે તો સાથે કૅલ્શિયમ પણ લેવું. કૅલ્શિયમ સાથે લેવાથી મૅગ્નેશિયમની સારીએવી અસર જોવા મળે છે. શરીરમાં કૅલ્શિયમના શોષણ માટે મૅગ્નેશિયમ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. યાદ રહે મૅગ્નેશિયમ ઑઇલ માર્કેટમાં નવી આવેલી વસ્તુ છે, એની લાંબા ગાળાની અસર જોખમી નીવડી શકે. ત્વચા પર મૅગ્નેશિયમ ઑઇલ ઇરિટેશન કે સોજો પણ ઊભો કરી શકે છે.’
મૅગ્નેશિયમનું તેલ કઈ રીતે વાપરવું જોઈએ?
આ તેલ કઈ રીતે વાપરવું એ વિશે વાત કરતાં ડૉ. રીમા કુલકર્ણી કહે છે, ‘આવાં કોઈ પણ તેલ ડૉક્ટરની સલાહ-સૂચના વગર ન વાપરવાં જોઈએ. મૂળ તો આ તેલ લગાડતાં પહેલાં સેન્સિટિવિટી ટેસ્ટ કરી લેવી વધુ હિતાવહ છે. શરીરનો જે ભાગ વધુ સંવેદનશીલ છે એ જગ્યાએ પહેલાં એક નાનકડા પૅચ જેટલું તેલ લગાડીને થોડી વાર રાહ જોવી. જો એનાથી ચામડીમાં રતાશ આવે કે સૂઝી જાય કે ખંજવાળ આવે તો ન વાપરવું. પગની ત્વચામાં કોઈ પણ રીતની તકલીફ હોય તો એકાદ ડ્રૉપ પણ બહુ જ ગંભીર સાઇડ ઇફેક્ટ લાવી શકે છે. ડૉક્ટરની સલાહ વગર આ તેલ બિલકુલ ન વાપરવું.’
આ વાત સાથે સહમત થતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આ ઉપરાંત બાળકોને પણ આ તેલ ન લગાડવું કારણ કે એ કયા pH પર કામ કરી રહ્યું છે એ વિશે હજી પણ પૂરી જાણકારી ઉપલબ્ધ નથી. જો તમને પગમાં કોઈ પણ જાતની ત્વચાને લગતી તકલીફ હોય જેમ કે ડર્મેટાઇટિસ, ખરજવું, સોરાઇસિસ, વાઢિયા કે કપાસી જેવું હોય તો પણ આ તેલ ત્યાં ન લગાડવું.’