ડાયાબિટીઝમાં વીગન બનવાથી ફાયદો થાય?

21 September, 2022 05:02 PM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ વીગન બને છે એનું ડાયાબિટીઝ રિવર્સ પણ થાય છે, કારણ કે આ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૬૪ વર્ષનો છું અને મને એક વર્ષ પહેલાં જ ટાઇપ ટૂ ડાયાબિટીઝ આવ્યો છે. દવાઓ તો લઉં છું, પરંતુ ડાયાબિટીઝ સાથે અમુક પ્રકારનાં લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ જરૂરી છે. હાલમાં મારી દીકરીએ ઇન્ટરનેટ પર જોયું હતું કે વીગન બનવાથી ડાયાબિટીઝમાં ઘણી રાહત મળે છે. શું વીગન બનવાથી ડાયાબિટીઝમાં રાહત થઈ શકે? હું માંસ-માછલી નથી ખાતો, પણ દરરોજ પ્રોટીન માટે ઈંડાં ખાઉં છું; દૂધ, દહીં અને છાશ વગર તો મને ચાલતું જ નથી. દીકરી વીગન થઈ તો મને લાગ્યું કે આ ખાલી અત્યારનો ટ્રેન્ડ છે, બાકી એમાં કઈ ખાસ તથ્ય નથી. જો આવું હોત તો આપણા વડવાઓ દૂધ-દહીં થોડું લેતાં હોત?  

સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે જે એક વ્યક્તિ માટે જે સારું છે એ જ વસ્તુ બીજી વ્યક્તિ માટે સારી જ હોય એવું જરૂરી નથી. એટલે કે પ્રાણીજન્ય પ્રોટીન અતિ ગુણકારી માનવામાં આવે છે. આપણે ત્યાં દૂધથી તો પૂજા કરવામાં આવે છે, ઘીનો દીપક કરવામાં આવે છે, પરંતુ જો તમને ડાયાબિટીઝ છે તો પ્રાણીજન્ય ખોરાક તમને પચશે નહીં, પછી એ ઈંડાં હોય કે દૂધ; આવું મૉડર્ન સાયન્સ કે ટ્રેન્ડ નથી કહેતો, આવું આયુર્વેદ કહે છે.

ડાયાબિટીઝને આયુર્વેદમાં પ્રમેહ કહે છે. એક શ્લોક છે -

આસ્યાસુખમ સ્વપ્નસુખમ દધીની ગ્રામ્ય ઔદક અનૂપ રસાન પયાંસી. નવાન્નપાનમ ગુડવૈકૃતમચ પ્રમેહ હેતુ કફકૃતશ્ચ સર્વમ

અર્થાત્ વધુપડતું ભોજન, વધુ ઊંઘવું, દૂધ, દહીં, પાળતું અને પાણીમાં રહેનારાં પ્રાણીઓનું માંસ, નવું અનાજ એટલે કે જે સ્ટોર કરીને રાખ્યું નથી એવું (જેમ કે નવા ચોખા), નવો દારૂ અને ગોળથી બનેલી વસ્તુઓ જે કફની કારક છે એને લીધે પ્રમેહ થાય છે. અમે જોયું છે કે જે ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ વીગન બને છે એનું ડાયાબિટીઝ રિવર્સ પણ થાય છે, કારણ કે આ એક લાઇફ-સ્ટાઇલ ડિસીઝ છે. જેને ટાઇપ ટૂ ડાયાબિટીઝ છે એ વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન પણ હોય છે, પરંતુ પ્રાણીજન્ય પ્રોટીન ઇન્સ્યુલિનના કામમાં વધુ વિઘ્ન ઊભું કરે છે. ખોરાક અને જીવનશૈલી એવી રાખો જેનાથી શરીરમાં રહેલું ઇન્સ્યુલિન કામ કરે. આ પ્રયોગ કરતી વખતે શુગર દર અઠવાડિયે એક વાર માપવી જરૂરી છે, જેથી તમને તમારો ગ્રાફ ખબર પડે અને એના આધારે દવાઓ ઓછી થાય. આ પ્રયોગ ૧૦૦ ટકા અસર કરશે. તમે જાણકારની નિગરાની હેઠળ ચોક્કસ કરી જુઓ.

columnists health tips life and style