એક સંતાનને ઑટિઝમ હોય તો બીજાને થઈ શકે?

02 December, 2022 04:58 PM IST  |  Mumbai | Dr. Pradnya Gadgil

ઑટિઝમ જન્મથી જોવા મળતો ડિસઑર્ડર છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા મોટા દીકરાને છેલ્લાં ૧૦ વર્ષથી ઑટિઝમ છે. હું પ્રેગ્નન્ટ હતી એ સમયે એવું કશું જ થયું નહોતું જેને કારણે ઑટિઝમ આવ્યું હોય. આખા ખાનદાનમાં પહેલું બાળક જ છે જેને ઑટિઝમ છે. અમને એક બીજા નૉર્મલ બાળકની ઇચ્છા છે. અમે ડરીએ પણ છીએ કે બીજું બાળક પણ ઑટિસ્ટિક નીકળ્યું તો? બીજાને થવાની શક્યતા કેટલી? અમારે બીજું બાળક પ્લાન કરવું જોઈએ કે નહીં?

 જો તમારા એક બાળકને ઑટિઝમ હોય તો બીજું જન્મે તેને પણ ઑટિઝમ હોઈ શકે અને ન પણ હોઈ શકે. આ એક એવી શક્યતાની આપણે વાત કરીએ છીએ જેમાં ઘણા બધા ઍન્ગલ જોડાયેલા છે, કારણ કે ઑટિઝમ એક સ્પેક્ટ્રમ ડિસઑર્ડર છે. ઘણા જુદા-જુદા જીન્સ એના માટે જવાબદાર હોય છે. એટલું જ નહીં, ઘણાં બીજાં કારણો પણ છે જેને લીધે આ રોગ આવે છે. ઑટિઝમ જન્મથી જોવા મળતો ડિસઑર્ડર છે. એ વાત ચોક્કસ છે કે જેમ બાળક ધીમે-ધીમે મોટું થતું જાય એનાં લક્ષણો સામે આવે છે. દુનિયામાં ઘણાં રિસર્ચ થઈ રહ્યાં છે જેના દ્વારા જાણી શકાય કે ઑટિઝમ કોને અને શા માટે થાય છે, પરંતુ ખાસ કોઈ કારણ સામે આવ્યું નથી. ઑટિઝમ જિનેટિક ડિસઑર્ડર છે, પરંતુ તે વંશાનુગત જ હોય એવું જરૂરી નથી. એટલે કે ઘરમાં કોઈને આ તકલીફ હોય એટલે બાળકમાં પણ એ જ જીન્સ આવે અને તે માટે બાળકને આ રોગ થાય તેવું હોતું નથી. તમારા ખાનદાનમાં દૂર-દૂર સુધી કોઈને આ  રોગ ન થયો હોય તો પણ તમારા બાળકને આ રોગ થઈ શકે છે. ઑટિઝમના જીન્સ બાળકની અંદર આવતા રોકવા શક્ય નથી, પરંતુ એવું પણ જરૂરી નથી કે જે બાળકોને જિનેટિકલી ઑટિઝમ થવાની શક્યતા છે તે બધાં જ બાળકોને ઑટિઝમ થાય છે. 

જો તમને બીજા બાળકની ઇચ્છા હોય તો બાળક કરતાં પહેલાં ઘણી ટેસ્ટ હોય છે જેના દ્વારા જીન્સ વિશેની માહિતી મેળવી શકાય છે. દરેક કપલે આ શક્યતા જુદી છે અને કઈ ટેસ્ટ કરાવવી એ પણ તમને ચકાસીને જ કહી શકાય. એક બાળકને ઑટિઝમ છે તો બીજાને હોવાની શક્યતા તો છે જસ એની ના ન કહી શકાય. માટે જરૂરી છે કે તમે એક વખત ડૉક્ટરને મળો અને તેમની સલાહ મુજબ આગળ વધો.

columnists health tips life and style