ડાયાબિટીઝ પણ રિવર્સ થઈ શકે છે!

14 November, 2022 04:49 PM IST  |  Mumbai | Sejal Patel

ચાલો, જાણીએ એવી બે ડાયટ પદ્ધતિઓ વિશે જે માત્ર ખોરાકમાં બદલાવ લાવીને ડાયાબિટીઝ જ નહીં, ભલભલા રોગોને ભગાડી શકે એવો દાવો કરે છે

પ્રતીકાત્મક તસવીર

કેટલીક ડાયટ પદ્ધતિઓને કારણે અનેકોનો મધુપ્રમેહ કન્ટ્રોલમાં આવી ગયો છે એવું જાણીએ ત્યારે સવાલ ઊભો થાય છે કે એક વાર બ્લડશુગર આવી જાય પછી તો આખી જિંદગી દવા લેવી જ પડે એવું માનવું ક્યાંક ખોટું તો નથીને? ચાલો, જાણીએ એવી બે ડાયટ પદ્ધતિઓ વિશે જે માત્ર ખોરાકમાં બદલાવ લાવીને ડાયાબિટીઝ જ નહીં, ભલભલા રોગોને ભગાડી શકે એવો દાવો કરે છે

ડાયાબિટીઝ વારસાગત મનાય છે, પણ ખરેખર એવું છે? દરેક પરિવારની જીવનશૈલી સરખી જ હોય છે એટલે સરખી જ ભૂલો થતી હોય છે એટલે રોગો પણ સરખા જ હોય.

ભારતમાં દર ૧૧માંથી એક વ્યક્તિ ડાયાબિટીઝ એટલે કે લોહીમાં વધુપડતી શુગરની સમસ્યાથી પીડાય છે અને સૌથી વધુ ડાયાબિટીઝના દરદીઓની સંખ્યાની વાત કરીએ તો ચીન પછી ભારતનો બીજો નંબર આવે છે. પહેલાં પચાસ-સાઠ વર્ષની ઉંમરે દેખાતી સમસ્યા હવે ત્રીસ-પાંત્રીસ વર્ષે ઘર કરી જાય છે અને એ બધા માટે જીવનશૈલીને બ્લેમ કરવામાં આવે છે. બહુચર્ચિત અને વિવાદોમાં રહેતા ન્યુટ્રિશનિસ્ટ બિશ્વરૂપ રૉય ચૌધરી કહે છે, ‘ડાયાબિટીઝ કોઈ રોગ નથી, પરંતુ અવસ્થા છે. લોહીમાં જેટલું નૉર્મલી ગ્લુકોઝ રહેવું જોઈએ એના કરતાં વધુ શુગર રહે ત્યારે આ સ્થિતિ નિર્માણ થાય. નવાઈની વાત એ છે કે આવું થવાનું કારણ મૉડર્ન મેડિસિનવાળા જીવનશૈલીને ગણાવે છે, પણ એ અવસ્થાથી છુટકારો મેળવવા જીવનશૈલી સાચી કરવાને બદલે દવાઓની ટીકડીઓ આપે છે. શા માટે લોહીમાં શુગર જમા રહે છે એનાં કારણો સમજવામાં નથી આવતાં. ખરાબ જીવનશૈલીને કારણે જમા થયેલાં ટૉક્સિન્સ પૅન્ક્રિયાસની કાર્યક્ષમતા ઘટાડે છે અને એવામાં જો બૉડીને અંદરથી ડિટૉક્સિફાય કરવામાં આવે તો પૅન્ક્રિયાસ શું, શરીરના તમામ આંતરિક અવયવો મસ્કાની જેમ ચાલવા લાગે. પણ ના, મૉડર્ન મેડિસિનવાળા એ માટે દવાઓ આપવાનું પ્ર‌િફર કરે છે જે બૉડીમાં વધુ ટૉક્સિન્સની જ જમાવટ કરે છે.’

ડૉ. બિશ્વરૂપ રૉય ચૌધરી

મૉડર્ન મેડિસિનને છડેચોક પડકારીને માત્ર ભોજનશૈલીથી જ જૂના, નવા રોગોને ટ્રીટ કરવાનો દાવો કરતા ડૉ. બિશ્વરૂપ રૉય ચૌધરીએ ડાયાબિટીઝ વિષયમાં પીએચડી કર્યું છે અને તેમની ડીઆઇપી-ડિસિપ્લિન્ડ ઍન્ડ ઇન્ટેલિજન્ટ પર્સન્સ ડાયટ સિસ્ટમનાં સેન્ટર્સ ભારત ઉપરાંત સ્વિટ્ઝરલૅન્ડ, મલેશિયા અને વિયેટનામમાં પણ ચાલે છે. ડૉ. બિશ્વરૂપ રૉય ચૌધરીનું કહેવું છે કે ‘મેં દરેક વ્યક્તિના શરીરનું વજન અને રોગની અવસ્થા મુજબ એક ખાસ ડાયટ પ્લાન તૈયાર કર્યો છે, જેમાં મોટા ભાગે શાકભાજી અને ફળોના કાચા રસ, સૅલડ અને ફણગાવેલા કઠોળનો સમાવેશ થાય છે.’

