ઍન્ગ્ઝાયટી વધુ, હાઇટ ઓછી

24 February, 2023 02:51 PM IST  |  Mumbai | Jigisha Jain

સ્ટ્રેસથી બાળકનો વિકાસ રૂંધાય છે, પછી એ માના પેટમાં ઊછરતું બાળક હોય કે સ્કૂલ-કૉલેજમાં ભણતું બાળક. ગ્રોથ હૉર્મોન્સ પર અસર પડે એટલે બાળકને પણ અસર થાય જ

પ્રતીકાત્મક તસવીર

મેડિકલ સાયન્સ માને છે કે બાળકની હાઇટ માટે જિનેટિક્સ ઘણું મહત્ત્વનું પરિબળ છે. પરંતુ તાજેતરનું રિસર્ચ કહે છે કે મેન્ટલ હેલ્થની અસર બાળકોના શારીરિક વિકાસ જેમ કે હાઇટ પર પડે છે. આજે સમજીએ કઈ રીતે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બાળકની ઊંચાઈ અને તેના વિકાસ પર અસર પાડી શકે છે

આજનાં બાળકો અને તેમનામાં જોવા મળી રહેલા જુદા-જુદા લેવલના મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ કોઈનાથી છૂપા નથી. સમાજમાં ચારે તરફ નજર કરીએ તો ભણવાનું અતિ સ્ટ્રેસ, ગળાકાપ હરીફાઈ, વધતું જતું બિનજરૂરી એક્સપોઝર, પિઅર પ્રેશર જેવી ઘણી તકલીફો છે જે આજનાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. આજનાં કેટલાંય બાળકો વધુને વધુ ડરી રહ્યાં છે, હતાશ થઈ રહ્યાં છે, સ્ટ્રેસમાં આવીને ખોટી દિશામાં આગળ વધી રહ્યાં છે, ન લેવાનાં પગલાંઓ લઈ રહ્યાં છે એ બાબતોથી મોટા ભાગના લોકો માહિતગાર છે. બાળકો કોઈ પણ પ્રકારનો મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ ધરાવતાં હોય તો તેના શારીરિક વિકાસ પર અસર પડે છે એ હાલમાં એક ભારતીય રિસર્ચે સાબિત કર્યું છે. 

રિસર્ચ શું કહે છે?

પુણેની હીરાબાઈ કાવસજી જહાંગીર મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર એ સાબિત કરવામાં આવ્યું છે કે જેટલી ઍન્ગ્ઝાયટી બાળકમાં વધુ એટલી તેની હાઇટ ઓછી. ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ અને પંજાબ જેવાં ૬ જુદાં-જુદાં રાજ્યોનાં ગામડાંના અને શહેરોના મળીને ૯-૧૮ વર્ષનાં કુલ ૨૧૫૮ બાળકોને લઈને કરવામાં આવેલા સ્ટડી અનુસાર જે બાળકોમાં મીડિયમથી વધુ ઍન્ગ્ઝાયટીનાં લક્ષણો જોવા મળ્યાં તેમની ઊંચાઈ ઓછી હોવાનું રિસ્ક ૧.૩ગણું વધારે જોવા મળ્યું હતું. આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું હતું કે ગામડાનાં બાળકો કરતાં શહેરનાં બાળકો વધુ લાંબાં અને જાડાં પણ હતાં. 

જીન્સ મોટું પરિબળ

દરેક માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક લાંબું થાય. બાળકની હાઇટ સારી હોવી જ જોઈએ એવું માનનારો પણ એક મોટો વર્ગ છે. મેડિકલ સાયન્સ કહે છે કે હાઇટ જેવી બાબત મુખ્યત્વે જીન્સ પર આધાર રાખે છે. તમારા પરિવારમાં માતા-પિતા તરફથી તમે કોના જેવા વધુ લાગો છો? જેમ કે માના પરિવાર પર ગયા હો તો માના પરિવારમાં બધા ઍવરેજ ૫.૫ ફુટના હોય તો તમારી હાઇટ પણ એની આસપાસ જ વધવી જોઈએ. જીન્સ મોટું પરિબળ છે જે હાઇટ માટે લાગુ પડે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે જીન્સમાં હોય તો બાળક કોઈ પણ પરિસ્થિતિમાં લાંબું થઈ જ જતું હોય છે. 

