ચશ્માં પહેરીને નાક પર નિશાન પડી ગયાં છે? આ રીતે એ હટાવો

05 March, 2025 06:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાંબા સમયથી ચશ્માં પહેરતા હોય એ લોકોને નાક પર બન્ને બાજુએ નિશાન પડી જતાં હોય છે. આ નિશાનને કારણે ચહેરાનો લુક ખરાબ થઈ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે ચશ્માં રહેશે ત્યાં સુધી આ નિશાનથી છુટકારો મેળવવો અઘરો છે.

ચશ્માં પહેરીને નાક પર નિશાન પડી ગયાં છે? આ રીતે એ હટાવો

લાંબા સમયથી ચશ્માં પહેરતા હોય એ લોકોને નાક પર બન્ને બાજુએ નિશાન પડી જતાં હોય છે. આ નિશાનને કારણે ચહેરાનો લુક ખરાબ થઈ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે ચશ્માં રહેશે ત્યાં સુધી આ નિશાનથી છુટકારો મેળવવો અઘરો છે. જોકે વાસ્તવિકતામાં તમે અમુક ઘરેલુ નુસખા અજમાવીને સરળતાથી આ નિશાનમાંથી છુટકારો મેળવી શકો છો. 
નાક પર નિશાન કેમ પડી જાય છે પહેલાં એ સમજવું જરૂરી છે. સામાન્ય રીતે તમારાં ચશ્માંના નોઝ પૅડ જો ખૂબ ટાઇટ હોય તો એ સતત ત્વચા પર ઘસાઈને નાકની સ્કિન પર નિશાન પાડી દે છે. ઘણા લોકોનું કહેવું હોય છે કે અમે ટાઇટ ચશ્માં નથી પહેરતા તો પણ કેમ નિશાન પડી જાય છે? તો એની પાછળ પણ ઘણાં કારણો હોઈ શકે છે. જેમ કે ચહેરાના આકાર અને માપના હિસાબે યોગ્ય ચશ્માં ન પહેરવાં. એને કારણે નાક પર પ્રેશર આવે છે અને સતત ઘર્ષણને કારણે નિશાન પડી જાય છે. એવી જ રીતે જો કોઈની ઑઇલી કે ઍક્નેવાળી ત્વચા હોય તો પણ ઇરિટેશન અને રૅશિસ થવાની સાથે નિશાન પડી જાય છે. એ સિવાય જો ફ્રેમ હેવી હોય તો એનાથી પણ ઘણી વાર નાક પર નિશાન પડી જતાં હોય છે. 
આ નુસખાઓ તો જ કામ કરશે જો તમે રેગ્યુલર બેઝિસ પર ફૉલો કરતા રહેશો. ડાઘ એક જ વારમાં નહીં જાય. એને સમય સાથે ધીમે-ધીમે ઝાંખા થતાં વાર લાગશે. એવી જ રીતે જો તમને સ્કિન સંબંધિત કોઈ સમસ્યા હોય તો પહેલાં ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને પછી જ આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા. 

આ રહી હોમ રેમેડીઝ
ચશ્માંને કારણે નાક પર પડેલાં નિશાનને દૂર કરવાનું કામ સહેલું નથી, પણ અશક્ય છે એવું પણ નથી. આ નિશાનને મિટાવવા માટેની ક્રીમ આવે છે, મેડિકલ ટ્રીટમેન્ટ્સ હોય છે અને ઘણા હોમ રેમેડીઝ પણ કરતા હોય છે. 
ઍલોવેરા એની સૂધિંગ પ્રૉપર્ટીઝ માટે વખણાય છે. આમાં રહેલી હીલિંગ પ્રૉપર્ટીને કારણે સામાન્ય રીતે એની ભલામણ કરવામાં આવે છે. નાક પરનાં નિશાનને હટાવવા માટેની એ બેસ્ટ મેથડ છે. ઍલોવેરાનો એક ટુકડો લઈ એને વચ્ચેથી ચીરીને અંદરથી જે જેલ નીકળે એને નિશાન પર પાંચ મિનિટ સુધી ઘસો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. 
એવી જ રીતે કાકડી એમાં રહેલાં ભરપૂર ઍન્ટિઑક્સિડન્ટ્સને કારણે ઓળખાય છે. સ્કિનને હાઇડ્રેટ કરવા અને ઇરિટેશન ઓછું કરવામાં કાકડી મદદ કરે છે. કાકડીની પાતળી બે ગોળ સ્લાઇસ લઈને એને નિશાન પર દરરોજ ૧૦-૧૫ મિનિટ સુધી ઘસો. 
તમે મધ અને લીંબુના રસને મિક્સ કરીને નિશાન પર લગાવશો તો પણ ફાયદો થશે. મધ ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે અને લીંબુનો રસ એની નૅચરલ બ્લીચિંગ પ્રૉપર્ટીઝ માટે ઓળખાય છે. 
જો એ નિશાન પર ડાર્કનેસ આવી ગઈ હોય તો બટેટાના રસમાં પણ નૅચરલ બ્લીચિંગ પ્રૉપર્ટીઝ હોય છે જે નિશાન હટાવવામાં અસરકારક રીતે કામ કરે છે. એ માટે બટેટાના રસને નિશાન પર લગાવીને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો.

health tips fashion news fashion columnists life and style