29 May, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેરી ખાવાથી પિમ્પલ્સ થાય છે એમ કહેવું ખોટું છે, કારણ કે બન્ને વચ્ચે એવો કોઈ સીધો સંબંધ નથી. કેરી ખાતી વખતે આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે પછી ત્વચા પર પિમ્પલ્સ અને ઍક્નેનું કારણ બને છે.
કેરીમાં નૅચરલ શુગર વધુ હોય છે. તમે વધારે કેરી ખાઈ લો તો બ્લડ-શુગર લેવલ વધી શકે છે, જેનાથી ત્વચામાં સીબમ જે એક પ્રકારનું તેલ હોય છે એ બનવાનું પ્રમાણ વધી જાય છે. વધુપડતું સીબમ ત્વચાનાં રોમછિદ્રોને બ્લૉક કરી શકે છે અને એને કારણે પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે.
એવી જ રીતે રેસોર્સિનોલ-૫ કેરીની છાલ અને એની ડીંટડીમાંથી નીકળતા ચીકણા પદાર્થમાં હોય છે, જ્યારે એ ત્વચા પર લાગે ત્યારે કેટલાક લોકોને ઍલર્જિક રીઍક્શન કે સ્કિન-ઇરિટેશન થઈ શકે છે. એને કારણે ચહેરા પર રૅશિસ, પિમ્પલ્સ આવી શકે છે.
કેરીની તાસીર ગરમ માનવામાં આવે છે. એટલે એના વધુપડતા સેવનથી શરીરમાં ગરમી વધી શકે છે. ગરમી વધવાથી પણ ઘણા લોકોને પિમ્પલ્સ, ઍક્નેની સમસ્યા થઈ જાય છે.
ઝડથી કેરી પકવવા માટે કેટલાક લોકો કૅલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરે છે. આ કેમિકલ મૉઇશ્ચર સાથે રીઍક્ટ કરીને એસિટિલિન ગૅસ બનાવે છે. આ ગૅસ સ્કિન પર ટૉક્સિક રીઍક્શન કરી શકે છે. એને કારણે પિમ્પલ્સ, રૅશિસ થઈ શકે છે.
શું કરશો?
કેરી શરીરને ગરમ પડે છે એટલે દિવસમાં ૧-૨થી વધુ કેરી ન ખાઓ.
કેરીને ખાતાં પહેલાં હંમેશાં એને અડધોથી એક કલાક પાણીમાં ડુબાડીને રાખો જેથી એની ગરમી ઓછી થઈ જાય છે.
ચહેરા પર પિમ્પલ્સ ન આવે એ માટે કેરીને હંમેશાં ધોઈને, એની સરખી રીતે છાલ ઉતારીને પછી જ ખાઓ.
કેરીને ખાલી પેટે કયારેય ન ખાવી જોઈએ નહીંતર એનાથી ઍસિડિટી થઈ શકે છે. એટલે સવારે નાસ્તો કર્યાના એક-બે કલાક પછી જ એને ખાવી જોઈએ.