તમે જ નહીં, કિયારા અને દિશા પાટણી પણ સ્ટ્રેચ માર્ક્‍સ ધરાવે છે

14 March, 2023 05:05 PM IST  |  Mumbai | Kajal Rampariya

આ માર્ક્‍સ દેખાય કે તરત જ એ માટે જરૂરી સારવાર શરૂ કરી દેશો તો એનાથી છુટકારો શક્ય છે

તમે જ નહીં, કિયારા અને દિશા પાટણી પણ સ્ટ્રેચ માર્ક્‍સ ધરાવે છે

ત્વચા પર લાલ, પર્પલ કે વાઇટ રંગના લિસોટા જેવાં નિશાન પડી ગયાં હોય તો એનાથી એમ્બૅરૅસ થવાની જરૂર નથી. હૉર્મોનલ બદલાવો, વજનમાં અચાનક ધરખમ વધારો કે ઘટાડો, સ્ટ્રેસને કારણે આવા માર્ક્‍સ પડે છે. આ માર્ક્‍સ દેખાય કે તરત જ એ માટે જરૂરી સારવાર શરૂ કરી દેશો તો એનાથી છુટકારો શક્ય છે

હજી ગયા મહિને જ પ્રભુતામાં પગલાં પાડનાર કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ખભા પરના સ્ટ્રેચ માર્ક્સ ચોખ્ખા દેખાય એવી તસવીરો શૅર કરી હતી. પિન્ક કલરના કૉસ્ચ્યુમમાં ગ્લૅમરસ લુક સાથે કિયારાએ સ્ટ્રેચ માર્ક્સને ફ્લૉન્ટ કરવાની હિંમત કરી, જેની અનેક લોકોએ સરાહના કરી. આ પહેલાં દિશા પાટણીએ પણ હિપ જૉઇન્ટ પાસેના સ્ટ્રેચ માર્ક્સ દેખાય એવી બિકિનીવાળી તસવીર શૅર કરી હતી. ત્વચાની સુંદરતામાં સ્ટ્રેચ માર્ક્સને વિલન એલિમેન્ટ માનવામાં આવે છે અને એટલે જ શરીરના કોઈ પણ ભાગમાં આવા સફેદ માર્ક્સ હોય તો સ્ત્રીઓ મોટા ભાગે એને ઢાંકી રાખવાનો અથવા તો મેકઅપથી છુપાવવાનો પ્રયત્ન કરતી હોય છે. ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝ જે બોલ્ડનેસથી આ નૅચરલ સમસ્યાનો છડેચોક સ્વીકાર કરી રહી છે એ આમ જનતાને આ બાબતે સભાન કરવા માટે બહુ જરૂરી છે. 

એ વાત સાચી કે ત્વચા પર કોઈ પણ પ્રકારના ટોનમાં ફરક પડે છે ત્યારે એ સુંદરતાને ઓછી કરે છે અને સ્ટ્રેચ માર્ક્સ તો સૌથી કૉમન છે. સામાન્ય રીતે વધી ગયેલું વજન જ્યારે અચાનક ઓછું થાય ત્યારે સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થાય છે. મહિલાઓમાં પ્રેગ્નન્સી બાદ સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા આમ છે. જ્યારે સ્કિન સ્ટ્રેચ કરવા માંડે છે ત્યારે કોલેજન નબળા પડવા લાગે છે, જેના કારણે શરીરના કેટલાક ભાગો જેમ કે પેટ, બ્રેસ્ટ, ખભા, નિતંબ, પગની પિંડીઓ પર સફેદ  સીધી રેખાઓ દેખાવા લાગે છે. 

વિજ્ઞાન શું કહે છે?

