પ્રી-ડાયાબેટિક સ્ટેજમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે

14 February, 2023 05:43 PM IST  |  Mumbai | Yogita Goradia

વ્યવસ્થિત ઊંઘ ન થવાથી વ્યક્તિના ખોરાકના પોર્શનમાં વધારો થાય છે એટલે કે ખૂબ વધારે ખવાય છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

હું ૪૮ વર્ષની વર્કિંગ વુમન છું. થોડા સમય પહેલાં રેગ્યુલર ચેકઅપમાં બૉર્ડરલાઇન શુગર આવી હતી. ડૉક્ટરે મને લાઇફ-સ્ટાઇલ ચેન્જ કરવા કહ્યું હતું. ડાયટ કન્ટ્રોલમાં મને ખૂબ તકલીફ પડી રહી છે. પહેલાં હું એટલું વધારે નહોતી ખાતી જેટલું હું હમણાં ખાવા માંડી છું. કામ હોય ત્યારે ભૂખ ન લાગે અને બાકી અકરાંતિયાની જેમ ભૂખ લાગે છે. જોકે હું દરરોજ એક કલાક કસરત કરું છું. છેલ્લા ૬-૮ મહિનાથી કામ ખૂબ વધારે હોવાથી સ્ટ્રેસ વધુ છે. રાતે પણ કામ કરતી હોવાને લીધે હવે સ્લીપિંગ શેડ્યુલ બગડી ગયું છે. હવે કામ ન હોય એ દિવસે પણ રાતે ઊંઘ આવતી નથી. મારે કોઈ પણ રીતે પ્રી-ડાયાબેટિક સ્ટેજમાંથી બહાર આવવું છે. હું શું કરું?  
  
સારું છે કે તમે આ બાબતે જાગ્રત છો. પહેલાં તો સમજવાની કોશિશ કરીએ કે તકલીફ ક્યાં છે. કોઈ પણ માણસની ઊંઘના કલાકો ગરબડ થાય એટલે તેના ખોરાક પર સીધી અસર પડે છે. ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે રાતે મોડે સુધી જાગનારા લોકોનો કૅલરી ઇન્ટેક ઘણો વધારે છે. વ્યવસ્થિત ઊંઘ ન થવાથી વ્યક્તિના ખોરાકના પોર્શનમાં વધારો થાય છે એટલે કે ખૂબ વધારે ખવાય છે. એટલું જ નહીં, ખાવાનો સમય ઉપર-નીચે થાય છે. રાતે ન સૂએ એટલે દિવસે વધુ સૂએ. આ કારણસર ઑબેસિટીની તકલીફ વધે છે જે ડાયાબિટીઝ માટેનું ઘણું મહત્ત્વનું કારણ છે. જે લોકોની ઊંઘ બરાબર નથી હોતી એવા લોકોની ફૂડ ચૉઇસ પણ ખોટી હોય છે. આવા લોકો જન્ક ફૂડ અને ફૅટી ફૂડ વધુ ખાતા હોય છે. આ બધી બાબતો ધીરે-ધીરે વ્યક્તિને ડાયાબિટીઝ તરફ ધકેલે છે.

આ પણ વાંચો:  પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીઝ આવ્યો છે, શું કરું?

તમારો ખોરાક વધી ગયો હોય તો એનું કારણ તમારી અપૂરતી અને કસમયની ઊંઘ જ કારણભૂત હોય એમ બને. રાતની ૬-૮ કલાકની ઊંઘ ચોક્કસ કરો. એ ઊંઘ જેટલી સારી ક્વૉલિટીની હશે એટલી તમને ડાયાબિટીઝથી લડવામાં મદદરૂપ બનશે. બાકી ૧ કલાકની એક્સરસાઇઝ તમે શરૂ કરી છે એ સારું છે. જેમ એ ઊંઘનો સમય નિશ્ચિત થાય એમ જમવાનો સમય પણ નિશ્ચિત કરો. એની સાથે તમારી ભૂખ કન્ટ્રોલમાં આવશે. ધીમે-ધીમે ક્રેવીન્ગ્સ પણ જશે. જો તમને આ ખુદ કરવાનું અઘરું લાગે તો પ્રોફેશનલ મદદ લો. દરેક પ્રી-ડાયાબેટિક સ્ટેજવાળી વ્યક્તિએ એ સમજવાનું છે કે આ સ્ટેજ પર ડાયાબિટીઝ રિવર્સ કરવાનું કામ એ જીવનભર ડાયાબિટીઝ મૅનેજ કરવાના કામ કરતાં સહેલું છે. માટે લાગી પડો.  

columnists health tips life and style diabetes