પ્યુબિક હેરમાં પણ જૂ થાય છે એ જાણો છો?

22 March, 2022 04:09 PM IST  |  Mumbai | Varsha Chitaliya

જૂ માત્ર માથાના વાળમાં જ થાય એવું જો માનતા હો તો આ લેખ જરૂર વાંચી જાઓ. જૂ પ્યુબિક હેરમાં તેમ જ બગલમાં પણ થઈ શકે છે. કેવી રીતે ખબર પડે કે તમને આ તકલીફ છે? એનાં લક્ષણો તેમ જ બચવાના ઉપાયો વિશે જાણીએ નિષ્ણાત પાસેથી

પ્યુબિક હેરમાં પણ જૂ થાય છે એ જાણો છો?

માથામાં જૂ પડે એનાથી આપણે સૌ પરિચિત હોવાથી સમય રહેતાં ઉપાયો કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે શરીરના અન્ય ભાગોના વાળમાં પણ જૂ થઈ શકે છે? આ બાબત ગેરસમજણ અથવા અસભાનતાના લીધે ઉપાય કરવામાં ઘણી વાર મોડું થઈ જતાં ત્વચાને ગંભીર નુકસાન થાય છે. ખાસ કરીને પ્યુબિક હેર (પ્રાઇવેટ પાર્ટ્સના વાળ)માં થતી લાઇસ (જૂ)ના ઉપદ્રવથી સખત ખંજવાળ આવે અને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે. 
ક્યાં થાય? | ક્રૅબ્સ અથવા પ્યુબિક લાઇસ નાની, કરચલા આકારની પૅરેસાઇટ છે જે વાળ ઉપર રહે છે અને રક્ત ચૂસે છે. આ પ્રકારની જીવાત પ્યુબિક હેર ઉપરાંત બગલના વાળ, શરીર અને ચહેરાની રુવાંટી અને આંખની ભ્રમરો ઉપર પણ મળી આવે છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં ધ એસ્થેટિક ક્લિનિક્સના કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ અને ડર્મેટો-સર્જ્ય ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘ક્રૅબ્સ (કરચલો) શબ્દ સાંભળીને ગૂંચવણ ઊભી થાય, પરંતુ પ્યુબિક હેરમાં થતી લાઇસને આપવામાં આવેલું આ સામાન્ય નામ છે. હ્યુમન પ્યુબિક હેરમાં થતાં આ ઇન્ફેક્શનને મેડિકલ ટર્મ્સમાં પેડિક્યુલોસિસ પ્યુબિસ કહેવામાં આવે છે. એકદમ સૂક્ષ્મ અને ભૂરા રંગની આ જીવાતનો દેખાવ ક્રૅબ્સ જેવો છે જે શરીરના પ્રાઇવેટ પાર્ટની ત્વચામાંથી લોહી ચૂસે છે. ક્રૅબ્સ ક્યારેક શરીરના અન્ય ભાગોને પણ સંક્રમિત કરી શકે છે. બગલ, ભ્રમર, પાંપણો, દાઢી એમ જે ભાગના વાળ બરછટ હોય ત્યાં ચેપ લાગવાની સંભાવના રહે છે.’
મુખ્ય લક્ષણો | ક્રૅબ્સ મુખ્યત્વે સંભોગ દરમ્યાન શરીરના સંપર્કથી પ્રસરે છે એમ જણાવતાં ડૉ. રિન્કી કહે છે, ‘જાતીય પ્રવૃત્તિ દરમિયાન ત્વચાથી ત્વચાનો સીધો સંપર્ક થતો હોવાથી ક્રૅબ્સ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, અન્ડરગાર્મેન્ટ વગેરેના ઉપયોગથી પણ ફેલાઈ શકે છે. પ્યુબિક સ્કિન પર લાલાશ અને બળતરા, રાતના સમયે ખૂબ ખંજવાળ આવવી વગેરે સામાન્ય લક્ષણો છે. ક્રૅબ્સ ઈંડાં મૂકે ત્યારે ચેપ વધી જાય છે. લાંબા સમય સુધી આ એરિયામાં ખંજવાળ આવે તો પ્રાઇવેટ ભાગની સંવેદનશીલ ત્વચાને ગંભીર નુકસાન થઈ શકે અને વધુ બૅક્ટેરિયલ ચેપનું કારણ બની શકે છે. પ્યુબિક હેરમાં લાઇસનાં લક્ષણો જણાય તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. એની તરફ દુર્લક્ષ સેવવાથી ત્વચામાં પરું થઈ શકે. તાવ આવી જાય, પેશાબ દરમિયાન બળતરા અને જેનાઇટલ ડિસ્ચાર્જ પણ થઈ શકે.’
ઘણી વાર જૂનું પ્રમાણ વધી જાય ત્યારે સ્વભાવ ચીડિયો થઈ જાય, ડંખની જગ્યાએ લાલ નિશાન પાડી જાય અને ખૂબ થાક લાગવા લાગે એવું પણ બને. 
ઉપાય શું? | લાઇસના સંક્રમણથી છુટકારો મેળવવા પ્રાથમિક લક્ષણો જણાય ત્યારથી જાગી જવું જોઈએ એવી સલાહ આપતાં તેઓ કહે છે, ‘સૌથી પહેલાં તો એ સમજી લો કે પ્યુબિક હેર કાઢી નાખવાથી ક્રૅબ્સથી છુટકારો થશે જ એ જરૂરી નથી. અન્યના સંપર્ક દ્વારા તમારા શરીરમાં પ્રવેશેલી લાઇસ ત્યાં સુધી શરીર પર રહે છે જ્યાં સુધી એને કાયમી દૂર કરવા માટે પરમેથ્રિન ક્રીમ અથવા લોશનથી સારવાર આપવામાં ન આવે. મોટા ભાગે પરમેથ્રિન ઓવર ધ કાઉન્ટર દવા છે જે પ્રિસ્ક્રિપ્શન વિના પણ દવાની દુકાનેથી ખરીદી શકાય છે. એનાથી પ્યુબિક ક્રૅબ્સથી છુટકારો મળી જાય છે. જોકે દવાનો ઉપયોગ કરતી વખતે ડૉક્ટરે આપેલી સલાહ અને પૅકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરો. યાદ રહે, શરીરની ત્વચા પરનાં બધાં જૂનાં ઈંડાં ખતમ ન થાય ત્યાં સુધી સારવાર બંધ કરશો નહીં. સામાન્ય રીતે ૭થી ૧૦ દિવસ જેટલો સમય લાગી શકે છે. જો સારવાર કામ ન કરે અને લક્ષણો ન ઘટે તો અન્ય જાતીય સંક્રમિત ચેપ માટે પરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રોગ ચેપી છે પણ જીવન માટે જોખમી નથી એટલે ડૉક્ટર અન્ય જાતીય ચેપના પરીક્ષણની સલાહ આપે તો ભયભીત ન થવું.’

 પ્યુબિક હેર કાઢી નાખવાથી ક્રેબ્સથી છૂટકારો થશે જ એ જરૂરી નથી. જૂ ત્યાં સુધી શરીર પર રહે છે જ્યાં સુધી તેમને કાયમી દૂર કરવા માટે પરમેથ્રિન ક્રીમ અથવા લોશનથી સારવાર આપવામાં ન આવે.
ડૉ. રિંકી કપૂર

સારવારમાં શું કાળજી? 
 પ્યુબિક હેર પર ક્રીમ અથવા લોશન લગાવતાં પહેલાં ત્વચા સૂકી હોય એ જરૂરી છે. 
 સૂવાની બૅડશીટ પણ ધોયેલી અને તડકામાં સરખી રીતે સૂકાયેલી હોવી જોઈએ.
 લાઇસ શરીરથી દૂર પણ રહી શકે છે તેથી કપડાં ગરમ પાણીમાં ધોવા. 
 કૉન્ડોમ જૂથી બચાવી શકતી નથી એટલે સારવાર વખતે  અંગત થવાનું ટાળો.

health tips Varsha Chitaliya columnists