21 July, 2025 02:11 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
ધબકારા વધે ને હાર્ટ-અટૅકનો ડર લાગે કે જરાક પેટ દુખે ને કૅન્સરનો ભય લાગે અને ડગલે ને પગલે કોઈક મોટી બીમારી થઈ જવાનો ડર જો પીછો ન છોડતો હોય તો કદાચ તમે ઇલનેસ ઍન્ગ્ઝાયટીનો શિકાર હોઈ શકો છો. કોવિડ પછી આ પ્રકારની અવસ્થા ધરાવતા લોકોની સંખ્યા વધી છે ત્યારે નિષ્ણાતો સાથે વાત કરીએ અને જાણીએ કે શું-શું થઈ શકે આ અવસ્થામાં અને કઈ રીતે એને ટૅકલ કરવી
આટલું બધું પ્લાસ્ટિક પેટમાં ગયું છે તો ક્યાંક મને કૅન્સર તો નહીં થઈ જાયને; હું શુગર ખાઈશ અને ડાયાબિટીઝ થઈ ગયો તો; માથું બહુ દુખે છે, ક્યાંક મને ટ્યુમર તો નહીં હોયને; પૉલ્યુશન કેટલું વધી રહ્યું છે, ક્યાંક મને લન્ગ્સ કૅન્સર થઈ ગયું તો; આ લોકો સમજતા નથી, પરંતુ કદાચ મને હાર્ટમાં બ્લૉકેજ છે જ અને ગમે ત્યારે હાર્ટ-અટૅક આવી શકે છે; ક્યાંક મને ડેન્ગી થઈ ગયો અને પ્લેટલેટ્સ ઘટી ગયા અને હું મરી ગયો તો...
આવી અનેક પ્રકારની બીમારીનો ભય મનમાં એકધારો રહ્યા કરે છે. એ ડરને કારણે જાગતી ઍન્ગ્ઝાયટી તમારા શરીરમાં અમુક લક્ષણો પણ જન્માવે અને તમે પ્રયત્ન કરો તો પણ એ ભાર વચ્ચે દબાયા કરતા હો તો તમને આ બધાં જ લક્ષણો ઇલનેસ ઍન્ગ્ઝાયટીનાં હોઈ શકે. આજના સમયમાં ઇલનેસ ઍન્ગ્ઝાયટી સામાન્ય બની રહેલી સમસ્યા છે જેનાં ઘણાં કારણો છે. આજે નિષ્ણાતો પાસેથી આ સમસ્યા વિશે વિગતવાર જાણીએ.
ચાર બાબતો મૂળમાં
આજે આ બીમારીને ઇલનેસ ઍન્ગ્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ માનસશાસ્ત્રમાં જુદા નામે એનું વર્ણન આવે છે. અગ્રણી ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર ચિંતન નાયક એ વિશે કહે છે, ‘સાઇકોલૉજીમાં એને હાઇપોકૉન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જુઓ તો દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક બીમારીનો ભય આવતો હોય છે. જોકે એક લહેરની જેમ ક્યારેક એ તીવ્રતા સાથે આવેલી લાગણી થોડાક સમયમાં જ જતી પણ રહે છે. અમુક સમય માટે મનમાં જન્મેલી એ ચિંતા હળવી થઈ જાય અને એનાથી રૂટીન લાઇફને કોઈ ફરક ન પડે. જોકે જ્યારે આપણે હાઇપોકૉન્ડ્રિયાની વાત કરતા હોઈએ ત્યારે એમાં દરદીની લાઇફ સંપૂર્ણપણે ડિસ્ટર્બ થાય. લાંબા સમય સુધી બીમારી થઈ જવાનો ડર મગજ પર હાવી રહે અને એના કારણે સંબંધોમાં, પ્રોફેશનલ જવાબદારીઓમાં અને રોજબરોજની ઍક્ટિવિટીમાં માઇન્ડ ડિસ્ટર્બ રહે છે અને રૂટીન લાઇફ ખરાબ થતી હોય છે. આ પ્રકારના સંજોગોમાં ન્યુરો બાયો સાઇકો સોશ્યલ મૉડલથી નિદાન થાય છે. ન્યુરો એટલે કે બ્રેઇનમાં જ અમુક પ્રકારનાં ન્યુરો ટ્રાન્સમીટર રિલીઝ થતાં હોય છે જે આ પ્રકારની લાગણીને કન્ટિન્યુ કરવા માટે ટ્રિગર કરે. બાયો એટલે બાયોલૉજિકલી કોઈક અવસ્થા વ્યક્તિને સતત બીમારીના ભય હેઠળ રાખે. સાઇકો એટલે કે માનસિક રીતે ભૂતકાળના કોઈક અનુભવને કારણે વ્યક્તિના કોઈ ટ્રૉમાથી આવી ફીલિંગ ટ્રિગર થતી હોય અને છેલ્લે સામાજિક ઢાંચાને કારણે વ્યક્તિ આ પ્રકારની બીમારી સબકૉન્શ્યસલી ઇચ્છતી હોય. એટલે કે ધારો કે પરિવારમાં પુરુષનું આધિપત્ય હોય અને સ્ત્રીઓને કોઈ અટેન્શન જ ન મળતું હોય અને તે એકલી-એકલી ઘરના કામ કર્યા કરતી હોય, પણ ધારો કે તે માંદી પડે તો બધાનું ધ્યાન તેના પર જાય. તેના મનમાં એવું સોશ્યલ કન્ડિશનિંગ થઈ જાય કે જો તે માંદી પડે તો જ તેને પરિવારની હૂંફ મળશે. આવા સંજોગોમાં પણ વ્યક્તિ બીમાર થઈ જશે અથવા બીમારી થઈ ગઈ છે એવા ઍન્ગ્ઝાયટી અટૅકનો અનુભવ કરતી હોય છે.’
