મેન્ટલ હેલ્થ સાચવવી હોય તો ફાઇટર બનો

20 June, 2022 01:29 PM IST  |  Mumbai | Varsha Chitaliya

પારિવારિક અને વ્યાવસાયિક સમસ્યાઓને મગજમાં લઈને ફરવું, સોશ્યલ ઇન્ટરૅક્શનથી દૂર રહેવું, પલાયનવૃત્તિ જેવાં અનેક કારણોસર પુરુષોમાં માનસિક અસ્વસ્થતાના કેસ વધી રહ્યા હોવાનું તારણ નીકળ્યું છે ત્યારે નિષ્ણાતોનું શું કહેવું છે એની વાત કરીએ

મેન્ટલ હેલ્થ સાચવવી હોય તો ફાઇટર બનો

પૃથ્વી પરનાં તમામ જીવંત પ્રાણીઓની તુલનામાં મનુષ્યની ગણના સૌથી સમજદાર પ્રાણી તરીકે થાય છે એનું કારણ છે મગજ. હ્યુમન બ્રેઇન એટલું પાવરફુલ છે કે ભૂતકાળની ઘટનાઓ અને સેંકડો ચહેરાઓ યાદ રાખી શકે છે તથા ભવિષ્યની યોજનાઓ બનાવવામાં પણ સતત કાર્યરત રહે છે. મગજ પાસેથી આપણે કામ લઈએ છીએ, પરંતુ એના સ્વાસ્થ્યને લઈને ગંભીરતા દાખવતા નથી. ખાસ કરીને પુરુષો આ બાબત સભાન નથી એવાં અનેક રિસર્ચ સામે આવ્યાં છે. 
અમેરિકાના મેન્ટલ હેલ્થ સર્વે અનુસાર સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ચારગણું વધારે હોવાનું કારણ માનસિક સ્વાસ્થ્ય અંગે ઉદાસીનતા છે. પુરુષોના સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને ચૅરિટી કૅમ્પેન અગેઇન્સ્ટ લિવિંગ મિઝરેબલી (CALM)એ એકબીજા સાથે હાથ મિલાવ્યો છે. CALM આપઘાત રોકતી એક સંસ્થા છે. સામાજિક દૃષ્ટિએ જોઈએ તો પુરુષો પર તેમના પરિવારને આર્થિક સલામતી આપવાનું ઘણું દબાણ હોય છે જે ઘણી વાર તનાવ અને ચિંતાનું કારણ બને છે. પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી તેમ જ તેઓ ખૂલીને આ બાબતની ચર્ચા કરી શકે એ માટે જૂન મહિનો મેન્સ મેન્ટલ હેલ્થ મન્થ તરીકે ઊજવાય છે ત્યારે આજે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે નિષ્ણાતોની શું સલાહ છે એ જાણીશું.
મુશ્કેલી ક્યાં આવે છે?
પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે એવા અભ્યાસ સાથે હું સહમત નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો પુરુષ દરદીઓની સંખ્યા વધુ છે એમ જણાવતાં મુંબઈની અપોલો સ્પેક્ટ્રાના ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ શેફાલી વૈદ્ય કહે છે, ‘સામાજિક અને પારિવારિક ધોરણે પુરુષોના માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે. આપણા સમાજમાં પુરુષોના માથે અનેક જવાબદારીઓ થોપી દેવામાં આવી છે. નારી અબળા અને સંવેદનશીલ હોય એવી વિચારધારાને લીધે પુરુષોની સમસ્યાઓ કાયમ નજરઅંદાજ થતી રહી છે. એ માટે તેઓ પોતે પણ અમુક હદ સુધી જવાબદાર છે. મોટા ભાગના પુરુષો એક્સપ્રેસિવ નથી હોતા. કોઈની સાથે વાત જ ન કરે તો મદદ કઈ રીતે કરી શકાય? સમસ્યાને મગજમાં લઈને ફરે, અંદર ને અંદર ઘૂંટાયા કરે ત્યારે સમસ્યા જ ઝેર બની જાય છે. ઝેરી તત્ત્વોને બહાર ફેંકવાં અનિવાર્ય છે એવું સ્વીકારવાની તૈયારી નથી એને પરિણામે માનસિક થકાવટ વધતી જાય છે. એક સ્તર એવો આવે છે જ્યારે તેઓ વ્યસનના માર્ગે ચાલ્યા જાય છે. માનસિક શાંતિ માટે આલ્કોહૉલ બેસ્ટ છે એવું માનવા લાગે પછી તેમને બહાર લાવવા ખૂબ અઘરું છે. પુરુષોમાં મેન્ટલ હેલ્થને ટ્રીટ કરવું કાઉન્સેલર માટે પણ ચૅલેન્જિંગ બની જાય છે. જોકે નિષ્ણાતોના પ્રયાસો, જાગૃતિ અભિયાન અને એજ્યુકેશનને કારણે ધીમે-ધીમે સભાનતા આવી છે. હવે ઘણા પુરુષો મેન્ટલ હેલ્થની સારવાર માટે આવે છે.’
