હાર્ટ અટૅક પછી પેટ પર ન સૂઈ શકાય?

25 January, 2023 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતે કશું થાય તો એ પણ રિસ્ક વધારે છે, પરંતુ મોટા ભાગે હાર્ટના દરદીઓ ઊંધા સૂઈ નથી શકતા, કારણ કે જેવા એમનાં ફેફસાં ભીંસાય અને શ્વાસની તકલીફ થાય કે તરત જ તેમને ગભરામણ થાય છે અને સીધા થઈ જવું પડે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

 હું ૬૫ વર્ષનો છું. મને બે મહિના પહેલાં હાર્ટ અટૅક આવેલો. એ સમયે ઍન્જિયોપ્લાસ્ટી કરી હતી. ત્યારથી થોડી શ્વાસની તકલીફ પણ રહેતી હોય છે. પ્રૉબ્લેમ એ છે કે આખી જિંદગી હું પેટ પર સૂતો છું એટલે કે ઊંધો થઈને જ સૂતો છું. મને સામાન્ય રીતે ઊંઘ નથી આવતી, પરંતુ જેવો હું ઊંધો પડું કે મને ઊંઘ આવે છે. પણ હવે મને મારા ડૉક્ટર કહે છે કે તમે ઊંધા ન સૂતા, હાર્ટ પર જોર આવે. સાચું કહું તો આ ખૂબ જ અઘરું થઈ રહ્યું છે. ડૉક્ટરનું કહેવું માનું પણ કઈ રીતે? ઊંઘ જ નથી આવતી અને તેમનું કહ્યું ન પણ માનું તો ઊંધા સૂવાથી ગભરામણ થઈ રહી છે. આનો કોઈ ઉપાય ખરો? 

 પેટ પર ઊંધા ન સૂવું એવું ભલે કહેવાતું હોય, પરંતુ હકીકત એ છે કે ૬૦ ટકા લોકો પેટ પર જ સૂવે છે. આમ તો સામાન્ય લોકોને આ રીતે સૂવામાં ડોક અને ઉપરની પીઠના દુખાવા સિવાય ખાસ પ્રૉબ્લેમ આવતા નથી, પરંતુ અત્યારે તમારી પરિસ્થિતિ જુદી છે. એ વાત સાચી કે નાનપણથી જે આદત હોય એ કાઢવી મુશ્કેલ છે, પરંતુ સમય સાથે પરિવર્તન જરૂરી છે. ઊંધા સૂવાથી થાય છે એવું કે ફેફસાં દબાય છે અને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડી શકે છે. જ્યારે આ તકલીફ આવે ત્યારે ફેફસાં વ્યવસ્થિત કામ કરી શકે એ માટે હાર્ટને વધુ મહેનત પડે છે. આ પરિસ્થિતિમાં હાર્ટ પર લોડ વધે, જે સારું નથી. ખાસ કરીને હાર્ટના દરદીઓને આ બાબતે સજાગ રહેવું જરૂરી છે. 

આ પણ વાંચો : પ્રેગ્નન્સી સાથે ડાયાબિટીઝ આવ્યો છે, શું કરું?

અત્યારે તમારે હાર્ટ પર બિનજરૂરી લોડ ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે. રાતે કશું થાય તો એ પણ રિસ્ક વધારે છે, પરંતુ મોટા ભાગે હાર્ટના દરદીઓ ઊંધા સૂઈ નથી શકતા, કારણ કે જેવા એમનાં ફેફસાં ભીંસાય અને શ્વાસની તકલીફ થાય કે તરત જ તેમને ગભરામણ થાય છે અને સીધા થઈ જવું પડે છે. તમે ભલે જીવનભર ઊંધા સૂતા હો, પરંતુ હવે તમે ઊંધા એટલે કે પેટ પર નહીં સૂઈ શકો. તમારે ચત્તા કે જમણી અથવા ડાબી બાજુ પડખું ફરીને જ સૂવું પડશે. આદત ન હોય તો ધીમે-ધીમે આદત પાડો. પહેલાં તો મનથી આ વાત સ્વીકારો કે ઊંધો નહીં સૂએ તો પણ ઊંઘ તો આવશે જ. અમુક સ્લીપ હાઇજીન ટેક્નિક કેળવો. થાક લાગે ત્યારે માણસ બેઠાં-બેઠાં કે ઊભાં-ઊભાં પણ સૂઈ જાય છે. સૂવા માટે પોશ્ચર નહીં, થાકની વધુ જરૂર છે. થોડો સમય લાગશે, પણ આદત કેળવી શકાશે.

columnists health tips life and style heart attack