યોગના અસલી એસેન્સને હજી તો માંડ એક ટકો પણ આપણે સ્પર્શી નથી શક્યા

21 June, 2021 03:37 PM IST  |  Mumbai | Ruchita Shah

હાર્ટફુલનેસ મેડિટેશનના માધ્યમે કરોડો ફૉલોઅર્સના જીવનમાં શાંતિની ક્રાન્તિ સર્જનારા કમલેશ પટેલ ઉર્ફે સૌના લાડીલા દાજીએ વૈશ્વિક શાંતિની દિશામાં પોતાના અનોખા અંદાજમાં અદ્ભુત કામ કર્યું છે

કમલેશ પટેલ ઉર્ફે સૌના લાડીલા દાજી

હાર્ટફુલનેસ મેડિટેશનના માધ્યમે કરોડો ફૉલોઅર્સના જીવનમાં શાંતિની ક્રાન્તિ સર્જનારા કમલેશ પટેલ ઉર્ફે સૌના લાડીલા દાજીએ વૈશ્વિક શાંતિની દિશામાં પોતાના અનોખા અંદાજમાં અદ્ભુત કામ કર્યું છે. યોગની દિશામાં આપણે ક્યાં પહોંચ્યા છીએ અને હાર્ટફુલનેસ દ્વારા તેઓ લોકોમાં શું બદલાવ લાવવાના પ્રયાસો કરી રહ્યા છે એ જાણીએ તેમની જ પાસેથી

વિશ્વભરમાં ૫૦૦૦ જેટલાં સેન્ટર, ૧૬૫ જેટલા દેશોના લગભગ ચાલીસ લાખથી વધુ ફૉલોઅર્સ અને ૧૪ હજાર જેટલા પ્રશિક્ષક આટલી વ્યાપકતા પછી પણ હાર્ટફુલનેસ મેડિટેશનના પ્રણેતા એક પણ રૂપિયો ફી લીધા સંપૂર્ણ નિઃશુલ્ક લોકોને ધ્યાન અને એની વિવિધ પદ્ધતિઓ શીખવી રહ્યા છે. વિશ્વમાં એકતા, પ્રેમ, શાંતિ અને સંવાદિતાનો વ્યાપ વધારવાના પ્રયાસોના ધ્યેય સાથે શ્રી રામચંદ્ર મિશનના પ્રેસિડન્ટ, સહજ માર્ગ સ્પિરિચ્યુઅલિટી ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી, હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ અને એજ્યુકેશનલ ટ્રસ્ટના સ્થાપક ડૉ. કમલેશ પટેલ ઉર્ફે દાજી છેલ્લા ઘણા દાયકાઓથી સમાજના ઉત્થાન માટે પોતાની અનોખી રીતે સક્રિય છે. તેમના વ્યક્તિત્વની સૌમ્યતા, તેમની વાણીની મૃદુતા અને તેમના વિઝનની વિશાળતા ભલભલાને સ્પર્શી જાય એવાં છે. આજે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે અષ્ટાંગ યોગમાં જેને અત્યારે સૌથી ઓછું મહત્ત્વ અપાઈ રહ્યું છે જે સૌથી વધુ અનિવાર્ય અને ઉપયોગી છે એવા ધ્યાનને જનસમુદાય સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહેલા હાર્ટફુલ મેડિટેશનના પ્રણેતા કમલેશ પટેલ સાથે આજે દિલ ખોલીને વાતો કરીએ.