લગભગ આઠમાંથી એક પુરુષને માનસિક સ્વાસ્થ્યની સામાન્ય સમસ્યા હોય છે જેમ કે ડિપ્રેશન, ચિંતા, ગભરાટ અથવા ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD) એવી માહિતી શૅર કરતાં ભાયખલાની મસીના હૉસ્પિટલના સાઇકિયા​ટ્રિસ્ટ ડૉ. મિલન બાલક્રિષ્નન કહે છે, ‘પુરુષોની મેન્ટલ હેલ્થમાં સમાજની અપેક્ષાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. પુરુષોએ દરેક કામમાં ચોક્કસ હોવું જોવું જોઈએ એવી સ્ટિરિયોટાઇપ વિચારધારા નુકસાનકારક સાબિત થાય છે. પુરુષોના મેન્ટલ હેલ્થના ડેટા મુશ્કેલ છે, કારણ કે આ મુદ્દા પર ચર્ચા કરવાનું તેઓ ટાળે છે. સ્ત્રીઓ કરતાં ત્રણગણા વધુ પુરુષો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામે છે. એની સામે મનોચિકત્સક પાસે જનારા પુરુષોની સંખ્યા ઘણી ઓછી હોવાના આંકડાઓ પણ છે. માનસિક અસ્વસ્થતાનું સ્તર ઊંચે જાય પછી આલ્કોહૉલ પર નિર્ભર બની જવાની અને ડ્રગ્સનો વારંવાર ઉપયોગ કરવાની વૃત્તિને કારણે તેમને ટ્રીટ કરવા મુશ્કેલ છે. નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓની મદદથી જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો તેઓ ખૂલીને વાત કરે તો ઇલાજ શક્ય છે.’
ફાઇટ ઑર ફ્લાઇટ
કોપિંગ સ્ટાઇલનો અભાવ હોય એવા પુરુષોની મેન્ટલ હેલ્થ જલદી બગડે છે એમ જણાવતાં શેફાલી કહે છે, ‘માનસિક અસ્વસ્થતાનાં અનેક કારણોમાં એન્વાયર્નમેન્ટનો રોલ મુખ્ય છે. આ કંઈ રાતોરાત થયેલી બીમારી નથી. પડકારો આવ્યા અને માનસિક સંતુલન ગુમાવી દીધું એવું નથી થતું. અંગ્રેજીમાં એક કહેવત છે - ફાઇટ ઑર ફ્લાઇટ. મતલબ પરિસ્થિતિનો સામનો કરો અથવા પલાયન થઈ જાઓ. આ મેકૅનિઝમ વ્યક્તિની પર્સનાલિટી સાથે જોડાયેલું છે. નાનપણથી પેરન્ટ્સને સંજોગો સામે લડતા જોયા હોય એવા પુરુષો લગભગ બધા પડકારોને ફેસ કરી લે છે. પલાયનવૃત્તિ ધરાવતા પુરુષોમાં માનસિક બીમારી વધુ જોવા મળે છે. ભૂખ મરી જવી, અનિદ્રા, વારંવાર વિચારોમાં ગુમ થઈ જવું, રીઍક્ટ કરવાનું ટાળવું અથવા એક્સ્ટ્રિમ રીઍક્શન આપવું, સ્વભાવ ચીડિયો થઈ જવો, રાત્રે પથારીમાં પડખાં ફર્યા કરવાં, બાળકો પર ગુસ્સો ઉતારવો, ફિઝિકલ ઍક્ટિવિટીથી દૂર રહેવું, સોશ્યલ ઇન્ટરૅક્શનથી દૂર રહેવું, ઉત્સાહ અને ઉમંગનો અભાવ, સમયસર નાહી લેવું અને શેવિંગ કરવું જેવી પર્સનલ હાઇજીનમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો આ બધાં માનસિક અસ્વસ્થતાનાં પ્રાથમિક લક્ષણો છે.’ 
ઇલાજ જરૂરી
માનસિક અસ્વસ્થતાનો સામનો કરી રહેલી વ્યક્તિ સંપર્કમાં રહેવાનું ટાળતી હોય છે એટલે તેને એકલી ન મૂકો અથવા ટેક્સ્ટ-મેસેજ અને ફોન-કૉલ દ્વારા હંમેશાં સંપર્કમાં રહો એવી ભલામણ કરતાં ડૉ. મિલન કહે છે, ‘મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહેલી વ્યક્તિની વાત જજમેન્ટલ બન્યા વિના સાંભળવી એ ફર્સ્ટ ઍન્ડ મસ્ટ ટ્રીટમેન્ટ છે. ટૉક થેરપી મહદંશે અસરકારક સાબિત થાય છે. તેને આશ્વાસન આપો કે તમે હર સંજોગોમાં તેની સાથે છો. મુશ્કેલ સમયમાં તમે સાથ આપશો એવી ખાતરી થશે તો દરદી આપોઆપ એક્સપ્રેસ કરશે. આ સમય છે જ્યારે તમે તેને ડૉક્ટર પાસે લઈ જઈને આગળની સારવાર માટે મનાવી શકો છો.’