હૉર્મોન્સ પણ જવાબદાર

તો પછી રિસર્ચ મુજબ મેન્ટલ હેલ્થ કઈ રીતે તેને અસરકર્તા હોઈ શકે એ વિશે વાત કરતાં બાંદરાનાં ક્લિનિકલ અને ફૉરેન્સિક સાઇકોલૉજિસ્ટ મીનલ મખીજા કહે છે, ‘મેન્ટલ હેલ્થ ફક્ત મન પર અસર કરે છે એ વાત સાચી પરંતુ મન શરીરથી ભિન્ન નથી. તમારા મનની અસર સીધી રીતે શરીર પર થાય જ છે. એનું જો સાયન્સ સમજીએ તો એ હૉર્મોન્સ સંબંધિત છે. મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમમાં સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિઝોલ રિલીઝ થાય છે જે થોડા પ્રમાણમાં હોય એ જરૂરી છે, પરંતુ એની માત્રા વધતાં બાળકનાં ગ્રોથ હૉર્મોન્સ પર એની અસર શરૂ થાય છે. એટલે એ બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને રૂંધે છે.’ 

જુદી-જુદી અસર 

તો શું ખરેખર જે બાળકની મેન્ટલ હેલ્થ સારી ન હોય તેની હાઇટ ઓછી થઈ જાય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં મીનલ મખીજા કહે છે, ‘જ્યારે આપણે પરિણામની વાત કરીએ તો સમજવું પડે કે પરિણામ બે બાબતો પર આધાર રાખે છે. એક તો એ કે પરિસ્થિતિ શું છે અને બીજું એ કે એ પરિસ્થિતિ સામે બાળક પોતે શું રીઍક્ટ કરે છે. સ્ટ્રેસ કેટલું છે, કયા પ્રકારનું છે અને એ સ્ટ્રેસને સહન કરવાની બાળકની પોતાની શક્તિ આ બધા પર નિર્ભર છે કે આ સ્ટ્રેસ તેને કઈ રીતે અસર કરે છે. પરંતુ આ જ નહીં, બીજાં અઢળક રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે સ્ટ્રેસથી બાળકનો વિકાસ રૂંધાય છે. પછી એ માના પેટમાં ઊછરતું બાળક હોય કે સ્કૂલ-કૉલેજમાં ભણતું બાળક. ગ્રોથ હૉર્મોન્સ પર અસર પડે એટલે બાળકને પણ અસર થાય જ. પરંતુ એ કેવી અને કેટલે અંશે એ દરેક બાળકે જુદું-જુદું હોય છે.’ 

આ પણ વાંચો: સંતાન ઉછેરમાં ખુદના ઉછેરની કેટલી છાપ પડે?

સંપૂર્ણ વિકાસ 

કઈ રીતે મેન્ટલ હેલ્થ બાળકના સંપૂર્ણ વિકાસને અસરકર્તા છે એ સમજાવતાં મીનલ મખીજા કહે છે, ‘કોઈ પણ પ્રકારનો મેન્ટલ પ્રૉબ્લેમ તમારા શરીર પર અસરકર્તા છે જ. જેમ કે મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમને કારણે બાળકોમાં અમુક તકલીફો દેખાય છે. જેવી કે સ્કિન ખરાબ થઈ જાય છે, તેમનું મેટાબોલિઝમ સ્લો થવાને કારણે એ ખૂબ જાડા થઈ જાય છે, તેમની ઇમ્યુનિટી ઘટે છે, તેમનામાં ઍલર્જિક તકલીફો વધે છે. આ સિવાય સામાજિક સ્તર પર તેઓ ઘણાં પાછળ રહી જાય છે; કારણ કે કોઈ સાથે વાત કરવી તેમને ગમતી નથી, તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. આમ મેન્ટલ હેલ્થને કારણે બાળકનો ફિઝિકલ ગ્રોથ જ નહીં, સોશ્યલ ગ્રોથ પણ અટકે છે. એટલે જ મહત્ત્વનું એ છે કે જો તમે ઇચ્છતા હો કે તમારા બાળકનો વિકાસ સંપૂર્ણ રીતે બધી દિશામાં એકસાથે થાય તો તેના મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ્સને અવગણો નહીં.’ 