મયૂરિકા દાસ, સાઇકોલૉજિસ્ટ
બિહેવિયરમાં દેખાય
ઇલનેસ ઍન્ગ્ઝાયટી ધરાવતા લોકો કેટલાંક સ્પેસિફિક લક્ષણો સાથે જોવા મળતા હોય છે. સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર મયૂરિકા દાસ કહે છે, ‘આ દરદીઓ એવા ડૉક્ટર શોધતા હોય જેઓ તેમને બીમારી છે એ વાતનું વૅલિડેશન આપે અને જે ડૉક્ટર તેમને કોઈ બીમારી છે એવી ના પાડે એ ડૉક્ટરને તેઓ બદલી નાખે છે. તેઓ જરૂર ન હોય છતાં વારંવાર બ્લડ-ટેસ્ટ અને અન્ય ટેસ્ટ કરાવતા હોય છે. કોઈકની બીમારી વિશે સાંભળે અને તેમનામાં પણ એ લક્ષણો ડેવલપ થતાં તેમને લાગે અને એટલાં તીવ્ર લાગે કે સીધી છેલ્લી કક્ષાએ પહોંચીને તેઓ મરી જશે અને પછી તેમનાં સંતાનોનું શું થશે અને જીવન સમાપ્ત થઈ ગયું જેવા વિચારો કરવા માંડશે. તેમને તેમના પ્રિયજનો પાસેથી પણ વારંવાર તેમની બીમારીનું અશ્યૉરન્સ જોઈતું હોય છે. જોકે અમુક કેસમાં અમુક લોકો ડૉક્ટર અને ટેસ્ટિંગને અવૉઇડ કરતા હોય છે. સામાન્ય બીમારીનાં લક્ષણો હોય છતાં પોતાને કોઈક ગંભીર બીમારી જ છે અને જો તેઓ રિપોર્ટ કઢાવશે તો રિપોર્ટમાં આવી જશે અને એને કારણે તેઓ ડાયગ્નોસિસ જ ન કરાવે પણ અંદરોઅંદર ડરને અકબંધ રાખે.’
ચિંતન નાયક, સાઇકોલૉજિસ્ટ
કઈ રીતે ટૅકલ કરશો?
ઇલનેસ ઍન્ગ્ઝાયટીમાં દરેક પેશન્ટ યુનિક છે. કોને કયા કારણે આ અવસ્થા આવી છે એ જોવું સૌથી વધુ મહત્ત્વનું છે. ચિંતન નાયક કહે છે, ‘વ્યક્તિની અવસ્થા પર તેનો ઇલાજ નક્કી થાય છે. જો દરદીની અવસ્થા વધુ પડતી ખરાબ હોય તો તેને સાઇકિયાટ્રિસ્ટ પાસેથી દવાઓ પણ લેવી પડે અને સાથે કાઉન્સેલિંગ અને સાઇકોથેરપી દ્વારા પણ ટ્રીટમેન્ટ આપવી પડે. દવા અને કાઉન્સેલિંગ થેરપી સાથે મળીને કામ કરે તો રિઝલ્ટ વધુ બહેતર આવતું હોય છે. એક કેસ મારી પાસે આવેલો. ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની નવપરિણીત મહિલાના મનમાં ડર ઘૂસી ગયો હતો કે તેને કોવિડ થઈ જશે અને કોવિડ પછી હાર્ટમાં તકલીફ થશે અને પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેની દવા તો શરૂ કરી અને સાથે અમે આય મૂવમેન્ટ ડિસેન્સિટાઇઝેશન ઍન્ડ રીપ્રોસેસિંગ (EMDR) નામની થેરપી પણ શરૂ કરી. લગભગ આઠથી નવ સેશનમાં તે બહેનનાં લગભગ બધાં જ લક્ષણો ખતમ થઈ ગયાં. આજે તેમની દવાઓ પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. જોકે એ થેરપી વખતે ધ્યાનમાં આવ્યું કે નાનપણમાં દાદીને મમ્મીને હેરાન કરતાં જોયાં અને પછી તે દાદી માંદાં પડ્યાં ત્યારે મન વગર તેમની સારવાર કરી એનો ટ્રૉમા હતો. પ્લસ નાનપણમાં કઝિને કરેલા સેક્સ્યુઅલ અસૉલ્ટ અને પછી મમ્મીએ એ આખી વાત દબાવી દીધી એ સમયે મન પર જે પ્રભાવ પડ્યો હતો એ આ રીતે બહાર આવ્યો હતો. ત્રીજી પણ એક ઘટના હતી જેમાં કૉલેજ સમયનો બૉયફ્રેન્ડ રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો જેનો આઘાત મનમાં સંઘરાયેલો હતો. આ બધી જ લાગણીમાં એક કૉમન ફીલ હતી કે આઇ ઍમ નૉટ સેફ. સબકૉન્શ્યસમાં સ્ટોર થયેલો આ ભાવ જુદી રીતે બહાર આવ્યો. મગજમાં ક્યારે કયા બે તાંતણા જોડાઈ જાય અને કઈ રીતે બહાર આવે એ કહી ન શકાય.’
