હજી ત્રીસીમાં છું ત્યારે મોતિયો આવી જાય?

04 October, 2022 05:41 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

ઇલાજ સમજવા માટે તમારે મોતિયાને સમજવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૮ વર્ષની છું અને મને આજકાલ જે પણ દેખાય છે એ ધૂંધળું અને થોડું વાદળિયું લાગે છે. રાત્રે પણ જોવામાં થોડી તકલીફ પડી રહી છે. હું આંખના ડૉક્ટરને દેખાડવા ગઈ તો એમણે મને ચેક કરીને કહ્યું કે મને મોતિયાની તકલીફ છે. મોતિયો તો હંમેશાં વૃદ્ધ લોકોને થતી બીમારી છે પછી મને કેવી રીતે આવી? મને સમજાતું નથી કે મેં શું ખોટું કર્યું જેનાથી મને આ રોગ આટલી નાની ઉંમરે આવ્યો. હવે મારે ઑપરેશન જ કરાવવાનું રહે કે કોઈ બીજો ઉપાય પણ છે?

મોતિયા પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર હોય છે, જેમાં ઉંમર એક મહત્ત્વનું કારણ છે. મોટી ઉંમરે માણસને મોતિયો થતો હોય છે એ સત્ય સમાજમાં ઘણું પ્રચલિત છે એટલે લોકો માને છે કે મોતિયો મોટી ઉંમરે જ થાય, પરંતુ એવું જરાય જરૂરી નથી કે મોટી ઉંમરે જ આ રોગ થાય. યુવાન વયે પણ આ રોગ આવી શકે છે. તમારી ઉંમર તો ૩૮ વર્ષ છે એટલે તમારી આંખ તો આખી વિકસિત થઈ ગઈ એના પછી તમને મોતિયો થયો, પરંતુ અમુક કેસમાં બાળકોને પણ આ રોગ થઈ શકે છે એટલે ચિંતા ન કરો. બીજું, તમે પૂછ્યું છે કે કયાં કારણોસર મોતિયો થયો તો એના માટેનો જવાબ એ છે કે વધુ પડતા દૂરના નંબર હોય, ડાયાબિટીઝ હોય અને ખાસ કાબૂમાં શુગર ન રહેતી હોય, પાસ્ટમાં કોઈ ખાસ આંખમાં ઇન્જરી થઈ હોય, અમુક પ્રકારની દવાઓ પણ મોતિયાનાં કારણ હોઈ શકે છે. પરંતુ આમાંથી જો કોઈ કારણ તમને લાગુ ન પડતું હોય તો પણ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે કારણ વગર પણ મોતિયો આવી શકે છે એટલે કે એનું કોઈ કારણ સ્પષ્ટ હોય જ એવું નથી. એટલે એવું ન સમજો કે તમે કશું ખોટું કર્યું છે. 

આગળનો ઇલાજ સમજવા માટે તમારે મોતિયાને સમજવો જરૂરી છે. આ એક એવી પરિસ્થિતિ છે જે એની મેળે મટતી નથી. ઊલટું ઉત્તરોત્તર વધતી જાય છે, જેને લીધે જોવામાં તકલીફ થાય છે. મોતિયો ક્યારેય પાછો જતો રહેતો નથી. એક વાર મોતિયો થયો એટલે એ સંપૂર્ણ લેન્સ પર અસર કરવાનો જ છે. તમે જો સર્જરીથી ગભરાશો તો ફાયદો કંઈ નથી. સર્જરી સિવાય આનો કોઈ ઇલાજ નથી એટલે સર્જરી કરાવી જ લો. એ સેફ છે. એના પછી આંખની એવી સંભાળ રાખવાની છે કે એમાં કોઈ ઇન્જરી ન થાય અને દર ૬ મહિને તમે ડૉક્ટરને એક વાર મળો અને આંખ ચેક કરાવતાં રહો.

columnists health tips life and style