સ્ટ્રેચ માર્ક્સ કેવી રીતે થાય છે એ વિશે દસ વર્ષનો અનુભવ ધરાવતાં ઘાટકોપરનાં જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રચના છેડા કહે છે, ‘સ્ટ્રેચ માર્ક્સ શું છે એ સમજતાં પહેલાં એ સમજો કે બેઝિકલી સ્કિનના ત્રણ લેયર્સ છે એપિડર્મિસ, ડર્મિસ અને હાયરોડર્મિસ. જો ડર્મિસ પાર્ટમાં બ્રેકેજ આવવા લાગે તો કોલેજનનો બૉન્ડ તૂટે છે અને સ્ટ્રેચ માર્ક્સ ત્વચામાં દેખાય છે. સ્ટ્રેચ માર્ક્સ ત્વચાના ઉપરના ભાગમાં નહીં પણ ત્વચાના નીચેના ભાગમાં ઇલાસ્ટિન અને કોલેજન ફાઇબર્સમાં પડેલી તિરાડોને કારણે થાય છે, જેનાથી ત્વચા પર સફેદ અથવા રંગીન પટ્ટાઓ જોવા મળે છે. સ્ટ્રેચ માર્ક્સ માટે એવું કહેવાય છે કે એનો ઉપચાર કરવા ફાંફાં મારવાને બદલે એને પ્રિવેન્ટ કરવા માટે સભાન રહેવું. વધુ સારું એ છે કે સ્ટ્રેચ માર્ક્સ ન થાય એ માટે શું કરવું જોઈએ. પ્રેગ્નન્સી બાદ પણ મહિલાઓને સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા રહેતી હોય છે. ડિલિવરી પછી સ્કિનની ફાસ્ટ રિકવરી નથી થઈ શકતી, તેથી સ્ટ્રેચ માર્ક્સ આવી જાય છે. આજની તારીખમાં પણ મહિલાઓ જ્યારે પોતાના શરીરમાં સ્ટ્રેચ માર્ક્સ જુએ છે ત્યારે તે એમ્બૅરેસ્ડ ફીલ કરે છે. ૯૦ ટકા જેટલી મહિલાઓ સ્ટ્રેચ માર્ક્સને કારણે પોતાને મનપસંદ કપડાં પહેરી શકતી નથી. લોકો શું કહેશે એ ડર તેમને સતાવે છે.’

સ્ટ્રેચ માર્ક્સ એક નૅચરલ ઇશ્યુ છે, તેથી ક્ષોભ પામવાની કોઈ જરૂર નથી. જોકે જીવનના કયા-કયા તબક્કે સ્ટ્રેચ માર્ક્સ થવાનું પ્રમાણ વધુ હોય છે એ પહેલેથી સમજી લેવું જોઈએ એમ જણાવતાં ડૉ. રચના છેડા સમજાવે છે, ‘સામાન્યપણે જ્યારે ટીનેજર્સ ટ્વેન્ટીઝમાં પ્રવેશે છે ત્યારે તેમના શરીરમાં ઘણા હૉર્મોનલ ચેન્જિસ થતા હોય છે ત્યારે ઘણી યુવતીઓને સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. જ્યારે યુવતીનાં લગ્ન થાય એ બાદ પણ હૉર્મોનલ ચેન્જિસ થાય છે. અચાનક વેઇટ ગેઇન થાય છે અથવા લૉસ થાય છે ત્યારે સ્ટ્રેચ માર્ક્સ આવે છે. પહેલાં આ વિષય પર વાત કરતાં લોકો અચકાતા હતા, પરંતુ હવે અભિનેત્રીઓ ખુલ્લેઆમ બોલ્ડ અંદાજમાં સ્ત્રીઓ સંબંધિત સમસ્યાઓને દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે એ કાબિલ-એ-તારીફ છે.’

ત્રણ સ્ટેજના સ્ટ્રેચ માર્ક્‍સ

ધારો કે એક વાર સ્ટ્રેચ માર્ક્સ થઈ જ ગયા તો એની સારવારમાં શું? એ સવાલ કદાચ ડર્મેટોલૉજિસ્ટને પુછાતા સૌથી કૉમન સવાલોમાંનો એક છે. એની સારવાર કેવી રીતે નક્કી થાય એ પહેલાં સ્ટ્રેચ માર્કના ત્રણ પ્રકાર વિશે સમજાવતાં ડૉ. રચના છેડા કહે છે, ‘સ્ટ્રેચ માર્ક્સ ત્રણ સ્ટેજના હોય છે. લાલ, પર્પલ અને સમય જતાં એ વાઇટ થઈ જાય છે. લાલાશ અને પર્પલ શેડના સ્ટ્રેચ માર્ક્સ જો તમારા શરીરમાં દેખાય તો એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. આ ટ્રીટમેન્ટ સામાન્યપણે છથી ૧૨ મહિના સુધી ચાલે છે, પરંતુ તમને એ સ્ટ્રેચ માર્ક્સમાંથી છુટકારો મળી જશે. જો તમે શરૂઆતના સમયમાં ધ્યાન ન આપ્યું અને એ સ્ટ્રેચ માર્ક્સ વાઇટ કલરના દેખાય તો એની ટ્રીટમેન્ટ મોંઘી છે એટલું જ નહીં, એ સારવારથી ૧૦૦ ટકા રિઝલ્ટ મળશે કે નહીં એ પણ કહેવું થોડું મુશ્કેલ છે. ખાસ કરીને મૉડલ્સ અને ઍક્ટર્સ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે. આમ તો ઘણી ટ્રીટમેન્ટ છે પરંતુ સ્ટ્રેચ માર્ક્સ પૂર્ણપણે દૂર કરવાનો આ એકમાત્ર માર્ગ પ્લાસ્ટિક સર્જરી છે જે સામાન્ય સ્ત્રીઓ પ્રિફર ન કરે.’

