ન્યુરોપથીને કારણે ઇમ્બૅલૅન્સ થાય ખરું?

10 May, 2023 04:58 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

મોટા ભાગે ડાયાબિટીઝના જૂના દરદીને જો ઇમ્બૅલૅન્સ આવે તો આ બન્ને કારણો મુખ્ય હોય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૭૩ વર્ષની છું અને મને છેલ્લાં ૨૫ વર્ષથી ડાયાબિટીઝ છે. વર્ષોથી ડાયાબિટીઝ હોવાને કારણે ન્યુરોપથીની તકલીફ છે. છેલ્લાં પાંચ વર્ષથી એ વધી જ રહી છે. દવાથી એનાં ચિહ્‍નો કાબૂમાં છે, પરંતુ ચાલતી વખતે પગ એકદમ ગાદી પર હોય એમ ભારે લાગ્યા કરે છે. છેલ્લા ૨-૩ દિવસથી ઊભા થતાં ઇમ્બૅલૅન્સ થઈ જવાય છે. ચાલું ત્યારે પણ ક્યારેક એકદમ લાગે છે કે પડી જઈશ. શું આ ઇમ્બૅલૅન્સનું કારણ ન્યુરોપથી છે? આજકાલ થોડી નમ્બનેસ વધી રહી છે. 

ડાયાબિટીઝના દરદીઓને ન્યુરોપથી થાય એ વાત સાચી, પરંતુ ન્યુરોપથીમાં પગ અને ખાસ કરીને પગના તળિયામાં સંવેદનશીલતા ઘટી જાય છે, પણ એને કારણે ઇમ્બૅલૅન્સ થવાની વાત સાચી નથી. તમારું બૅલૅન્સ ખોરવાય એ વાત સાથે ન્યુરોપથીને લેવાદેવા નથી. સૌથી પહેલાં તો એ જુઓ કે તમારું શુગર ઘટી તો નથી જતુંને. બીપી પણ ચેક કરવું જરૂરી છે કે ઘટતું તો નથીને. મોટા ભાગે ડાયાબિટીઝના જૂના દરદીને જો ઇમ્બૅલૅન્સ આવે તો આ બન્ને કારણો મુખ્ય હોય છે. વગર ગફલતમાં રહ્યે તમે પહેલાં બીપી અને શુગર ચેક કરાવો. ખાસ કરીને જ્યારે ઇમ્બૅલૅન્સ થાઓ ત્યારે જ ચેક કરો અને એની નોંધ રાખો. હાર્ટ અને લોહીના પરિભ્રમણની તકલીફ પણ હોઈ શકે છે. જેના શરીરમાં હાર્ટની તકલીફને કારણે પરિભ્રમણ ઓછું થતું હોય, જેને બ્લડપ્રેશર કે ડાયાબિટીઝની તકલીફ હોય તેના મગજમાં લોહી ઓછું પહોંચે છે અને એને કારણે બૅલૅન્સ ખોરવાય એવું બની શકે. નર્વસ સિસ્ટમનો કોઈ રોગ હોય તો પણ ઇમ્બૅલૅન્સ થઈ શકે છે. જ્યારે એક કરતાં વધુ દવા લાંબા સમયથી લેતા હો ત્યારે પણ એ કોઈ રીઍક્શન કરતી હોય અને એને કારણે ઇમ્બૅલૅન્સ થાય એવું બને ખરું.

ધારો કે એવું કશું ન હોય તો તપાસ કરાવવી પડશે. તમને ગ્લૉકોમા (ઝામર) પણ હોઈ શકે છે. એ સિવાય ડાયાબેટિક રેટિનોપથી અને મૅક્યુલર ડીજનરેશન પણ એવા રોગ છે જે મોટી ઉંમરે જ જોવા મળે. એ વ્યક્તિના અંધાપા માટે જવાબદાર બને છે અને એને કારણે બૅલૅન્સ ખોરવી શકે છે. આ કશું જ ન હોય તો અંદરના કાનની તકલીફ - જેને અંગ્રેજીમાં ઇનર ઇયર પ્રૉબ્લેમ કહે છે એ હોઈ શકે છે. આ પ્રૉબ્લેમ એવો છે કે ઉંમર થાય એમ કાનની અંદર રહેલું પ્રવાહી જે શરીરને બૅલૅન્સ કરવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે એ સુકાતું જાય છે. એ સુકાય એટલે વ્યક્તિને ચક્કર આવવાનું પણ શરૂ થઈ જાય છે.

columnists health tips life and style