✕

નાની ઉંમરે થતા સ્તન-કૅન્સર પાછળ જીન્સ જવાબદાર હોઈ શકે છે એ સમજવું જોઈએ

06 October, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહુ ઓછા કિસ્સાઓમાં સ્તનનું કૅન્સર આનુવંશિક જિનેટિક પરિબળો સાથે જોડાયેલું હોય છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

થોડા સમય પહેલાં ૨૮ વર્ષની એક યુવતી સ્તનમાં ગાંઠ જોયા પછી મારી પાસે આવી હતી. ૨૮ વર્ષની ઉંમરે મોટા ભાગની યુવતીઓ કૅન્સર જેવો શબ્દ સાંભળવાની અપેક્ષા રાખતી નથી. કમનસીબે તેની તપાસમાં ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ-કૅન્સર હોવાની પુષ્ટિ થઈ. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તેનામાં રોગકારક BRCA મ્યુટેશન એટલે કે એક પ્રકારની જિનેટિક ખામી હતી, જેણે આટલી નાની ઉંમરે તેનામાં સ્તનનું કૅન્સર થવાના આનુવંશિક જોખમમાં ફાળો આપ્યો હતો.

અમે સર્જરી કરતાં પહેલાં તેની ઇમ્યુનોથેરપી સાથે કીમોથેરપી દ્વારા સારવાર કરી. પછી જ્યારે તેની સર્જરી કરવામાં આવી ત્યારે પૅથોલૉજી રિપોર્ટમાં એવું પરિણામ મળ્યું જે દરેક ઑન્કોલોજિસ્ટ જોવાની આશા રાખે છે - પૅથોલૉજિકલ કમ્પ્લીટ રિસ્પૉન્સ. બીજા શબ્દોમાં કહીએ તો સર્જરી પહેલાં આપેલી સારવાર પછી કાઢવામાં આવેલા નમૂનામાં કોઈ પણ પ્રકારનું કૅન્સર બાકી બચ્યું નહોતું.

ત્યાર બાદ તેણે રેડિયોથેરપી સહિતની બાકીની આયોજિત સારવાર પૂરી કરી અને તે સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. તેના જેવા કિસ્સાઓ આધુનિક સ્તનના કૅન્સરની સારવારનાં બે મહત્ત્વપૂર્ણ પાસાં દર્શાવે છે. એક તો એ કે આધુનિક સારવાર કેટલી અસરકારક હોઈ શકે છે અને બીજું એ કે ખાસ કરીને જ્યારે નાની ઉંમરે સ્તનનું કૅન્સર થાય ત્યારે આપણે જિનેટિક્સ એટલે કે આનુવંશિકતા વિશે વિચારવું જોઈએ.

બહુ ઓછા કિસ્સાઓમાં સ્તનનું કૅન્સર આનુવંશિક જિનેટિક પરિબળો સાથે જોડાયેલું હોય છે. BRCA1 અને BRCA2 એ કૅન્સર માટે જવાબદાર સૌથી જાણીતા જનીનો છે. જોકે આજે આપણે એવા અન્ય ઘણા જનીનોને ઓળખીએ છીએ જે સ્તનના કૅન્સરનું જોખમ વધારી શકે છે. જ્યારે આપણે નાની ઉંમરે સ્તનનું કૅન્સર જોઈએ, સ્તન કે અંડાશયના કૅન્સરથી પીડાતા પરિવારના બહુવિધ સભ્યો હોય, પેઢી દર પેઢી કૅન્સર જોવા મળતું હોય, પુરુષોમાં સ્તનનું કૅન્સર હોય અથવા આનુવંશિક કૅન્સર સિન્ડ્રૉમ દર્શાવતાં અન્ય લક્ષણો હોય ત્યારે જિનેટિક મૂલ્યાંકન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

જો તમારા પરિવારમાં, ખાસ કરીને નજીકનાં સગાંઓમાં સ્તન અથવા અંડાશયના કૅન્સરનો ઇતિહાસ હોય તો તમારા ડૉક્ટર અથવા ઑન્કોલૉજિસ્ટ સાથે વાત કરો. જોકે જિનેટિક મ્યુટેશન હોવાનો અર્થ એ નથી કે કૅન્સર થવું નિશ્ચિત જ છે.

ઑક્ટોબરને બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ મ‌હિના તરીકે સે‌લિબ્રેટ કરવામાં આવે છે ત્યારે હું ઇચ્છીશ કે દરેક મહિલા એટલું સમજે કે વારસાગત રીતે પણ તમને આ રોગ મળી શકે છે અને તમે તમારી આવતી પેઢીને આ રોગ વારસામાં આપી શકો છો. એનાથી બચવા માટે જાગૃતિ અનિવાર્ય છે.

cancer health tips healthy living life and style lifestyle news columnists