હજી તો શરૂઆત જ થઈ છે

કમલેશ પટેલ મૂળ ભરુચના છે. અમદાવાદમાં તેમણે ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. એ પછી આંધ્રપ્રદેશની વેંકટેશ્વર યુનિવર્સિટીથી ડૉક્ટરેટ કરીને અમેરિકામાં ફાર્માસ્યુટિકલ કંપની શરૂ કરી. તેમનો ફાર્મસીનો બિઝનેસ હવે તેમના પરિવારજનો જુએ છે અને દાજી સંપૂર્ણપણે લોકસેવામાં મચી પડ્યા છે. લગભગ સત્તરેક વર્ષની ઉંમરે સાધુ બની જવાના વિચારો કરતા દાજીની અધ્યાત્મિક યાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મૂળ ભરુચનો છું. નાનપણથી જ અધ્યાત્મ તરફ કોઈક ગજબનું ખેંચાણ હતું. એક વાર નર્મદા નદીના કિનારે જઈને બેસી ગયો. મનમાં નક્કી કરી લીધું હતું કે આપણે પણ વિવેકાનંદની જેમ સંન્યાસ ગ્રહણ કરી સેવાનો માર્ગ અપનાવવો. જોકે ત્યાં એક નાગા બાવા સાથે પરિચય થયો. તેમણે મને સમજાવ્યો કે અત્યારે આ માર્ગ પર ચાલવાનો મારા માટે યોગ્ય સમય નથી. પરિવાર સાથે રહીને જે થઈ શકે એ કર. એ દરમ્યાન રામચંદ્રજી મહારાજ, જે ૧૮૭૩માં જન્મ્યા હતા, આ સંતે આઠ વર્ષની ઉંમરે જ પ્રાણાહુતિ (હાર્ટફુલ મેડિટેશન દરમ્યાન ગુરુ કે ટ્રેઇનર દ્વારા થતી એક પ્રકારની એનર્જી એક્સચેન્જની પ્રોસેસ) દ્વારા અનેક લોકોને અનોખા અનુભવ કરાવ્યા હતા. યોગાનુયોગ તેમના જે શિષ્ય બન્યા તેમનું નામ પણ રામચંદ્રજી. એના પરથી જ શ્રી રામચંદ્રજી મિશનની સ્થાપના કરવામાં આવી અને પ્રાણાહુતિની વિદ્યા દ્વારા સંપૂર્ણ માનવ સમાજને સશક્ત બનાવવાની, ધ્યાનમગ્ન કરીને ઇમોશનલ, મેન્ટલ, ઇન્ટેલેક્ચ્યુલ અને સ્પિરિચ્યુઅલ દરેક સ્તર પર મદદરૂપ થવાના પ્રયાસો થયા. આનો અનુભવ હું જ્યારે કૉલેજમાં ભણતો હતો ત્યારે મને થયો. નાનપણથી અધ્યાત્મ તરફની મારી ખોજ મને આ બાબુજી એટલે કે શ્રી રામચંદ્રજીમાં પૂરી થતી જણાઈ.’

યોગની વ્યાપકતા

આજે પણ લોકો આસન અને પ્રાણાયામને જ યોગ માને છે એ અયોગ્ય છે. યોગ ઉદ્યોગ બની ગયો છે એવા સમયે યોગની જે અસલી સુગંધ છે એનાથી આપણા જ દેશના લોકો વંચિત રહી ગયા છે એનો દાજીને અફસોસ પણ છે અને એ દિશામાં કામ કરવા માટે તેમણે ઘણાં આયોજનો પણ હાથ ધર્યાં છે. તેઓ કહે છે, ‘આજે પણ આપણે ત્યાં પલાંઠી વાળીને જમીન પર પંદર મિનિટ સ્થિર બેસી શકનારા કેટલા લોકો હશે? બહુ બેઝિક બાબતોમાં હજી આપણે ઘણા આગળ પહોંચવાનું છે. યોગની દિશામાં આપણે માત્ર શરૂઆત કરી છે. ધ્યાન પ્રત્યેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. યોગને ઉદ્યોગ બનાવીને આપણે જનજન સુધી પહોંચવું અઘરું છે. બાબુજી અમેરિકામાં હતા. ધ્યાનનું સેશન પૂરું થયું એટલે એક અમેરિકન બાબુજી પાસે આવીને કહે કે ગુરુજી, ફિફ્ટી ડૉલર. તો તેમને નવાઈ લાગી. આ વળી શું કહે છે? એટલે પેલાએ સ્પષ્ટતા કરી કે તમારી ફીઝ. ત્યારે તેમણે કહ્યું કે આ તો મારા ગુરુજીની ભેટ છે. આના પૈસા લઉં તો વિદ્યા ફેલ જાય. એ કિસ્સો અને બાબુજી સાથેના એ દિવસો આજે પણ મારા સ્મૃતિપટ પર તાજા જ છે. એટલે ફીઝ તો લેવાની જ ન હોય. અમે ધ્યાનની પદ્ધતિ લોકો સુધી પહોંચાડવા માટે સ્કૂલ, કૉલેજો, કૉર્પોરેટ ઑફિસ, સરકારી ઑફિસ અને સામાન્ય જનતા સુધી શક્ય હોય એ તમામ પ્રકારના મીડિયમથી પહોંચી રહ્યા છીએ. ૯૯ ટકા લોકોને ધ્યાનની આ પદ્ધતિથી લાભ થયો છે એટલે વધુને વધુ લોકો આપમેળે જોડાતા ગયા છે. સમાજ એક થાય, શાંતિ પૂર્ણ થાય અને સાથે મળીને સૌ પ્રેમપૂર્વક જીવે એ જ આ તમામ પ્રયાસોનું ધ્યેય છે.’

