કબજિયાતની દવાની આદત છે, શું કરું?

12 September, 2022 05:34 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

ગૅસ અને કબજિયાતની તકલીફ એ ખૂબ જ સામાન્ય તકલીફ છે અને લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને થતી જ હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૫૮ વર્ષ છે. છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી મને વાતની તકલીફ રહે છે. આખો દિવસ ઓડકાર આવ્યા કરે, એવું લાગે કે પચતું જ નથી. મને કબજિયાતની તકલીફ પણ છે. પેટ વ્યવસ્થિત સાફ આવે એના માટે વર્ષોથી જાત-જાતનાં ચૂર્ણ અને દવાઓ લીધી છે, પણ હવે પરિસ્થિતિ એ છે કે દવાઓ ન લઉં તો પેટ સાફ જ નથી થતું. આ દવાઓ પણ ખૂબ હેવી છે. આમાંથી કઈ રીતે નીકળું એ સમજાતું નથી. દવાઓ બંધ કરવી છે મારે. શું એ શક્ય છે? 

ગૅસ અને કબજિયાતની તકલીફ એ ખૂબ જ સામાન્ય તકલીફ છે અને લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિને થતી જ હોય છે. પાછા આપણા ઘરગથ્થુ ઉપચારો, ઊંટવૈદું અને જાત-જાતના રેચક પદાર્થો બજારમાં એમનેમ જ મળે છે જે લોકો લેતા હોય છે. રેચક પદાર્થોને કારણે ઘણી વાર તકલીફ ઓછી થવાને બદલે વધી ગઈ હોય એમ પણ બને.  રેચક પદાર્થો આંતરડાની દીવાલોને ઢીલી કરે અને આમ, એ સ્નાયુઓને વધુ નબળા કરે. વળી, રેચક પદાર્થો એક આદત છે. સ્નાયુની સ્થિતિસ્થાપકતા જે સહજ હોય એ સહજ પ્રોસેસમાં એ ખલેલ પહોંચાડે છે. આમ, તમને એની આદત પડી જાય. જો એ ન લો તો પેટ સાફ થાય જ નહીં. બીજું એ કે એક ગોળીથી પેટ સાફ થતું હોય તો ૧ મહિના પછી તમને બે ગોળીઓની જરૂરત પડવાની છે. આમ, એની માત્રાઓ વધતી જાય અને પેટ પર એની અસર વધુ ને વધુ ખરાબ થતી જાય. માટે આવી આદતો તો ખૂબ જોખમી છે. 

મહત્ત્વનું એ છે કે તમે આટલાં વર્ષોથી કબજિયાત કેમ છે એનું યોગ્ય નિદાન કરાવો. આટલાં વર્ષોની કબજિયાત પાછળ ઘણાં કારણો હોઈ શકે, જેમાં તમને જો થાઇરૉઇડ કે ડાયાબિટીઝ હોઇ શકે, ન્યુરોલૉજિકલ કોઈ પ્રૉબ્લેમ પણ હોઈ શકે, તમારા નીચેના સ્નાયુઓમાં કોઈ તકલીફ હોય, તમારું ડાયટ યોગ્ય ન હોય, તમે બેઠાડુ જીવન જીવતા હો, સ્મોકિંગ અને આલ્કોહૉલ લેતા હો, ફિશર કે પાઇલ્સ જેવી તકલીફ હોય. આમાંથી કોઈ પણ એક કે એકથી વધુ કારણોને લીધે તમને આ તકલીફ હોઈ શકે છે. માટે પહેલાં નિદાન જરૂરી છે. બીજું એ કે ઘણી વાર નૉર્મલ લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીએ તો પણ ફરક પડે છે. ચાલવાનું રાખો, પાણી દરરોજ અઢીથી ત્રણ લીટર જેટલું પીવો, ઊંઘ સારી લો, ફાઇબરયુક્ત ખોરાક લો અને ધીમે-ધીમે તમે જે દવાઓ લો છો એ દવાઓ છોડતા જાવ. અંતે આ એક આદત છે જે સાઇકોલૉજિકલ અસર કરે છે. એ ધીમે-ધીમે જશે. 

columnists health tips life and style