બાળકને સ્વાઇન ફ્લુ થયો છે, શું કરવું?

19 August, 2022 04:07 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

બાળકો નાના હોય અને તેમની ઇમ્યુનિટી હજી વિકાસ પામી રહી હોય એટલે તેઓ જલદી એના ભોગ બને છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

મારા ૬ વર્ષના દીકરાને ૩ દિવસ સુધી તાવ ઊતર્યો નહોતો. તેને પહેલે દિવસે ૧૦૨, પછી ૧૦૩ સુધી તાવ હતો. દવા તેને આપી, પરંતુ એની ખાસ અસર ન થઈ. ત્યાર પછી અમે ડૉક્ટરની સલાહ લઈને રિપોર્ટ્સ કઢાવ્યા તો એમાં ખબર પડી કે તેને સ્વાઇન ફ્લુ થયો છે. મને ખૂબ ચિંતા છે. જોકે હવે તેનો તાવ તો ઊતરી ગયો છે, પણ હજી ખાંસી જતી નથી. શું એ ફરી ઊથલો મારશે? શું અમારે બીજું કઈ કરવાની જરૂર છે? તેને સ્કૂલ ક્યારે મોકલવો? માર્ગદર્શન આપવા વિનંતી.    

સ્વાઇન ફ્લુના હમણાં વાયરા છે, કારણ કે આપણે ત્યાં ચોમાસું આવે એટલે ફ્લુની સીઝન શરૂ થઈ જાય. બાળકો નાના હોય અને તેમની ઇમ્યુનિટી હજી વિકાસ પામી રહી હોય એટલે તેઓ જલદી એના ભોગ બને છે, પરંતુ સ્વાઇન ફ્લુથી આટલા ગભરાવાની જરૂર નથી હવે. થોડાં વર્ષો પહેલાં સ્વાઇન ફ્લુ જેટલો ખતરનાક હતો એટલો હવે નથી. હમણાં જે જોવા મળે છે એમાં એવું જ છે કે ૨-૩ દિવસ તાવ ઊતરે નહીં, પણ આ દરમ્યાન પૅનિક થવાની જરૂર નથી. ૨-૩ દિવસ શાંતિમાં પસાર કરવા અને રાહ જોવી. સામાન્ય ફ્લુ અને સ્વાઇન ફ્લુનાં લક્ષણો સરખાં જ હોય છે એટલે મોટા ભાગે જો તાવ ૨-૩ દિવસ પછી પણ ન ઊતરે તો અમે રિપોર્ટ કઢાવીએ છીએ. ક્યારેક પેરન્ટ્સ એટલા પૅનિક થઈ જાય કે અમારે કહેવું પડે કે સારું રિપોર્ટ્સ કઢાવી લઈએ. બાકી ઘણાને સ્વાઇન ફ્લુ હોય એ નૉર્મલ ફ્લુની જેમ મટી જાય તો પણ ખબર ન પડે. સ્વાઇન ફ્લુમાં ખાંસી થોડી લાંબી ચાલે છે. થોડી વાર લાગે છે એને મટતા એટલે ધીરજ રાખો. તમારા ડૉક્ટરે જે દવાઓ આપી છે એ લેતા રહો.

રહી વાત સ્કૂલે જવાની તો એ કે કોઈ પણ ફ્લુ અતિ ચેપી છે, તરત જ ફેલાય છે. એક બાળકને હોય અને જો તે સ્કૂલે જાય તો ત્યાં બીજાં બાળકોને ઇન્ફેક્શન આપી શકે. એકથી અનેકને આ પ્રૉબ્લેમ થતા વાર લાગતી નથી. એના કરતાં અઠવાડિયું તમે બાળકને ઘરે જ રાખો. સ્વાઇન ફ્લુની સ્પેશ્યલ એક મેડિસિન આવે છે જે ડૉક્ટરને પૂછીને લઈ શકાય, એ સેફ છે. બીજું એ કે ફ્લુની રસી દરેક બાળકને ચોમાસું શરૂ થાય એ પહેલાં ચોક્કસ આપવી. જો આ વર્ષે રહી ગઈ હોય તો પણ અત્યારે લઈ લો. ૧૫ દિવસ પછી એની અસર શરૂ થશે. 

columnists life and style health tips