તમને બધા ‘દાજી’ કેમ કહે છે?

આ સવાલના જવાબમાં સરસ મજાના સ્મિત સાથે દાજી કહે છે, ‘ગુજરાતીમાં દાજી એટલે પપ્પાના નાના ભાઈ. હું મારા ગુરુજી એટલે કે શ્રીરામચંદ્રજીને બાબુજી કહેતો. હું તેમનાથી નાનો તેમનો પ્રતિનિધિ એટલે પછી આગળ જતાં એ જ નામ પડી ગયું. આમ પણ મને ગુરુજી, માસ્ટર જેવા શબ્દોથી કોઈ બોલાવે એના કરતાં દાજીના સંબોધનમાં વધુ વહાલસોયાપણાનો અને પોતીકાપણાનો અનુભવ થાય છે. ઈરાનથી કેટલાક અભ્યાસુઓ જ્યારે હાર્ટફુલ મેડિટેશન શીખવા આવ્યા ત્યારે તેમની પાસેથી ખબર પડી કે ઈરાનમાં માતાના નાના ભાઈને દાજી કહે છે. એટલે જ્યારે મને કોઈ દાજી કહે ત્યારે પરિવારના સભ્ય જેવો અનુભવ કરું છું.’

હાર્ટફુલનેસ મેડિટેશન શું છે?

તમારા હૃદયમાં ઈશ્વરીય પ્રકાશ છે અને પ્રકાશ પર ધ્યાન કેન્દ્રિત કરીને એ પ્રકાશ સાથે જાતને જોડેલા રાખવાની ક્રિયા એટલે હાર્ટફુલનેસ. આ પદ્ધતિમાં મુખ્ય પરિબળ છે પ્રાણાહુતિ. ટ્રાન્સમિશન ઑફ એનર્જી. સૌથી મહત્ત્વની બાબત એટલે આ ધ્યાનની પદ્ધતિમાં તમારે કંઈ નથી કરવાનું પણ તમારા ગુરુ, તમારા ટ્રેઇનર તમારામાં પ્રાણાહુતિ દ્વારા ઊર્જાનો સંચાર કરે અને આપોઆપ ધ્યાન લાગી જાય. તમારે માત્ર આંખ મીંચીને બેસવાનું છે. આ ધ્યાન પદ્ધતિમાં ક્લીનિંગ પ્રોસેસ પણ છે, જેમાં કેટલીક વિશેષ ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા ટ્રેઇનર તમને મનની, વિચારોની, ખોટી આદતોને કારણે મનમાં શરૂ થયેલા પ્રદૂષણની સફાઈ કરતાં શીખવે છે. આ પ્રોસેસની ફાઇનલ અસર એ થાય કે તમે દરેક સંજોગમાં સ્થિરતા, સમત્વ રાખતાં શીખી જાઓ. પૅરાસિમ્પથેટિક સિસ્ટમ ઍક્ટિવ થઈ જાય અને શરીરની સેલ્ફ-હીલિંગ કૅપેસિટી વધી જાય. મન શાંત અને સ્થિર થાય. મિસઅન્ડરસ્ટૅન્ડિંગ ઓછી થાય, કારણ કે સમજણ વધુ હોય તો સંબંધોમાં પણ સંવાદિતા વધે. વ્યક્તિગત રીતે અને સામાજિક રીતે એના ઘણા ફાયદા થાય. ફિઝિકલ ધોરણે પણ હાર્ટફુલનેસ મેડિટેશનના બેનિફિટ્સ પર અઢળક રિસર્ચ થઈ ગયાં છે અને હજી કેટલાક પાઇપલાઇનમાં છે જેમાં કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થથી લઈને અન્ય ડિસઑર્ડર પર એની કેવી અસર થાય છે એના વૈજ્ઞાનિક આધારો પણ પ્રાપ્ત થયા છે.

columnists ruchita shah yoga international yoga day