દાદા-દાદી, તમે પતંગ ચગાવવાનાં કે નહીં?

11 January, 2023 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભલે ન ચગાવવાનાં હો, રોજ ધાબે જરૂર જજો. આ સીઝનમાં સૂર્યસ્નાન કરવાથી જૉઇન્ટ્સની તકલીફ હોય કે મૂડલેસ રહેવાતું હોય તો એનાથી ફીલગુડ થશે

પ્રતીકાત્મક તસવીર

સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે એને મકરસંક્રાંતિ કહેવાય. આમ તો સૂર્ય વર્ષમાં બાર વાર રાશિ બદલે, પણ ધનમાંથી મકરમાં પ્રવેશતાંની સાથે જ સૂર્યની ગતિ દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની થાય અને આ તબક્કો આધ્યાત્મિક રીતે પૉઝિટિવ સ્પંદનોનો સંચાર કરે છે. દરેક સંક્રાંતિકાળની સાથે ઋતુચક્ર પણ બદલાય છે, જે પૃથ્વી પરના વાતાવરણની સાથે-સાથે તનના સ્વાસ્થ્ય પર પણ અસર કરે. આયુર્વેદમાં કહેવાય છે કે ઋતુ મુજબ દિનચર્યા રાખીએ તો સદા સ્વાસ્થ્ય જળવાઈ રહે. શિયાળાની દિનચર્યા વિશે તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ, પણ આજે વડીલો માટે જરૂરી આજના સમયની તાતી જરૂરિયાતવાળી વાત કરવી છે. આમેય આપણો ખોરાક હવે પહેલાં જેટલો સંતુલિત નથી રહ્યો એને કારણે પોષક તત્ત્વોની કમી સર્જાવી કૉમન છે. હાલમાં વિટામિન ડીની કમી એમાં સૌથી વધુ જોવા મળી છે. ઠંડીની સીઝનમાં વડીલો ઘરકૂકડા થઈ ગયા હોય તો તેમને રૂટીન સમસ્યાઓ વધી શકે છે. જો જૉઇન્ટ પેઇન રહેતું હોય, રાતે બરાબર ઊંઘ ન આવતી હોય, મસલ્સ વીક લાગતા હોય કે પછી મૂડલેસ રહેવાતું હોય તો આ સીઝનમાં સૂર્યસ્નાનને તમારા રૂટીનમાં સામેલ કરવું જરૂરી છે.  

મકરસંક્રાંતિમાં જેમ તલ-ગોળની ચિક્કી, છડેલા ધાનનો ખીચડો ખાવાનું મહત્ત્વ છે એમ સાથે થોડોક તડકો પણ ખાવો જોઈએ. વડીલો માટે એ સૌથી વધુ જરૂરી બાબત છે. સૂર્યસ્નાન ખૂબ જરૂરી છે એ વાત તો કદાચ હવે સહુને સમજાય છે. કેમ કે વિજ્ઞાન પણ હવે તો સાબિત કરી ચૂક્યું છે કે સૂર્યનાં કિરણો વિના પૃથ્વી પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ સંભવ નથી. સનલાઇટ દિવસ-રાતનું ચક્ર જાળવી રાખે છે એને કારણે આપણા શરીરમાં પણ ચોક્કસ પ્રકારનાં હૉર્મોન્સની સાઇકલ બને છે. 

આ પણ વાંચો : પાલક-પનીર તમે માનો છો એટલી હેલ્ધી ડિશ નથી

આમેય મીઠી ઠંડકમાં વહેલી સવારે આપણને ઊઠવું ગમતું નથી અને શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી સૂર્યનાં કિરણો ઓછો સમય માટે પૃથ્વી પર પડે છે. સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડીનું નિર્માણ આપણું શરીર પેદા કરે છે, પણ જ્યારે સનલાઇટ જ ઓછો મળે ત્યારે એ પણ બહુ ઓછું થાય અને વિટામિન ડીની ઊણપને લગમતી સમસ્યાઓ થાય. વડીલોમાં એ બે રીતે જોવા મળે છે. હાડકાંની નબળાઈ રૂપે અને બીજું માનસિક અસ્વસ્થતાઓ. મુંબઈમાં ભલે એટલી ઠંડી નથી પડતી, પરંતુ જે પ્રદેશોમાં અતિશય ઠંડી પડે છે અને લોકો કોકડું વાળીને ઘરમાં ઘૂસી રહે છે ત્યાં આ સીઝનમાં વિન્ટર બ્લુઝનો વાયરો વાય છે. જો આ બધાથી બચવું હોય તો નિયમિત તડકો ખાઓ. હા, વધુપડતાં સૂર્યનાં કિરણોથી નુકસાન પણ થાય છે એવું તમે સાંભળ્યું હોય તો એ પણ સાચું છે એટલે સૂર્યસ્નાન માટે શું કરવું અને શું નહીં એ જાણી લઈએ. 

શું કરવું? | હંમેશાં સવારે નવ વાગ્યા પહેલાંનો જ તડકો ખાવો. તડકાનાં કિરણો ડાયરેક્ટ ત્વચા પર પડે એ જરૂરી છે. માથા પર પાણીમાં ભીનો કરીને નિચોવેલો ટુવાલ મૂકી રાખવો. એનાથી ડાયરેક્ટ માથા પર ગરમી ન ચડી જાય. રિલૅક્સિંગ ચૅરમાં બેઠા હો તો આંખ પર ગુલાબજળમાં બોળેલાં રૂનાં પૂમડાં ઢાંકી દેવાં. 

ખૂલતા અને આછા રંગનાં સુતરાઉ કપડાં પહેરવાં. જો સાંધા દુખવાની તકલીફ હોય તો નિર્ગુંડી કે મહાનારાયણ તેલથી જૉઇન્ટ્સ પર માલિશ કરીને પછી તડકે બેસવું.  જો ધાબા સુધી ચડી શકાતું ન હોય તો ઘરમાં બારીમાંથી જ્યાં કુમળો તડકો આવતો હોય ત્યાં પણ બેસી શકાય. 

આ પણ વાંચો :  દિવસમાં બે વાર સૂક્ષ્મ વ્યાયામ

સામાન્ય રીતે તડકે બેસો એટલે શરીરે થોડોક પસીનો વળવા લાગશે. બસ, પસીનો થાય એટલે ઊઠી જવું. પસીનો શરીરે ચોળી દેવો અને છાંયડે આવી જવું.  શિયાળામાં ૧૫થી ૨૦ મિનિટનો તડકો પૂરતો થઈ પડે. 

તડકામાંથી છાંયે આવ્યા પછી શરીર થોડુંક ઠંડું પડે એની રાહ જોવી. ત્વચા નૉર્મલ ફીલ થાય એટલે સાદા પાણીથી નહાવું. સૂર્યસ્નાન પછી ગરમાગરમ પાણીથી ન નહાવું.  નૉર્મલ ટૅપવૉટર ટેમ્પરેચર ચાલે. 

શું ન કરવું? | 

સવારે નવ પછી અને બપોરે ચાર વાગ્યા પહેલાંનો આકરો તડકો ખાવા કદી ધાબે ન ચડવું. 

વીસ-પચીસ મિનિટથી વધુ લાંબો સમય એકધારું સૂર્યસ્નાન ન કરવું.

columnists dr ravi kothari makar sankranti health tips