પેઢામાં વારંવાર તકલીફ ઊભી થાય છે

09 January, 2023 05:48 PM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

પેઢામાંથી લોહી નીકળે કે એ સૂજેલા હોય કે પછી પોલા થઈ ગયા હોય તો તરત ડેન્ટિસ્ટને મળવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું બાવન વર્ષનો છું. મને ૬ મહિના પહેલાં પેઢામાં ઇન્ફેક્શન થઈ ગયેલું. એની ટ્રીટમેન્ટ લીધી એ પછી હાલમાં ખબર નહીં શું થયું છે કે પેઢામાંથી લોહી નીકળવા લાગ્યું છે. એટલું જ નહીં, પેઢા આજકાલ સૂજેલા રહે છે અને લાલ પણ થઈ જાય છે. શું મને ઇલાજની જરૂર છે? પેઢાની તકલીફ આ ઉંમરમાં આવવી કેટલી નૉર્મલ ગણાય? અત્યારથી જો પેઢાની તકલીફ આવી તો હું શું કરીશ? હું મારા દાંતનું ખાસ્સું ધ્યાન રાખું છું છતાં કેમ આવું થઈ રહ્યું છે એ મને સમજાતું નથી. 

આ પણ વાંચો : નવજાતને ગળથૂથીમાં મધ ચટાડી શકાય?

પેઢાના રોગનો કોઈ ખાસ સંકેત હોય એ જરૂરી નથી. સામાન્ય રીતે પેઢા ફૂલી જાય, લાલ થઈ જાય, લોહી નીકળે અને ક્યારેક પસ થઈ જાય છે એવું બને. આ સિવાય ઇન્ફેક્શનને કારણે આ દર્દીઓના મોઢામાંથી વાસ આવતી હોય એમ પણ બને. સારું છે કે તમે તમારાં ચિહ્‍નો પ્રત્યે અવગત છો. જીવનભર નીરોગી જીવન ઇચ્છતા હો તો પેઢાને સાચવવા જરૂરી છે. જોકે એવું નથી કે આ ઉંમરે પેઢાની તકલીફ આવી ન શકે. એવું કહી શકાય કે આવવી ન જોઈએ.

આ પણ વાંચો : સારું કૉલેસ્ટરોલ ઓછું હોય તો ચાલે?

તમારી પેઢાની તકલીફ વધી છે તો ઇલાજ તો જરૂરી છે જ, પેઢામાંથી લોહી નીકળે કે એ સૂજેલા હોય કે પછી પોલા થઈ ગયા હોય તો તરત ડેન્ટિસ્ટને મળવું જરૂરી છે, પરંતુ જો તમે દાંતની કાળજી રાખતા હો અને છતાં તમને અવારનવાર આ તકલીફ થઈ રહી છે તો એક વાત પર ધ્યાન આપવું જરૂરી છે કે તમે તમારી શુગર એક વખત ચેક કરાવો. જ્યારે આપણા મોઢામાં ઇન્ફેક્શન ખૂબ વધી ગયું હોય ત્યારે એ ઇન્ફેક્શનને કારણે આખા શરીરમાં ઇન્ફ્લેમેશનની તકલીફ સર્જાઈ શકે છે. આ ઇન્ફ્લેમેશન શરીરમાં શુગરના નિયંત્રણ પર અસર કરે છે, જેને લીધે વ્યક્તિ પર ડાયાબિટીઝનું રિસ્ક વધે છે. અમારી પાસે પેઢાના રોગ સાથે જે દરદી આવે છે, ખાસ કરીને જેમને ખૂબ વધારે પ્રૉબ્લેમ હોય તેમને અમે પૂછીએ અને તે કહે કે તેમને ડાયાબિટીઝ નથી તો અમે ચોક્કસ તેમને કહીએ છીએ કે તમે એક વખત બ્લડ શુગર લેવલ ચેક કરાવો અને હકીકત છે કે એમાંથી મોટા ભાગના લોકોને ડાયાબિટીઝ નીકળે છે. ઘણાં રિસર્ચ એ બન્ને વચ્ચેનો સંબંધ સાબિત કરી ચૂક્યાં છે, જે કહે છે કે પેઢાની તકલીફને લીધે લોહીમાં શુગરનું પ્રમાણ જળવાતું નથી અને એને કારણે ડાયાબિટીઝની તકલીફ વધી શકે છે. આમ, પેઢાનો ઇલાજ કરાવો એ તો જરૂરી જ છે, પણ સાથે ડાયાબીટીઝ પણ એક વાર ચેક કરાવી લેજો.

columnists health tips life and style