15 August, 2025 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કિનકૅર ઇન્ડસ્ટ્રી સતત બદલાઈ રહી છે. લોકો વધારે કુદરતી અને પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ્સ તરફ વળી રહ્યા છે. એટલે જ લોકોમાં મૉઇશ્ચરાઇઝર બારનો ઉપયોગ વધી રહ્યો છે. મૉઇશ્ચરાઇઝર બારને કુદરતી વૅક્સ, બટર, એસેન્શિયલ ઑઇલ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. રેડીમેડ મૉઇશ્ચરાઇઝર બાર માર્કેટમાં મળે છે. જોકે એમાં રંગ, સુગંધ અને લાંબી શેલ્ફલાઇફ માટે કેમિકલ્સ અને સિન્થેટિક ફ્રૅગ્રન્સનો ઉપયોગ થયેલો હોઈ શકે. એમ છતાં એક મૉઇશ્ચરાઇઝર ક્રીમ કરતાં એમાં ઓછાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે, કારણ કે મૉઇશ્ચરાઇઝર ક્રીમમાં વૉટર કન્ટેન્ટ વધુ હોય છે એટલે વૉટર બેઝ્ડ ક્રીમની શેલ્ફલાઇફ વધારવા માટે કેમિકલ પ્રિઝર્વેટિવ્સની જરૂર પડે છે. મૉઇશ્ચરાઇઝર બાર પેપર, કાર્ડબોર્ડ કે પછી મેટલ ટિનના પૅકેજિંગમાં આવે છે જે રીસાઇક્લેબલ અથવા કમ્પોસ્ટેબલ હોય છે. બાકી મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ તો પ્લાસ્ટિકની ટ્યુબમાં જ આવે છે.
મૉઇશ્ચરાઇઝર બાર ત્વચા માટે કઈ રીતે ફાયદાકારક છે એની વાત કરીએ તો એ વૅક્સ, બટર, ઑઇલ જેવાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલા હોય છે અને એમાં વૉટર કન્ટેન્ટ હોતું નથી એટલે એ વધુ કૉન્સન્ટ્રેટેડ અને લાંબા સમય સુધી અસરકારક રહે એવા હોય છે. તમારે એને ડાયરેક્ટ સ્કિન પર સાબુની જેમ હળવા હાથેથી ઘસીને લગાવવાના હોય છે. મૉઇશ્ચરાઇઝર બાર મલ્ટિપર્પઝ હોય છે જેને તમે ફેસ સિવાય ડ્રાય હૅન્ડ્સ, કોણી, ફાટેલા હોઠ, પગની ફાટેલી એડી બધી જ જગ્યાએ અપ્લાય કરી શકો છો. શિયા બટર, કોકો બટર, નારિયેળ તેલ જેવી સામગ્રી ત્વચામાં ઊંડે સુધી ઊતરીને ડ્રાયનેસને દૂર કરે છે. બીઝવૅક્સ એટલે કે મધુમાખીઓ દ્વારા તૈયાર કરાતું વૅક્સ અથવા પ્લાન્ટ બેઝ્ડ વૅક્સ સ્કિન પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવીને ત્વચાનું જે કુદરતી મૉઇશ્ચર હોય એ જાળવી રાખવાનું કામ કરે છે.
આપણા ચહેરાની ત્વચા સેન્સિટિવ હોય છે એટલે દરેકને હેવી મૉઇશ્ચરાઇઝર બાર સૂટ ન પણ થાય. ઘણાને મૉઇશ્ચરાઇઝર બાર વધારે ગ્રીસી લાગી શકે છે. એટલે જો તમે પહેલી વાર મૉઇશ્ચરાઇઝર બારનો ઉપયોગ કરી રહ્યા હો તો પહેલાં એને હાથ પર લગાવીને પૅચ ટેસ્ટ કરી જોજો. મૉઇશ્ચરાઇઝર બારમાં હાઇજીનની પણ થોડી સમસ્યા આવે છે. તમે એને ફૅમિલીના બીજા લોકો સાથે શૅર ન કરી શકો અને દર વખતે એને ઉપયોગમાં લીધા પછી બૉક્સમાં સરખી રીતે મૂકવા જરૂરી છે નહીંતર જો એ ભીનો કે ખુલ્લી જગ્યામાં એમનેમ પડ્યો રહે તો એનાથી ગંદકી જામી શકે, બૅક્ટેરિયા કે ફંગસનો ગ્રોથ થઈ શકે.