સ્ટ્રેસ નથી છતાં ઊંઘ બરાબર નથી આવતી

28 November, 2022 04:04 PM IST  |  Mumbai | Yogita Goradia

વિટામિનની ઊણપ હોય અને એ કારણ અનિદ્રા પાછળ જવાબદાર હોય તો એ ઊણપ પૂરી કર્યા વગર જો થેરપી ચાલુ કરી દઈએ તો એની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૪૨ વર્ષનો છું અને બિઝનેસ કરું છું. ખાસ ટેન્શન લેવાનો સ્વભાવ નથી મારો, પણ છેલ્લા ૬ મહિનાથી મારી ઊંઘ ખૂબ ડિસ્ટર્બ થાય છે. એક સારી ઊંઘ માટે તરસી રહ્યો છું. ઊંઘની ક્વૉલિટી ખૂબ ખરાબ છે. થોડો હાથ-પગનો દુખાવો રહે છે. મેં હાલમાં રૂટીન ચેકઅપ કરાવેલું, જેમાં બધા રિપોર્ટ સારા છે. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ થોડાં-થોડાં ઓછાં હતાં. બાકી દરરોજ ૧ કલાક કસરત કરું છું, ખોરાક થોડો ઉપર-નીચે હોઈ શકે, પણ વજન ખાસ વધારે નથી, છતાં ઊંઘની તકલીફ ઊભી જ છે. ઊંઘ સારી થાય એ માટે થેરપી લેવી પડશે કે બીજો કોઈ ઉપાય છે? 

ઊંઘની તકલીફ હોવાનું કારણ હંમેશાં માનસિક સ્ટ્રેસ જ હોય એવું નથી હોતું. વળી, એ કારણ લાઇફસ્ટાઇલ રિલેટેડ જ હોય એવું પણ નથી હોતું. કોઈ પણ વ્યક્તિને જો ઊંઘનો પ્રૉબ્લેમ હોય અને એ ઘણાં બધાં કારણોને લઈને હોઈ શકે છે અને એવું પણ બને છે કે એક પ્રૉબ્લેમ પાછળ એકસાથે ઘણાં કારણો જવાબદાર હોય. ઊંઘના પ્રૉબ્લેમના ઇલાજ માટે એની પાછળનું કારણ શોધવું જરૂરી છે. જો વિટામિનની ઊણપ હોય અને એ કારણ અનિદ્રા પાછળ જવાબદાર હોય તો એ ઊણપ પૂરી કર્યા વગર જો થેરપી ચાલુ કરી દઈએ તો એની કોઈ ખાસ અસર જોવા મળતી નથી. મૅગ્નેશિયમની ઊણપ સર્જાય તો લાંબા ગાળાનો અનિદ્રાનો રોગ થઈ શકે છે. કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ મિનરલ્સની ઊણપ હોય તો થોડા કલાકમાં જ ઊંઘ ઊડી જાય છે અને પાછી જલદી આવતી નથી. આમ ઊંઘની ક્વૉલિટી પર અસર પડે છે. તમે ડૉક્ટરને પૂછીને સપ્લિમેન્ટ ચાલુ કરી શકો છો. એનાથી ફરક પડશે. 

બાકી, યોગ્ય ખોરાક પણ જરૂરી છે. તમે જો પ્રોસેસ્ડ કે જન્ક ફૂડ વધારે ખાતા હો તો એ બંધ કરો. એ તમારા પાચન પર સીધું અસર કરે છે અને એને કારણે તમને જરૂરી પોશાક તત્ત્વોની ઊણપ સર્જાઈ શકે છે. જો તમે ઇચ્છતા હો કે ખોરાકને કારણે તમને ઊંઘનો પ્રૉબ્લેમ થાય જ નહીં તો રાતે તળેલા ભોજનનો ત્યાગ કરો. વારંવાર ખાઓ, પણ થોડું-થોડું ખાઓ. દૂધ અને દૂધની બનાવટો, બદામ અને અખરોટ જેવાં ડ્રાયફ્રૂટ, કેળાં અને ઈંડાં ખાઓ. રાતે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધમાં મધ ભેળવીને લઈ શકાય, કારણ કે દૂધમાં કૅલ્શિયમ અને ટ્રિપ્ટોફેન હોય છે અને મધમાં શુગર જે આ ટ્રિપટોફેનને મગજ સુધી પહોંચાડે છે અને મેલટોનિન બનાવવામાં મદદ કરે છે, જે સારી ઊંઘ આવવા માટે જવાબદાર હૉર્મોન છે. 

columnists health tips life and style