આવો જ એક બીજો કિસ્સો જણાવતાં મયૂરિકા દાસ કહે છે, ‘એક દરદી મારી પાસે આવેલી કે તેનું અચાનક મૃત્યુ થઈ જશે અને એ ડર તેને એવો સતાવતો કે તે પોતાના હસબન્ડને કોઈ બિઝનેસ-ટૂર પર પણ નહોતી જવા દેતી. અચાનક રાતે તેનું ડેથ થઈ ગયું અને તેનો હસબન્ડ સાથે નહીં હોય તો કોણ તેને જોશે એવો ડર તેને રહેતો. જ્યારે ધીમે-ધીમે તેને સમજાવ્યું કે આવું નહીં થાય ત્યારે તેણે નવી વાત કરી કે આવું થશે... આવું થશે... મેં એટલી વાર વિચારી લીધું છે કે હવે મને ખાતરી છે કે આ બાબતનું મૅનિફેસ્ટેશન થયા વિના નહીં રહે. આવા સમયે એક વાર બધાએ જ મરવાનું છે અને જ્યારે પણ મૃત્યુ આવે ત્યાં સુધી સારી રીતે જીવવા માટે શું કરું એ વિચારવા માટે પેશન્ટને મોટિવેટ કરાય તો પરિણામ મળતું હોય છે.’
ચિંતા ન કરો એવું કહીશું તો વધુ ચિંતા થશે એટલે બેસ્ટ છે કે...
સ્ટ્રેસને કારણે ઊભી થતી સમસ્યાનું સમાધાન એ છે કે સ્ટ્રેસ-ફ્રી રહેવા માટે જે કરી શકાય એ કરો. આ સંદર્ભે ચિંતન નાયક કહે છે, ‘જો બીમારીની ચિંતા નહીં કરવાની એવું કહીશ તો ૧૦૦ ટકા એની ચિંતા થશે જ થશે. જેમને ઇલનેસ ઍન્ગ્ઝાયટી નહીં હોય તેમને પણ થશે, કારણ કે એ માનવસ્વભાવ છે કે જે કરવાનું ના કહેવામાં આવે એ પહેલાં કરવાનું મન થાય. એટલે બેસ્ટ એ છે કે માઇન્ડને મજા પડે, સ્ટ્રેસ-ફ્રી રહે એ માટે જે કરવું પડે એ કરવાનો પ્રયાસ કરો. ઇન્ટરનેટનું આજે ખૂબ જ મોટું યોગદાન છે આ પ્રકારની લાગણીઓને લિફ્ટ આપવામાં. ઇન્ટરનેટ પર મળતી હેલ્થને લગતી અનફિલ્ટર્ડ વિગતોએ લોકોને બિનજરૂરી રીતે ડિસ્ટર્બ કર્યા છે. હું એક જ સલાહ આપીશ કે જેટલું તમારા માટે જાણવું જરૂરી હોય એટલું જ જાણવાના પ્રયાસ કરો અને એ માટે પણ તમારા ડૉક્ટરને પૂછો કે કયું પુસ્તક વાંચીને મને એ માહિતી મળશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કે ઇન્ટરનેટ પર જઈને ખાંખાંખોળા કરવાનું ટાળો. યોગ, પ્રાણાયામ, રનિંગ, વૉકિંગ, સારું સંગીત, ફિલ્મો, મેડિટેશન વગેરે જેમાં તમને મજા આવે એવી પ્રવૃત્તિઓ કરો.’