કિડની ડિસીઝ હોય તો મા બની શકાય?

22 November, 2022 04:27 PM IST  |  Mumbai | Dr. Bharat Shah

કિડનીનો પ્રૉબ્લેમ અને હાઈ બ્લડ-પ્રેશર બંનેની તકલીફ એકસાથે હોવી એ કોઈ પણ પ્રેગ્નન્સી માટે હાઈ રિસ્ક સાબિત થાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૪ વર્ષની છું અને મને કિડની ડિસીઝ છે. મને હાઈ બ્લડ-પ્રેશર છે અને મારી ૮૦થી ૮૫ ટકા કિડની કામ નથી કરી રહી. દવા ચાલુ છે, પણ ડાયાલિસિસ શરૂ નથી થયું. હું હજી સુધી મા નથી બની અને મને મા બનવાની ખૂબ ઇચ્છા છે. મારા ડૉક્ટર પ્રેગ્નન્સી માટે ના પડે છે. જોકે બીજી તકલીફ એ છે કે જો હું ઠીક થવાની રાહ જોઉં તો એવું થશે જ નહીં. કિડની તો બગડતી જ જશે અને રિસ્ક વધતું જ જશે. તો શું હું ક્યારેય મા નહીં બની શકું?

મેડિકલ સાયન્સ કહે છે કે જે સ્ત્રીઓને કિડનીની તકલીફ સ્ટેજ એક કે બેની હોય, બ્લડ-પ્રેશર નૉર્મલ રહેતું હોય, યુરિનમાં પ્રોટીન ન જતું હોય તેઓ હેલ્ધી પ્રેગ્નન્સી રાખી શકે છે. જોકે જે સ્ત્રીઓ મૉડરેટ કે સિવિયર કિડની ડિસીઝ એટલે કે સ્ટેજ ત્રણથી લઈને સ્ટેજ પાંચ સુધીમાં કિડનીનો પ્રૉબ્લેમ ધરાવતી હોય તેમનામાં પ્રેગ્નન્સીનું રિસ્ક ઘણું વધી જાય છે. તમારો કેસ બૉર્ડરલાઇન પર છે, કારણ કે તમારી ૮૦થી ૮૫ ટકા કિડની ડૅમેજ થઈ ગઈ છે. તમને પહેલેથી હાઈ બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ હતો એટલે બાળક માટે પણ રિસ્ક ખૂબ વધારે છે.

મુખ્ય વાત એ છે કે કિડનીનો પ્રૉબ્લેમ ધરાવતી સ્ત્રીમાં ફર્ટિલિટીની તકલીફ ઊભી થાય છે એટલે મોટા ભાગે આવી સ્ત્રી પ્રેગ્નન્ટ બનતી જ નથી. અમુક ભાગ્યે જોવા મળતા કેસમાં એવું બને છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે. મોટા ભાગે જે સ્ત્રીને કિડનીનો પ્રૉબ્લેમ હોય તે સ્ત્રીને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ જોવા મળે જ છે. કિડનીનો પ્રૉબ્લેમ અને હાઈ બ્લડ-પ્રેશર બંનેની તકલીફ એકસાથે હોવી એ કોઈ પણ પ્રેગ્નન્સી માટે હાઈ રિસ્ક સાબિત થાય છે, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન આ બંને રોગ વકરે છે. એટલે કે પ્રેગ્નન્સીને કારણે કિડની વધુ ડૅમેજ થાય છે અને એ દરમિયાન હાઈ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવું અત્યંત મુશ્કેલ બને છે. આ બંને તકલીફો માને મૃત્યુના દ્વાર સુધી લઈ જઈ શકે છે. એટલું જ નહીં, આ બંને તકલીફમાં જો સ્ત્રી પ્રેગ્નન્ટ બને તો તેના બાળકના શારીરિક-માનસિક વિકાસમાં પ્રૉબ્લેમ આવી શકે છે. એની સાથે મિસકૅરેજની શક્યતા, મૃત બાળકનો જન્મ વગેરેનું રિસ્ક પણ વધી જાય છે. મા બનવાની ઇચ્છા એક બાબત છે, પણ તમારા કેસમાં આ નિર્ણય તમારે તમારા ગાયનેકોલૉજિસ્ટ અને નૅફ્રોલૉજિસ્ટ બંનેને પૂછીને લેવો, કારણ કે દરેક દરદી પર આ રિસ્ક જુદું-જુદું હોય છે. અમુક સ્ત્રીઓ છે જે આ રિસ્ક સાથે પણ બાળકને જન્મ આપે છે, પણ એની શક્યતાઓ જૂજ કહી શકાય.

columnists health tips life and style