ફિઝિકલ ઍક્ટિવિટીનું મહત્ત્વ 

જે બાળકોની ઊંચાઈ ઓછી હોય છે એ બાળકોને લઈને માતા-પિતા જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ઘણા ડૉક્ટર્સ બાળકોને ફિઝિકલી ઍક્ટિવ કરવાનું કહે છે. તેને દોડાવો, અલગ-અલગ સ્પોર્ટ્સમાં ઍક્ટિવ કરો, સ્ટ્રેચ કરાવો, લટકાવો જેવા ઘણા સોલ્યુશન્સ આપતા હોય છે. હાઇટ જો મોટા ભાગે જિનેટિકલ પરિબળો પર આધરિત હોય તો શું ખરેખર આ સોલ્યુશનથી ફરક પડી શકે ખરો? આ પ્રશ્નનો જવાબ આપતાં ફિઝિયોથેરપિસ્ટ અને સ્ટ્રેસ ઑબ્ઝર્વેશન સ્પેશ્યલિસ્ટ ડૉ. ભાવિકા પારેખ કહે છે, ‘ફિઝિકલ ઍક્ટિવિટીનું પણ એ જ ગણિત છે. જ્યારે બાળક કોઈ પણ રમત રમે, સ્ટ્રેચ કરે, એક્સરસાઇઝ કરે ત્યારે તેની અંદર ડોપામીન હૉર્મોન રિલીઝ થાય છે જે હૅપી હૉર્મોન ગણાય છે. કૉર્ટિઝોલ હૉર્મોન ઘટે છે. ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી શરીરથી જ સ્વસ્થ નથી રહેવાતું, મનથી પણ સ્વસ્થ બનાય છે. આ સ્વાથ્ય બાળકમાં ગ્રોથ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.’

સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિઝોલ થોડા પ્રમાણમાં હોય એ જરૂરી પણ છે, પરંતુ એની જ્યારે ખૂબ માત્રા વધી જાય તો એ બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને રૂંધવાનું કામ 
કરે છે. - મીનલ મખીજા

બધું જ પોતપોતાની રીતે મહત્ત્વનું છે

બાળકની હાઇટ માટે ફિઝિકલ પ્રવૃત્તિઓ ઉપરાંત ન્યુટ્રિશન પણ મહત્ત્વનું છે એની વાત કરતાં ડૉ. ભાવિકા પારેખ કહે છે, ‘સમજો કે જિનેટિકલી તમારી હાઇટ ૬ ફુટ જેટલી થવાની છે. પરંતુ જો તમારી શારીરિક કે માનસિક હેલ્થ ગરબડ છે તો ભલે જીન્સ રહ્યા પરંતુ એને કામ કરવા માટે અનુકૂળ વાતાવરણ નથી એટલે તમારી હાઇટ પર અસર પડશે જ. બીજી તરફ એવાં પણ ઉદાહરણો પણ છે કે જિનેટિકલી તેની હાઇટ ચાર ફુટથી વધુ થવાની શક્યતા ન હોય એવાં બાળકો પણ ફિઝિકલ ઍક્ટિવિટી, સારું ન્યુટ્રિશન અને સારી સંભાળ થકી ઘણા લાંબા થઈ ગયા હોય. આમ જીન્સ ત્યાં એની હાઇટ રોકી ન શક્યા. આજે જોશો તો સમાજમાં એવાં બાળકો ઘણાં છે જે તેનાં માતા-પિતા કરતાં ઘણાં લાંબાં છે. એનું કારણ આ જ છે. હવે ધારો કે એવું ઉદાહરણ જોઈએ કે કોઈ બાળકની હાઇટ જિનેટિકલ કારણોસર પાંચ ફુટ જ થવાની હોય. તે ખૂબ રમ્યું, ઘણી ફિઝિકલ ઍક્ટિવિટી કરી પણ તેની હાઇટ એટલી જ રહી. તો પણ એ ઍક્ટિવિટી થકી તેની હેલ્થ તો સારી જ થઈને. નુકસાન તો કશું થયું નથી. આમ આ ગણિત મુજબ કોઈ પણ પરિસ્થિતિમાં બાળકને ફિઝિકલી ઍક્ટિવ કરવું જરૂરી જ છે. એનાથી ફાયદો જ થશે.’

columnists health tips Jigisha Jain life and style