પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીઝ આવ્યો છે, શું કરું?

24 January, 2023 05:32 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

જેને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે એમને ખાસ પ્રેગ્નન્સી દરમ્યાન ડાયાબિટીઝ આવી જવાનું રિસ્ક વધુ રહે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૩ વર્ષની છું. પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે. હાલમાં નૉર્મલ ચેક-અપમાં ખબર પડી કે મારી શુગર વધી ગઈ છે. મારા ઘરમાં પપ્પાને ડાયાબિટીઝ છે એટલે કદાચ જિનેટિકલી આ રોગ મને આવ્યો હોય. જોકે મારું વજન પણ વધુ હતું અને પ્રેગ્નન્ટ બનતાં પહેલાં મને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ પણ હતું. હવે છેલ્લા ૩ મહિના હું કેવી રીતે સંભાળું? કઈ રીતે મૅનેજ કરું? બાળકને તો કઈ નહીં થાય? મને ચિંતા થાય છે.
  
જે સ્ત્રીઓના ઘરમાં માતા કે પિતાને ડાયાબિટીઝ છે, જે પોતે ઓબીસ કે ઓવરવેઇટ છે, જેને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે એમને ખાસ પ્રેગ્નન્સી દરમ્યાન ડાયાબિટીઝ આવી જવાનું રિસ્ક વધુ રહે છે. આ પ્રકારના ડાયાબિટીઝને જેસ્ટેશનલ ડાયાબિટીઝ કહે છે. તમારા કેસમાં આ બધાં જ કારણો લાગુ પડે છે. આ એ પ્રકારનો ડાયાબિટીઝ છે જે પ્રેગ્નન્સી દરમ્યાન આવે છે અને ડિલિવરી પછી એની જાતે જ જતો રહે છે. આવી સ્ત્રીઓને ભવિષ્યમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. મહત્ત્વનું એ છે કે જો પ્રેગ્નન્સી દરમ્યાન આવેલા આ ડાયાબિટીઝને કાબૂમાં ન રાખ્યો તો બાળક પર એની અસર થાય છે. મિસકૅરેજ, પ્રી-ટર્મ ડિલિવરી, વિકલાંગ બાળક કે ક્યારેક મૃત બાળક જેવા પ્રૉબ્લેમ્સ પણ આવી શકે છે. માટે આ બાબતે ઘણું જ સતર્ક રહેવું જરૂરી છે. બેસ્ટ તો એ જ છે કે જેસ્ટેશનલ ડાયાબિટીઝ આવે નહીં, પરંતુ જો આવે તો એનું મૅનેજમેન્ટ પણ એટલું જ અનિવાર્ય છે. 

આ પણ વાંચો : માઇગ્રેન વંશાનુગત આવી શકે?

સૌથી પહેલાં એની શરૂઆત ડાયટ કન્ટ્રોલથી જ થાય છે. પ્રેગ્નન્સી દરમ્યાન ડાયટ કન્ટ્રોલની વાત સાંભળીને ભારતીય પરિવારો ઊંચા-નીચા થઈ જતા હોય છે. મોટા ભાગનાં ઘરોમાં કોઈને કહો કે પ્રેગ્નન્સીમાં ઓછું ખાવાનું છે તો તે લોકો આ વાતને સમજી નથી શકતા. આ સમય તો ખાવાનો છે અને એ સમયે જ કન્ટ્રોલ કરવાનો, પરંતુ આ બાબતે તમારે સમજવું પડશે અને ઘરના લોકોને સમજાવવું પડશે. પ્રોફેશનલ વ્યક્તિના હાથ નીચે ડાયટ કન્ટ્રોલ કરવું જરૂરી છે, જેનાથી શુગર એકદમ કન્ટ્રોલમાં હોવી જરૂરી છે. જો એવું ન થાય અને  સ્ત્રી ડાયટ પર કન્ટ્રોલ ન કરી શકે, તેને ખૂબ ભૂખ લાગે તો દવાઓ પણ શરૂ કરવી પડે છે. ડાયટ દ્વારા ડાયાબિટીઝ કન્ટ્રોલ થાય તો બેસ્ટ, નહીંતર દવાથી પણ એને કન્ટ્રોલમાં રાખવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને ૩૬ અઠવાડિયાં પછીનો સમય વધુ રિસ્કી હોય છે ત્યારે સંભાળવું ખૂબ જ જરૂરી છે.

columnists health tips life and style diabetes