બ્લૉકેજ ૬૦-૭૦ ટકા હોય તો પણ અટૅક આવી શકે?

05 October, 2022 02:40 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

૮૦-૯૦ ટકા બ્લૉકેજ હોય તો અટૅકનું રિસ્ક વધી જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારા પતિ ૬૯ વર્ષના છે અને તેમને છેલ્લાં પાંચેક વર્ષથી શ્વાસની તકલીફ છે. તેમનો COPDનો ઇલાજ ચાલે છે. તેમને ડાયાબિટીઝ નથી પરંતુ બ્લડ-પ્રેશર છેલ્લાં બે વર્ષથી છે. હાલમાં અમે હૉસ્પિટલ જ ગયા હતા અને ત્યાં એ ફસડાઈ પડ્યા. તરત જ ટ્રીટમેન્ટ મળી પરંતુ જ્યારે તેમની ઍન્જિયોગ્રાફી કરી તો ખબર પડી કે એક નળીમાં ૪૦ ટકા, બીજીમાં ૭૦ ટકા અને બીજી બેમાં તો ફક્ત ૩૦ ટકા જેવું બ્લૉકેજ હતું. આટલું ઓછું બ્લૉકેજ હોવા છતાં એક નળીમાં ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે. શું આટલું ઓછું બ્લૉકેજ હોય તો પણ અટૅક આવી શકે?  

હાર્ટ-અટૅક અચાનક આવતી પરિસ્થિતિ છે, પરંતુ મોટા ભાગે તમે જો જાગૃત હો તો સતત ટેસ્ટના રિપોર્ટ્સ વડે પહેલેથી અંદાજ લગાવી શકો કે અટૅક આવવાની શક્યતા કેટલી છે. ૮૦-૯૦ ટકા બ્લૉકેજ હોય તો અટૅકનું રિસ્ક વધી જાય છે. અટૅક પછી જેમની ઍન્જિયોગ્રાફી થાય એવી વ્યક્તિને મોટા ભાગે જે બ્લૉકેજ હોય એ વધુ જ જણાતાં હોય છે, પરંતુ તમારા પતિને જે રોગ છે COPD-ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ એ રોગ હાર્ટને પણ અસરકર્તા છે.

COPD જ નહીં, પરંતુ કોઈ પણ શ્વસન માર્ગનો રોગ ધરાવતી વ્યક્તિ પર હાર્ટ-અટૅક આવવાની શક્યતા ઘણી બહોળી છે. આમ જે વ્યક્તિ શ્વસનતંત્રના રોગ ધરાવે છે એ દરદીઓમાં શ્વાસની તકલીફને કારણે તેમને ઑક્સિજન ઓછો મળે છે. લોહીમાં ઑક્સિજનની કમી થાય તો હાર્ટ પર લોડ આવે જ છે. હવે આવા દરદીઓના શરીરમાં જો ફક્ત ૩૦-૪૦ કે ૬૦-૭૦ ટકા પણ બ્લૉકેજ હોય જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કે સ્ટ્રેસ ટેસ્ટમાં પકડાતું નથી, પરંતુ શ્વાસની તકલીફ આવે એટલે એ બ્લૉકેજને કારણે હાર્ટ પર ભરપૂર લોડ પડે છે. એમને આટલા બ્લૉકેજમાં પણ અટૅક આવી શકે છે, કારણ કે એમનો મુખ્ય પ્રૉબ્લેમ ઑક્સિજનનો હોય છે. વળી આ દરદીઓને ન્યુમોનિયા થવાનું રિસ્ક પણ વધુ હોય છે. આમ આ દરદીઓને હાઈ રિસ્ક કૅટેગરીમાં મૂકી શકાય. એમની એક નળીમાં ૭૦ ટકા બ્લૉકેજ હતું એટલે ઍન્જિયોપ્લાસ્ટીની જરૂર હતી. બાકીમાં જરૂર નહોતી. જો એમનો COPD કાબૂમાં રહેશે તો હાર્ટ હેલ્ધી રહી શકશે એટલે તમને એ સલાહ આપવામાં આવી છે. શ્વાસની તકલીફ જેટલી ઓછી એટલું હાર્ટ સેફ રહેશે.

columnists health tips life and style