ઉંમરની સાથે જાણે મગજ બુઠ્ઠું થતું જાય છે

05 April, 2023 05:51 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

જે પ્રૉબ્લેમ્સ ઉંમરને કારણે છે એનો કોઈ ખાસ ઇલાજ શક્ય નથી, પરંતુ થોડી કૅર કરવામાં આવે તો આ પ્રૉબ્લેમ્સ સાથે પણ વ્યવસ્થિત જીવન જીવી શકાય છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

હું રિટાયર થયો એને પાંચેક વર્ષ થયાં. કામ છૂટી ગયું એ પછી મગજ પણ બુઠ્ઠું થતું જાય છે. હવે પહેલાં જેટલું યાદ નથી રહેતું. પહેલાં જેવી ડીટેલ ઇન્ફર્મેશન મગજમાં સ્ટોર નથી થતી. ઉપરછલ્લું યાદ રહે છે. કોઈ પણ કામ પહેલેથી લઈને છેલ્લે સુધી જેટલું પર્ફેક્ટ પહેલાં કરતો એવું નથી થતું. એક વાર કાર સાથે એક નાનો ઍક્સિડન્ટ થયો. હમણાં એ પછીથી કાર ફરીથી ચલાવવાનું મન જ નથી થતું. શું આ નૉર્મલ છે? 
 
 રિટાયર્ડ થાય પછી પુરુષોમાં એક નોટિસ કરી શકાય એવો બદલાવ આવે છે. ખાસ કરીને બધી વસ્તુઓ યાદ ન રહેવી, નામ ભૂલી જવા, અમુક જરૂરી વિગતો યાદ ન આવવી, ચાલવામાં બૅલૅન્સ જતું રહે, કૉન્સન્ટ્રેશન ઘટી જાય, અટેન્શન પ્રૉબ્લેમ એટલે કે કોઈ વસ્તુમાં ધ્યાન ન રાખી શકાય, પહેલાં જેવું કામમાં પર્ફેક્શન ન રહે, નાની-નાની ભૂલો વધી જાય, નિર્ણય ન લઈ શકે, આત્મવિશ્વાસ ઘટી જાય વગેરે પ્રૉબ્લેમ્સને મિનીમલ કૉગ્નિટિવ ઇમ્પેરમેન્ટ કહે છે, જે મોટા ભાગે ઉંમરને કારણે થાય છે. જે પ્રૉબ્લેમ્સ ઉંમરને કારણે છે એનો કોઈ ખાસ ઇલાજ શક્ય નથી, પરંતુ થોડી કૅર કરવામાં આવે તો આ પ્રૉબ્લેમ્સ સાથે પણ વ્યવસ્થિત જીવન જીવી શકાય છે.

આ પણ વાંચો:  હાઇપોથાઇરૉઇડમાં ડાયટમાં શું કરવું?

મગજ માટે જે અત્યંત જરૂરી પોષક તત્ત્વો છે એમાં વિટામિન ‘બી’ કૉમ્પ્લેક્સ, ઓમેગા ૩ ફેટી ઍસિડ, પૉલિફિનૉલ, આયર્ન, કેલ્શિયમ અને ઍન્ટિ-ઓક્સિડન્ટ્સનો સમાવેશ થાય છે. એને તમારા ડાયટમાં સામેલ કરો. કામ ભલે છૂટી ગયું છે, દરરોજ મેમરી પ્રૅક્ટિસ કરીને મગજને શાર્પ રાખવાની કોશિશ કરો. લોકોના નંબર હોય કે ઘરનાં નાનાં-મોટાં કામો કે પછી ન્યુઝની ડીટેલ્સ, જેમાં તમને રસ પડે એ પણ યાદ રાખો. ચેસ રમો, પત્તા રમો, અઘરી પઝલ્સ સોલ્વ કરો. આડી-ઊભી ચાવી ભરો. જેમ એક કલાક ફિઝિકલ એક્સરસાઇઝ વ્યક્તિ કરે છે એમ મેન્ટલ એક્સરસાઇઝ પણ આ ઉંમરે જરૂરી છે, જે તમને મદદરૂપ થશે. આત્મવિશ્વાસ જાળવવા માટે પ્રયાસ કરવો જરૂરી છે. એક વખત ગાડી ભટકાઈ એટલે ફરીથી એવું જ થશે એમ નકારાત્મક વિચારવાને બદલે થોડું ખુદને મોટિવેટ કરો. આ ઉંમરે જે લોકો ખુદને મોટિવેશન આપતા નથી તે લોકો હિંમત કરી શકતા નથી અને ધીમે-ધીમે બધાં કામો છૂટતાં જાય છે, છતાં જે જગ્યાએ લાગે કે નહીં જ થાય તો છોડી દેવામાં પણ અફસોસ ન કરવો. બર્ડન ન લેવું, પણ પ્રયાસ ન છોડવો. 

columnists health tips