આ પણ વાંચો: વિટામિન સી સિરમ વાપરો છો? તો આટલું વાંચી લો

શરૂઆતમાં જ જાગી જાઓ

જ્યારે તમને લાગે છે કે તમારા શરીરમાં સ્ટ્રેચ માર્ક્સે એન્ટ્રી લીધી છે ત્યારે થોડી સાવધાની રાખવી જરૂરી છે. ડર્મેટોલૉજિસ્ટનો સંપર્ક કરીને તાત્કાલિક લોશન કે ક્રીમ લગાવવાનું ચાલુ કરવું જોઈએ. ત્વચાને બૅલૅન્સ આપવું ખૂબ જ જરૂરી છે. આવું કરવાથી થોડા સમયમાં માર્ક્સ ઓછા થઈ જશે અને જો કોઈને ટ્રીટમેન્ટ કરાવવી હોય એ પણ થોડી સરળ થઈ જાય. ઘણા લોકો મોંઘી ટ્રીટમેન્ટ અફૉર્ડ નથી કરી શકતા એવા લોકો રેટિનોલ ક્રીમ લગાવી શકે છે, જેની મદદથી તમે થોડા સમય માટે ડર્મિસને જીવંત રાખી શકો છો. ત્યાર બાદ તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો.

સ્ટ્રેસ અને સ્ટ્રેચ માર્ક્સ

સ્ટ્રેચ માર્ક્સ તમારી લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડ કરે છે. તમારા જીવનમાં અચાનક સ્ટ્રેસ આવી જાય ત્યારે શરીરમાં હૉર્મોનલ ચેન્જિસ આવે છે, જેને કારણે તમારું વજન અચાનક વધે છે અથવા ઘટે છે. આવા સમયે તમને સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા થાય છે. સાઇકોલૉજિકલ ટ્રૉમા, ડિપ્રેશન, ઓવર એક્સરસાઇઝ, તમારી બૉડીમાં એસેન્શિયલ ફૅટી ઍસિડ ઓછાં થવાં, શરીરમાં પ્રોટીનનું ઓછું પ્રમાણ સ્ટ્રેચ માર્ક્સને આમંત્રણ આપે છે. લોકો ડાયટિંગના નામે ખાવાનું ઓછું કરી નાખે છે, જેને કારણે વિટામિન્સ તેમના શરીરમાં જતાં નથી અને શરીર રોગનું ઘર બને છે. 

ટ્રીટમેન્ટમાં આટલો ખર્ચ

ટ્રીટમેન્ટ ઘણા પ્રકારની થાય છે. રેટિનોલ પીલિંગ, ડર્મારોલર, લેઝર ટ્રીટમેન્ટનો ખર્ચ આશરે દસ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીનો થાય છે. આ ટ્રીટમેન્ટ લાલ અને પર્પલ સ્ટ્રેચ માર્ક્સ માટે અસરકારક છે.

આ ચીજોનું પણ રાખજો ખાસ ધ્યાન

 શરૂઆતના સમયમાં આવેલા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ નુસખા પણ છે. સવારે પાણીમાં નાળિયેરનું તેલ નાખીને સ્નાન કરવું જોઈએ.

 ત્વચાને હાઇડ્રેટેડ રાખો. સ્નાન કર્યા પછી તરત જ ભીની ત્વચા પર બૉડી લોશન લગાવો. આ ભેજ બૉડી લોશનને સીલ કરવામાં મદદ કરે છે.

 રાત્રે સૂતી વખતે નાળિયેરના તેલમાં વિટામિન ઈની કૅપ્સૂલનું ઑઇલ મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ જ્યાં છે ત્યાં રેગ્યુલર મસાજ કરવામાં આવે તો પણ સારું રિઝલ્ટ મળી શકે છે.

 જ્યાં સ્ટ્રેચ માર્ક્સ હોય એ જગ્યા પર અલોવેરા જેલ લગાવો.

 ડાયટમાં વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને પ્રોટીનથી ભરપૂર ઇન્ગ્રીડિયન્ટ્સને સામેલ કરો.

 વજન વધારવા અને ઘટાડવા માટે પ્રોફેશન ટ્રેઇનરની સલાહ લો.

columnists life and style health tips beauty tips