આવી જ એક બહુચર્ચિત પદ્ધતિ છે નવી ભોજનશૈલી એટલે કે ન્યુ ડાયટ સિસ્ટમ. એનડીએસ તરીકે જાણીતી આ જીવનશૈલીના પ્રણેતા બી. વી. ચૌહાણે અત્યારે સુધીમાં હજારો ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, થાઇરૉઇડ, કિડની, અસ્થમાની સમસ્યા દૂર કરી છે. હા, જે રોગો માટે મેડિકલ ડૉક્ટરો કહે છે કે જીવનભર દવા લેવી પડશે એ રોગોને તેમણે દવા વિના ભગાડ્યા છે અને અનેક રોગીઓ લાઇફલૉન્ગ દવાની ચુંગાલમાંથી નીકળી શક્યા છે. બી.વી. ચૌહાણની નવી ભોજનશૈલીથી જેમના જીવનમાં ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્ય છે એવા બિઝનેસમૅન રાજેન્દ્ર ભીમજી સરવૈયા પોતાનો જાતઅનુભવ જણાવતાં કહે છે, ‘૧૫ વર્ષ પહેલાં મારું બ્લડ-પ્રેશર બેકાબૂ હતું. ડાયાબિટીઝમાં ફ‌ાસ્ટિંગ શુગર ૧૮૦ અને પોસ્ટ લંચ ૩૦૦ રહેતું હતું. દવાની સાઇડ ઇફેક્ટને કારણે ઍસિડિટી ભરપૂર રહેતી. અસ્થમાની અસર ચાલુ થઈ ગયેલી હોવાથી પમ્પ રોજ લેવો પડતો. રોજ ટાઇમ ટુ ટાઇમ દવા લેવા છતાં બીમારી કેમેય હટતી નહોતી. હું ડૉક્ટરને પૂછતો કે બધી પરેજી રાખું છું અને દવા પણ લઉં છું છતાં કેમ રોગમાં ફરક નથી પડતો? કોઈ સંતોષકારક જવાબ નહોતો મળતો. એવામાં મને બી. વી. ચૌહાણસાહેબનાં પુસ્તકો મળ્યાં. આખી રાત મેં એ વાંચ્યાં. બીજા દિવસે તેમની સાથે વાત પણ કરી. તેમણે એનડીએસ ન્યુ ડાયટ સિસ્ટમ સાધનાની ડાયટ મને આપી. એનિમાની શરૂઆત કરી એમાં એનિમા લેવાનો હોય છે ત્યાં મોટા આંતરડાની સફાઈ માટે દૂધ અને દૂધની આઇટમ બંધ કરવાની હોય છે અને સવારના નાસ્તાને સ્કિપ કરીને નિર્જળ ઉપવાસ છથી આઠ કલાકના કરવાના હોય છે એ પ્રમાણે મેં શરૂઆત કરી અને ખરેખર ચમત્કાર થયો. ફુગ્ગાની જેમ હું ફૂલી ગયેલો એને બદલે ૧૪ કિલો વજન ઘટ્યું. બે મહિના પછી ઘરેથી બહુ પ્રેશર આવ્યું કે તમે જાતે જ દવાઓ બંધ કરી દીધી છે અને કંઈક થશે તો? એક વાર ડૉક્ટરને બતાવી આવીએ. મારા ફૅમિલી ડૉક્ટરને મળવા ગયો. તેમણે મને તપાસ્યો. બીપી, શુગર બધું જ નૉર્મલ આવતાં તેમણે કહ્યું કે લાગે છે કે હવે તમને દવા માફક આવી ગઈ છે. ત્યારે મેં તેમને ખુલાસો કર્યો કે મેં તો તમારી દવા ક્યારનીય બંધ કરી દીધી છે. તમે નહીં માનો પણ એ વખતે ડૉક્ટરે મને બહુ ડરાવ્યો. અત્યારે ભલે સારું થઈ ગયું હોય, પણ દવાઓ વિના તમારી હાલત વધુ બગડી જશે તો એની જવાબદારી મારી નહીં રહે.’

