ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલોસિસમાં મારી એક્સરસાઇઝના કલાકો હું ઘટાડી શકું કે નહીં?

26 September, 2022 04:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે એક્સરસાઇઝ ઓછી કરશો તો બધું અકળાઈ જ જશે, એમ માનવાની જરૂર નથી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

૫૬ વર્ષનો છું. છેલ્લાં ૨૫-૩૦ વર્ષથી મને ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલોસિસ છે. ટ્રીટમેન્ટ ચાલુ છે, પરંતુ સ્નાયુઓ જકડાઈ જવાની સમસ્યા ઘણી વધુ રહે છે. દવાઓની સાથે મને એક્સરસાઇઝથી ઘણો ફરક છે. સ્નાયુઓની જકડન એક્સરસાઇઝથી જ ઠીક થાય છે. કમર અને પીઠની એક્સરસાઇઝ જ એક કલાકની છે. એ ઉપરાંત સવારે એક કલાક અને સાંજે એક કલાક એમ દિવસના બે કલાક હું સ્વિમિંગ કરું છે. દિવસના લગભગ ૩-૪ કલાક એક્સરસાઇઝમાં જતા રહે છે. પહેલાં તો હું આ સમય કાઢી શકતો, પરંતુ હવે થોડો થાક લાગે છે. શું આખું જીવન આટલા કલાક એક્સરસાઇઝ કરવી જ પડશે? 

ઍન્કિલોસિંગ સ્પૉન્ડિલોસિસ છે, ખાસ કરીને કરોડરજ્જુને અસર કરે છે એટલે એને બામ્બુ સ્પાઇન પણ કહે છે. આ એક જિનેટિક પ્રૉબ્લેમ છે, જેને લીધે વ્યક્તિ ટટ્ટાર રહી શકતી નથી. આ રોગમાં દવા સાથે એક્સરસાઇઝ કે રીહૅબિલિટેશન અત્યંત મહત્ત્વનાં છે. એ કરવા જ જોઈએ અને તમે કરો છો એ આનંદની વાત છે. સૌથી પહેલી વાત તો એ કે તમે જે કમર અને પીઠની એક્સરસાઇઝ કરો છો એ કદાચ તમને તમારા ફિઝિયોએ દેખાડેલા સ્ટ્રેચ હશે, એમ હું માનું છું. એ ક્યારેય છોડવા નહીં. હા, એમાં તમારો એકાદ કલાક જતો હશે, પણ એ તમારા સ્નાયુઓ જે જકડાઈ જાય છે એના માટે ફાયદાકારક છે. આ સિવાય જો તમે વેઇટ ઉપાડતા હો કે જિમમાં એક્સરસાઇઝ કરતા હો તો એ ખોટું છે, એ ન જ કરવી. ૨-૫ કિલો વજનની ટ્રેઇનિંગ હજી પણ નિષ્ણાતની હાજરીમાં કરી શકાય, પરંતુ એનાથી વધુ વજન તમારી સ્પાઇન માટે યોગ્ય નથી. 

બીજું તમે વર્ષોથી આ રૂટીનમાં છો અને એને કારણે જ નૉર્મલ લાઇફ પામી શક્યા છો, એ વાત સાચી, પણ હવે જેમ-જેમ ઉંમર વધશે તો શરીરની ક્ષમતા ઓછી થતી જશે. તમારા સ્નાયુઓની શક્તિ ઘટશે અને તમને થાક લાગવાનો જ છે માટે પહેલી વાત તો એ કે ડરો નહી. તમે એક્સરસાઇઝ ઓછી કરશો તો બધું અકળાઈ જ જશે, એમ માનવાની જરૂર નથી. ઊલટું કર્યા જ કરશો તો એક નહીં તો બીજી તકલીફ આવશે માટે ધીમે-ધીમે સ્વિમિંગનો સમય ઘટાડો. સ્ટ્રેચ છોડતા નહીં, એ જરૂરી છે, પણ શરીરને સંભાળવું પણ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાની જ છે, પણ એટલી કે તમારું શરીર તમને પૂરતો સાથ આપે. આ વાત ભૂલતા નહીં. 

columnists health tips life and style