સફેદ અને કાળાં ચિયા સીડ્સ વચ્ચે શું ફરક છે?

17 June, 2025 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લાં અમુક વર્ષોથી ભારતીયોમાં ચિયા ​​સીડ્સ ખાવાનું ચલણ વધ્યું છે. મિલ્કશેક હોય કે સ્મૂધી, એમાં ચિયા સીડ્સ નાખીને પછી જ એનું સેવન કરવામાં આવે છે

ચિયા સીડ્સ

છેલ્લાં અમુક વર્ષોથી ભારતીયોમાં ચિયા ​​સીડ્સ ખાવાનું ચલણ વધ્યું છે. મિલ્કશેક હોય કે સ્મૂધી, એમાં ચિયા સીડ્સ નાખીને પછી જ એનું સેવન કરવામાં આવે છે. સામાન્ય રીતે બે પ્રકારનાં ચિયા સીડ્સ આવે છે. એક કાળાં અને બીજાં સફેદ. આ બન્નેમાં ફક્ત રંગનો જ ફરક છે કે પછી એનાં પોષક તત્ત્વોમાં પણ ફેર હોય છે એ જાણીએ

ચિયા સીડ્સને સુપરફૂડ કહેવામાં આવે છે, કારણ કે એના અનેક હેલ્થ-બેનિફિટ્સ છે. એમાં ફાઇબર, ઓમેગા થ્રી ફૅટી ઍસિડ્સ, પ્રોટીન, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ તેમ જ અનેક વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર હોય છે. સામાન્ય રીતે બે પ્રકારનાં ચિયા સીડ્સ આવે છે, એક સફેદ અને બીજાં કાળાં. સફેદ અને કાળાં બન્ને પ્રકારનાં ચિયા સીડ્સ સેમ પ્લાન્ટમાંથી આવી છે, પણ જીન્સને કારણે એમના રંગમાં ફરક હોય છે.

બન્ને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. એમના ન્યુટ્રિશન પ્રોફાઇલમાં સાવ નજીવો ફરક હોય છે. કાળાં ચિયા સીડ્સમાં થોડું વધુ પ્રોટીન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે એના બ્લૅક પિગમેન્ટેશનને કારણે હોય છે. એવી જ રીતે સફેદ ચિયા સીડ્સમાં થોડા વધુ ઓમેગા થ્રી ફૅટી ઍસિડ્સ અને કૅલ્શિયમ હોય છે. સફેદ અને કાળાં ચિયા સીડ્સનાં પોષક તત્ત્વોમાં એવો કોઈ વધુ ફરક હોતો નથી એટલે તમે ગમે તે ચિયા સીડ્સનો ઉપયોગ કરી શકો.

ચિયા સીડ્સ ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનમાં મદદરૂપ બનવાનું કામ કરે છે. એમાં રહેલાં ઓમેગા થ્રી ફૅટી ઍસિડ્સ હૃદય અને બ્રેઇનના સ્વાસ્થ્ય માટે સારા છે. એવી જ રીતે પ્રોટીન મસલ્સ માટે ફાયદાકારક છે. એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ હાડકાંઓને મજબૂત રાખવા અને શરીરને એનર્જી આપવા માટે જરૂરી છે. એટલે આમાંથી તમને કયો ફાયદો જોઈએ છે એ હિસાબે તમે સફેદ અને કાળાં ​ચિયા સીડ્સમાંથી કોઈ એકની પસંદગી કરી શકો.

સામાન્ય રીતે માર્કેટમાં કાળાં ચિયા સીડ્સ સરળતાથી ઉપલબ્ધ છે અને એની કિંમત પણ ઓછી હોય છે. બીજી બાજુ ઓછી ઉપલબ્ધતાના કારણે સફેદ ચિયા સીડ્સના ભાવ થોડા વધુ હોય છે. ચિયા સીડ્સનો ડાયટમાં સમાવેશ કરવાનું ખૂબ સરળ હોય છે. બસ, તમારે તમારાં સૅલડ, સ્મૂધી, યોગર્ટમાં ચપટી ભરીને એને ઍડ કરી દેવાનાં છે. ચિયા સીડ્સને તમે ડ્રાય પણ ખાઈ શકો, પણ જો પાણીમાં અમુક કલાક માટે પલાળીને પછી ખાવામાં આવે તો એનો વધુ ફાયદો મ‍ળે છે.

health tips food news indian food life and style columnists gujarati mid-day mumbai