ડિપ્રેશનમાં સારું હોય તો દવા બંધ કરી શકાય?

27 September, 2022 04:47 PM IST  |  Mumbai | Dr. Kersi Chavda

જો એ દવા ગમે ત્યારે બંધ કરી દે તો એ જે સારું લાગે છે એ બંધ થઈ જશે અને ફરીથી દરદી ડિપ્રેશનમાં સરી પડે એમ બને

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી દીકરી ૩૯ વર્ષની છે. કોવિડમાં મારા પતિ ગુજરી ગયા. મેં તો જેમ તેમ જાતને સંભાળી, પણ તે બાપના જવાનું દુખ સહન ન કરી શકી. છેલ્લા એક વર્ષથી એ ડિપ્રેશનમાં છે. શરૂઆતમાં અમે કાઉન્સેલિંગ ચાલુ કર્યું હતું, પણ પછી દવાઓ પણ શરૂ કરવી જ પડી, કારણ કે વચ્ચે તો તેની પરિસ્થિતિ વધુ ખરાબ હતી. તેણે એકાદ વાર મરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ડૉક્ટરના કહેવા પ્રમાણે અમે તેનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. દવાઓ અને થેરપીથી તે આજે ઘણી ઠીક છે. સાવ પહેલા જેવી નૉર્મલ થઈ ગઈ છે, પરંતુ ડૉક્ટર કહે છે કે દવાઓ ચાલુ રાખો. હવે જ્યારે તે ઠીક થઈ ગઈ છે તો દવા છોડી ન શકાય? શું હવે તેણે આખી જિંદગી આ દવાઓ પર રહેવાનું છે? 
 
ડિપ્રેશન એક એવી બીમારી છે કે જેમાં ઇલાજની જરૂર રહે જ છે. આજની તારીખે ઘણી સારી મેડિસિન ઉપલબ્ધ છે, જેના થકી આ રોગને કાબૂમાં રાખવો ખૂબ સરળ છે અને ધીમે-ધીમે વ્યક્તિને એમાંથી બહાર લાવી શકાય છે. ઇલાજમાં શું કરવું, દવાઓ આપવી કે નહીં, કઈ દવાઓ આપવી, કઈ દવાઓ ક્યાં સુધી ચલાવવી, ક્યારે દવાની જરૂર નથી અને દવા બંધ કરી શકાય, આવા બધાના નિર્ણયો દરદીના ડૉક્ટરે જ લેવા જોઈએ. દરદીએ કે દરદીના ઘરના મેમ્બર્સે ન લેવા.

સમજવાનું એ છે કે ડિપ્રેશન એ ફ્લુ જેવી બીમારી નથી કે તાવ આવ્યો, ગોળી લીધી અને તાવ જતો રહ્યો તો ગોળી બંધ કરી દીધી. દરદીને દવાઓ થકી સારું લાગે જ છે, પણ એ સારું લાગવાનું કારણ દવાઓ છે એ નહીં ભૂલવું જોઈએ. જો એ દવા ગમે ત્યારે બંધ કરી દે તો એ જે સારું લાગે છે એ બંધ થઈ જશે અને ફરીથી દરદી ડિપ્રેશનમાં સરી પડે એમ બને. એટલું જ નહીં, ઘણી વખત એકદમ દવા બંધ કરી દેવાથી વધુ નુકસાન થવાની સંભાવના પણ રહે છે. એવું પણ સાવ નથી કે ગોળીઓ આજીવન ખાવી પડશે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રેકમેન્ડેશન મુજબ જે વ્યક્તિને ડિપ્રેશનના ત્રણ અટૅક આવ્યા હોય તેમણે જીવનભર માટે આ દવાઓ ખાવી જ જોઈએ. જે રીતે બ્લડપ્રેશર કે ડાયાબિટીઝની દવાઓ જીવનભર માટેની છે એ જ રીતે આ દવાઓ સમજવી, પરંતુ દરેક દરદીએ આ દવાઓ આજીવન ખાવી પડશે એવું નથી હોતું. દરદીની પરિસ્થિતિ જોઈને ડૉક્ટર એ નિર્ણય લે છે. તમારા ડૉક્ટરે કહ્યું છે કે દવા બંધ ન કરો તો તમે તેની વાત માનો એ જરૂરી છે. 

columnists health tips life and style