મોતિયાનું ઑપરેશન ટાળી શકાય?

14 September, 2022 12:19 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

આ માન્યતા ખોટી છે કે નજીકનાં કામ કરવાથી મોતિયા પર ખરાબ અસર પડે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૭૨ વર્ષ છે. મને આજકાલ નજીકનું જોવામાં તકલીફ પડે છે. આંખનું ચેક-અપ કરાવ્યું તો ડૉક્ટરે કહ્યું કે તમને મોતિયાની અસર છે. અમુક ટીપાં આપ્યાં છે તેમણે. મારે સર્જરી નથી કરાવવી એટલે હું જે વાંચન કરતી હતી એ મેં મૂકી દીધું છે. નાની-મોટી સિલાઈ ઘરમાં હું જ કરતી એ પણ હવે નથી કરતી. એનાથી ફરક પડશે કે નહીં? મારે મોતિયાને પાકવા નથી દેવો. ઘરમાં બધા કહે છે કે સર્જરી કરાવી લો. જોકે હજી મોતિયો પાક્યો જ નથી તો સર્જરી કરાવીને શું કરવાનું?  

આ માન્યતા ખોટી છે કે નજીકનાં કામ કરવાથી મોતિયા પર ખરાબ અસર પડે. ઘણા લોકો તેમને મોતિયો હોય ત્યારે તમારી જેમ જ નજીકનાં સિલાઈ કે વાંચન જેવાં કામ મૂકી દે છે. તેમને લાગે છે કે આવાં નજીકનાં કામ કરવાથી મોતિયો વધુ બગડશે. જોકે હકીકત એ છે કે મોતિયો તમે આંખને કઈ રીતે વાપરો છો એના પર થતો નથી. ઊલટું એવું ચોક્કસ બને કે નજીકનાં કામો કરતા હોઈએ ત્યારે જોવામાં પડતી તકલીફથી અંદાજ આવે છે કે મોતિયો હોઈ શકે છે. 

વળી કોઈ પણ પ્રકારની દવાથી મોતિયો ઠીક થઈ શકે નહીં. આ એક પ્રોગ્રેસિવ રોગ છે એટલે કે ધીમે-ધીમે એ વધતો જાય છે. ઘણા લોકોને લાગે છે કે મોતિયાનો પ્રોગ્રેસ પણ કોઈ દવા અટકાવી શકે નહીં. આંખની ઉંમર થાય એટલે મોતિયો આવે છે. જેમ ઉંમરને રોકી શકાતી નથી એમ મોતિયાને પણ રોકી શકાય નહીં. મોતિયા માટે સર્જરી જ કરવી પડે છે. સર્જરી સિવાય એનો કોઈ ઉપચાર નથી. 

બીજી વાત એ કે મોતિયો હોય ત્યારે એના પાકવાની રાહ જોવી નહીં. મોતિયો પાકે ત્યારે જ ઑપરેશન કરાવવું એ પણ એક ખોટી માન્યતા છે. આ ગેરમાન્યતા ઘણા લોકોમાં જોવા મળે છે. પહેલાં એક સમયે એવું હતું કે મોતિયો પાકે એટલે કે લગભગ વ્યક્તિને દેખાવાનું બંધ થાય પછી જ ઑપરેશન થતું. જોકે આવું થાય ત્યારે જો સર્જરી કરવામાં આવે તો એનું રિઝલ્ટ એટલું સારું મળતું નથી. આજે એ સમય છે કે લોકો વગર કારણે સહન કરવામાં માનતા નથી અને ઍડ્વાન્સ ટેક્નૉલૉજીની સાથે એ જરૂરી પણ નથી. મોતિયાની શરૂઆત થાય ત્યારે ડૉક્ટરને મળીને જેમ બને એમ વહેલી સર્જરી કરાવો એ હિતાવહ છે. એનાથી સર્જરીનું રિઝલ્ટ પણ ખૂબ સરસ મળશે અને લાંબા સમય સુધી દૃષ્ટિ વગર સહન કરવાની જરૂર નહીં પડે.

columnists health tips life and style