કૂતરું કરડે ત્યારે એ જ દિવસે ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન લેવાનું શરૂ કરો

02 August, 2025 07:34 AM IST  |  Lucknow | Jigisha Jain

થોડા સમય પહેલાં ૨૨ વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીએ એક નાળામાં વહી જતા ગલૂડિયાને બચાવેલું. એ સમયે ગલૂડિયાના દાંત જરાક તેના હાથમાં ખૂંપી ગયેલા.

કૂતરું કરડ્યા પછી બેદરકાર રહેલા કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીએ જીવ ગુમાવવો પડ્યો.

થોડા સમય પહેલાં ૨૨ વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકીએ એક નાળામાં વહી જતા ગલૂડિયાને બચાવેલું. એ સમયે ગલૂડિયાના દાંત જરાક તેના હાથમાં ખૂંપી ગયેલા. નગણ્ય ઈજા સમજીને તેણે જરૂરી ઇન્જેક્શન લીધાં નહીં અને એને કારણે રેબીઝ કે હડકવાથી તેનું મૃત્યુ થયું. કૂતરાના નહોર પણ વાગ્યા હોય કે જરાક દાંત પણ ખૂંપ્યો હોય તો રિસ્ક લેવા જેવું નથી. તરત જ ડૉક્ટર પાસે જઈ પાંચ ઇન્જેક્શન રેબીઝની રસીનાં અને એક ઇન્જેક્શન હ્યુમન રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું લઈ જ લેવાં. આજે સમજીએ કેટલીક મૂળભૂત બાબતોને

ઉત્તર પ્રદેશના ૨૨ વર્ષના કબડ્ડી પ્લેયર બ્રિજેશ સોલંકી જેણે રાજ્ય સ્તરની કૉમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને પ્રો-કબડ્ડી લીગ માટે જેની પાસેથી ઘણી આશા હતી તેનું હાલમાં મૃત્યુ થયું હતું. થોડા સમય પહેલાં તેના એ ન્યુઝ ચમક્યા હતા કે ઘર પાસેના નાળામાં ડૂબી રહેલું એક ગલૂડિયું એટલે કે કૂતરાનું બચ્ચું તેણે પોતાના જીવના જોખમે બચાવ્યું હતું. જ્યારે તે એને બચાવતો હતો ત્યારે તેના ડાબા હાથમાં એ ગલૂડિયાએ પોતાના દાંત ભરાવી દીધા હતા. તેને લાગ્યું કે નાની ખરોંચ જ તો છે. એટલે તેણે ન ડૉક્ટરને બતાવ્યું કે ન તેણે કોઈ ઇન્જેક્શન્સ લીધાં. ત્રણ મહિના આમ જ વીતી ગયા અને ત્યાં સુધી બ્રિજેશ નૉર્મલ જીવન જીવી રહ્યો હતો, પરંતુ ત્રણ મહિના પછી એક સવારે બ્રિજેશ ઊઠ્યો ત્યારે તેનો ડાબો હાથ કામ નહોતો કરી રહ્યો અને એકદમ ખોટો પડી ગયો હતો. કેટલાક કલાકો પછી તેનું આખું શરીર ખોટું પડવા લાગ્યું. તેને લઈને તેના ઘરના લોકો અલીગઢની કોઈ હૉસ્પિટલમાં પહોંચ્યા. તેના ઘરના લોકોના કહેવા મુજબ ત્યાંના ડૉક્ટરોએ તેના પર ધ્યાન ન આપ્યું. બ્રિજેશને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. એ તકલીફ સહન નહોતી થઈ રહી એટલે બ્રિજેશ જોર-જોરથી રાડો પાડવા લાગ્યો. તબિયત ખૂબ બગડી અને તેનું મૃત્યુ થઈ ગયું. ઘણા લોકો માને છે કે તેની ભલાઈ તેને ભારે પડી, પરંતુ ખરેખર તો જાગૃતિના અભાવે તે મૃત્યુ પામ્યો હતો. આપણા દેશમાં દર વર્ષે ૫૭૦૦ લોકો રેબીઝ કે હડકવાને કારણે મૃત્યુ પામે છે. 

કૂતરું કરડ્યું છે કે નહીં?