જોકે ડૉક્ટરની ડરામણી વાતોની સામે ન્યુ ડાયટ સિસ્ટમને કારણે અનુભવાતી હળવાશ વધુ અસરકારક હોવાથી રાજેન્દ્રભાઈ ટસના મસ ન થયા અને આજે પંદર વર્ષથી તેમણે કોઈ દવા નથી લીધી અને પહેલાં કરતાં પોતાને વધુ ઊર્જાવાન મહેસૂસ કરે છે એ લટકામાં. પોતાને થયેલો આ ફાયદો લોકોમાં વહેંચવા માટે રાજેન્દ્રભાઈ હવે ખુદ ન્યુ ડાયટ સિસ્ટમ કે જેને તપ સેવા સુમિરન સાધના પણ કહેવાય છે એના સાધક અને ઇન્ચાર્જ બની ગયા છે અને વધુ ને વધુ લોકોને આ વ્યવસ્થા બાબતે ખબર પડે એ માટે શિબિરોનું આયોજન પણ કરે છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘પહેલાં વર્ષમાં એકાદ શિબિર કરતો, પરંતુ છેલ્લાં પાંચ વર્ષથી લગભગ ચારથી પાંચ શિબિરો કરું છું જેમાં નવી ભોજનશૈલી વિશે લોકોને સમજાવીએ છીએ અને કાચું ભોજન કેમ આટલું મહત્ત્વનું છે એ સમજાવીએ છીએ. આજકાલ લોકો માને છે કે કાચું ઘાસફૂસ ખાશો તો શરીરને તાકાત ક્યાંથી મળશે? પણ કોઈને એ સવાલ નથી થતો કે જેમાંથી કંઈ તાકાત નથી મળતી એવા ફાસ્ટ ફૂડ અને જન્ક ફૂડ માટે કેમ કોઈ બોલતું નથી? ચૌહાણસાહેબ કહે છે કે ભોજનમાંથી ઊર્જા મળતી જ નથી. ભોજનમાંથી પોષણ મળે છે, જે શરીરનું રિપેરિંગ વર્ક કરે છે. તપ સેવા સુમિરન એ માત્ર ડાયટશૈલી નથી, એ જીવનશૈલી છે જેમાં ભોજનની બાબતમાં સંયમ જાળવીને તપ કરવાનું છે, જે તનને શુદ્ધ કરશે. જો તન શુદ્ધ થશે તો મન શુદ્ધ થશે અને મનની શુદ્ધિથી જીવન સુધરશે. એમાં ભોજનની સાથે સેવાભાવ અને આધ્યાત્મિક ઝુકાવ પર પણ ભાર આપવામાં આવે છે.’

અત્યાર સુધીમાં સેંકડો શિબિરો કરી ચૂકેલા રાજેન્દ્રભાઈ સરવૈયાએ નવી ભોજનશૈલી મુજબ કાચું ભોજનની રેસિપીઓ પણ જબરી વિકસાવી છે. રાજેન્દ્રભાઈ કહે છે, ‘શરૂઆતમાં રોજ એનિમા લેવાનું જરૂરી છે, જેથી ડિટૉક્સિફિકેશનની પ્રક્રિયા સારી થાય. સાથે નવી ભોજનશૈલીમાં બપોરે બે વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ કરવાના અને પછી ડિટૉક્સ ગ્રીન જૂસ પીવાનો. ત્યાર બાદ સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં સૅલડ કે સૂપ જેવું લઈ શકાય. સૂર્યાસ્ત પછી તમે રાંધેલું ખાવાનું ખાઈ શકો છો અને એમાં પણ ૭૦ ટકા જેટલી શાકભાજી રાખવી અને ૩૦ ટકા જેટલું ધાન્ય રાખવાનું. પહેલી નજરે બહુ અઘરી લાગતી આ વ્યવસ્થા મુજબ જો એક વાર સાઇકલ સેટ થઈ જાય તો શરીર અંદરથી ડિટૉક્સિફાય થાય છે એમાં બેમત નથી. જોકે મને દુઃખ એ વાતનું છે કે લોકો છેક દવાઓ લીધા પછી કોઈ ઑપ્શન ન બચે ત્યારે આ તરફ વળે છે. બાળકો, કિશોરો અને યુવાનો જો આ વ્યવસ્થા અપનાવે તો તેમનો શારીરિક વિકાસ ખૂબ સરસ થાય એવો સંભવ છે.’

એનડીએસ એવી જીવનશૈલી છે જેમાં ભોજનની બાબતમાં સંયમ જાળવીને તપ કરવાનું છે, જે તનને શુદ્ધ કરશે. જો તન શુદ્ધ થશે તો મન શુદ્ધ થશે અને મનની શુદ્ધિથી જીવન સુધરશે.
રાજેન્દ્ર સરવૈયા

columnists health tips diabetes sejal patel life and style