કૂતરું કરડે તો ઇન્જેક્શન લેવાં પડે એ વાત તો બધાને ખબર જ હોયને? પણ એવું નથી, જે આ બનાવ આપણને સમજાવે છે. કૂતરું કરડે એની ઘણી કૅટેગરી પણ હોય છે. ઘણી વાર એના નખ જ વાગ્યા હોય એટલે ઉઝરડા જેવું થયું હોય. ઘણી વાર એનો એકાદ દાંત બેસી ગયો હોય. ઘણી વાર દાંત બેઠો છે કે નહીં એવું કન્ફ્યુઝન પણ હોય. આ એકદમ બેઝિક પ્રકારની તકલીફ છે જેમાં લોકો સમજે છે કે કશું થયું જ નથી એટલે ડૉક્ટર પાસે જતા નથી. હકીકત એ છે કે આમાંથી કંઈ પણ થયું હોય, વ્યક્તિએ ઇન્જેક્શન લેવાં જરૂરી બને છે કારણ કે રિસ્ક લેવું ખૂબ ભારે પડી શકે છે. તમને જોરથી બચકું ભર્યું હોય, લોહી નીકળે, માંસના લોચા પણ ઘણી વાર નીકળી જાય. આ પરિસ્થિતિમાં લોકો દોડીને ડૉક્ટર પાસે જશે અને ડૉક્ટર તેમને ઇલાજ આપશે. પણ જ્યારે જરાક જેવું કશું થયું હોય છે ત્યારે લોકો ગફલતમાં રહી જતા હોય છે, જે ખોટું છે. કૂતરું કરડે કે નહોર મારે કે દાંત જ બેસાડ્યા હોય, કોઈ પણ પરિસ્થિતિમાં ડૉક્ટરને મળવું અને ઇન્જેક્શન લઈ લેવાં.

દિવસે ડૉક્ટરને મળવું જરૂરી

બીજી ગફલત એ છે કે લોકો નાની તકલીફ હોય ત્યારે તરત ડૉક્ટર પાસે જતા નથી. તેમને લાગે છે કે આજે નથી જતા, કશું થશે ત્યારે જઈશું કે બે દિવસ પછી જઈશું. એ યોગ્ય નથી. જે દિવસે તમને કૂતરું કરડે એ જ દિવસે જલદીમાં જલદી ડૉક્ટર પાસે પહોંચી જવું અનિવાર્ય છે. જે ઇન્જેક્શન લેવાનાં છે એ પહેલા દિવસથી જ શરૂ જઈ જાય છે. એટલે એ લેવાં જરૂરી છે. આ વાત સાથે એક મહત્ત્વની વાત પર ભાર આપતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘બ્રિજેશ સોલંકી સાથે જે થયું એ ૩ મહિના પછી થયું એવા રિપોર્ટ્‍સ છે, પણ સામાન્ય રીતે એવું થતું નથી. જો વ્યક્તિ કોઈ ટ્રીટમેન્ટ ન લે તો કૂતરું કરડ્યાના અઠવાડિયા-દસ દિવસમાં તેને રેબીઝ થઈ જતો હોય છે. બ્રિજેશને ૩ મહિના પછી એની અસર ક્રેમ દેખાઈ એ આપણે જાણતા નથી એટલે ન કહી શકાય. બને કે એ માહિતીમાં પણ કંઈ ભૂલ હોય.’

 

ઇન્જેક્શન જરૂરી કેમ?

પાળતુ પ્રાણીઓને દર વર્ષે રેબીઝનું ઇન્ફેક્શન ન થાય એ માટે રસી મૂકવામાં આવે છે, પરંતુ જો તમને શંકા હોય કે રસી મૂકી એને સમય થઈ ગયો કે પછી આ વર્ષે ધ્યાન નથી કે રસી મુકાવી છે કે નહીં તો જરૂરી છે કે પાળતુ પ્રાણી માટે પણ રિસ્ક ન લેવામાં આવે. કોઈને ત્યાં જાઓ અને તેનું પાળતુ પ્રાણી તમને કરડે તો પણ ઇન્જેક્શન લઈ લેવાં. એ સેફ છે. આ રોગ વિશે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘હડકાયું કૂતરું કરડે તો આ રોગ થાય છે પરંતુ કયું કૂતરું હડકાયું છે એ ખબર પડી ન શકે. એટલે એવાં રિસ્ક લેવા કરતાં ઇન્જેક્શન લઈ લેવાં સારાં. કોઈ પણ કૂતરું, બિલાડી કે વાંદરું કરડે તો તરત જ ઇન્જેક્શન લેવાં જરૂરી છે. સૌથી મોટી વાત તો એ છે કે આ ઇન્જેક્શન સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક મળે છે. એટલે એ લઈ જ લેવાં, કારણ કે હડકવા એક વખત થઈ ગયો પછી એનો કોઈ ઇલાજ મેડિકલ સાયન્સ પાસે નથી. થાય છે એવું કે રેબીઝ વાઇરસથી કૂતરું પણ અસરગ્રસ્ત હોય છે. હવે આ કૂતરું જ્યારે તમને કરડે ત્યારે એ વાઇરસ લોહી થકી શરીરમાં પ્રવેશે છે અને સીધો તમારી નર્વસ સિસ્ટમ પર અટૅક કરે છે. એટલે હજી વાઇરસ શરીરમાં જાય કે તાત્કાલિક તમે રસી લઈ લો તો બચી શકાય છે.’

ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ જરૂરી

ઇન્જેક્શનમાં આમ તો બીજું કંઈ નથી હોતું, એ રેબીઝની રસી છે. બીજી રસીઓની જેમ આ રસી શરીરમાં જાય ત્યારે ઍન્ટિબૉડીઝ બનાવે છે જેને લીધે રેબીઝ વાઇરસ સામે આપણે લડી શકીએ. પરંતુ આ ઍન્ટિબૉડીઝ બનાવવાનું કામ રસીના ત્રીજા ઇન્જેક્શન પછી શક્ય બનતું હોય છે. માટે જ ડૉક્ટર્સ ફક્ત રેબીઝની રસી નહી, એની સાથે હ્યુમન રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું ઇન્જેક્શન લેવાની પણ સલાહ આપે છે. એ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જો તમે એ ઇન્જેક્શન નથી લેતા તો પણ તમને રેબીઝ થવાની શક્યતા રહે છે. આ ઇન્જેક્શન પણ જ્યારે કૂતરું કરડ્યું હોય એ જ દિવસે લેવાની જરૂર છે. એ થોડાંક મોંઘાં હોય છે એટલે લોકો ખચકાય છે પરંતુ એ દવાનું ઇન્જેક્શન મોટા ભાગનું ઘા પર અને પછી થોડું જે બચે એ શરીરના બીજા ભાગ પરથી લોહીમાં ભેળવીને આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી રેબીઝના ઍન્ટિબૉડી પહેલા દિવસથી શરીરમાં દાખલ કરવામાં આવે છે. એથી જે રેબીઝ વાઇરસ શરીરમાં ગયો છે એની સામે શરીર સારી લડત આપી શકે અને ખુદને બચાવી શકે.’

રેબીઝ-ફ્રી મેક્સિકો

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ ૧૯૯૦માં મેક્સિકોમાં કૂતરાથી થનારા રેબીઝના ૬૦ કેસ નોંધાયા હતા, પરંતુ ૨૦૦૬માં આ સંખ્યા શૂન્ય જઈ ગઈ એનું કારણ એ છે કે મેક્સિકોમાં દેશના બધા જ કૂતરાઓને હડકવાની રસીઓ આપવામાં આવી. રેબીઝ વિશે પણ જાણકારી ફેલાવવામાં આવી. ઉપચારને દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો અને ૨૦૦૬માં આ દેશને રેબીઝ-ફ્રી જાહેર કરવામાં આવ્યો.

ઇન્જેક્શન કઈ રીતે લેવાનાં?  

એક સમય એવો હતો કે કૂતરા માટે ૧૪ ઇન્જેક્શન આપવામાં આવતાં. એટલે ઘણા લોકોને હજી પણ લાગે છે કે કૂતરું કરડ્યું તો હવે ૧૪ ઇન્જેક્શન તો લેવાં જ પડશે. એ ૧૪ ઘટીને પાંચ થઈ ગયાં છે. એ માટે પાંચ ઇન્જેક્શનનો ડોઝ આપવામાં આવે છે. આ ઇન્જેક્શન એટલે બીજું કંઈ નહીં, રેબીઝની રસી. એનાં પાંચ અને એક હ્યુમન રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન મળી કુલ ૬ ઇન્જેક્શન થયાં.

 રસીનું સૌથી પહેલું ઇન્જેક્શન જ્યારે કૂતરું કરડે કે તરત અથવા એ જ દિવસે દેવું જરૂરી છે. એની સાથે-સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન પણ લેવું જરૂરી છે.

 બીજું ઇન્જેક્શન કરડ્યા પછીના ત્રીજા દિવસે.

 ત્રીજું ઇન્જેક્શન કરડ્યા પછીના સાતમા દિવસે.

 ચોથું ઇન્જેક્શન કરડ્યા પછીના ૧૪મા દિવસે અને

 પાંચમું એટલે કે છેલ્લું ઇન્જેક્શન અઠ્યાવીસમા દિવસે આપવામાં આવે છે.

આ પાંચ ઇન્જેક્શનનો ડોઝ પૂરો કરવો ખૂબ જરૂરી છે. એને અધવચ્ચેથી છોડી દઈએ તો હડકવાથી સંપૂર્ણ રીતે બચી ન શકાય. આ ઉપરાંત એક વાર કૂતરું કરડ્યું અને પાંચ ઇન્જેક્શન લઈ લીધા બાદ ૧ વર્ષની અંદર ફરીથી એ કરડે તો ફક્ત બે ઇન્જેક્શન લેવાં પડે છે એ ધ્યાનમાં લેવું.

health tips celeb health talk kabaddi news celebrity death life and style columnists gujarati mid day Jigisha Jain uttar pradesh