રોગનું નિદાન થવું પૂરતું નથી, એનાં કારણો જાણીને ઇલાજ કરવો જરૂરી છે એવી વાત કરતાં શેફાલી કહે છે, ‘માનસિક અસ્વસ્થતાનાં ઘણાં કારણો હોઈ શકે છે. પારિવારિક હિસ્ટરી, સમસ્યા જિનેટિક છે કે અંગત જીવનમાં ખટપટના કારણે હતાશ રહે છે, આર્થિક સ્થિતિ, વ્યાવસાયિક પડકારો, ભૂતકાળમાં ડૉક્ટરનો સંપર્ક કર્યો છે કે નહીં વગેરે બાબતોની તપાસ કર્યા બાદ ઇલાજ થાય. સૌથી પહેલાં તો દરદીમાં આત્મવિશ્વાસ જગાવવો પડે. દરેક સમસ્યાનો ઉકેલ છે એવું તેના મગજમાં ઠસાવવું પડે. મેન્ટલ હેલ્થની ટ્રીટમેન્ટમાં કાઉન્સેલિંગ અને થેરપી મુખ્ય છે. કેટલાક દરદીને મેડિકેશનની જરૂર પડે છે. માનસિક સ્વાસ્થ્યમાં ઍલોપથી અને હોમિયોપથી બન્ને દવાઓ અસરકારક સાબિત થાય છે.’

 માનસિક અસ્વસ્થતાનાં અનેક કારણોમાં પર્યાવરણનો રોલ મુખ્ય છે. આ કંઈ રાતોરાત થયેલી બીમારી નથી. પડકારો આવ્યા અને માનસિક સંતુલન ગુમાવી દીધું એવું નથી થતું. અંગ્રેજીમાં એક કહેવત છે - ફાઇટ ઑર ફ્લાઇટ. આ મેકૅનિઝમ વ્યક્તિની પર્સનાલિટી સાથે જોડાયેલું છે. પડકારોનો સામનો નથી કરી શકતા તેઓ માનસિક સંતુલન ગુમાવી દે એવી શક્યતા વધુ હોય છે.
- શેફાલી વૈદ્ય

ફૅમિલીનો રૉલ
આપણા દેશમાં મેન્ટલી ડિસ્ટર્બ રહેતી વ્યક્તિને લોકો પાગલમાં ખપાવી દે છે. સાઇકિયાટ્રિસ્ટ ટ્રીટમેન્ટ માટે ગાંડા લોકો જાય એવી ભ્રમણાને કારણે લોકો ડૉક્ટરનો સંપર્ક કરતાં અચકાય છે અથવા કોઈને જણાવ્યા વિના એકલા જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે સારવાર માટે આવતા મોટા ભાગના પુરુષોની ફૅમિલીને ખબર નથી હોતી કે તેમની કોઈ ટ્રીટમેન્ટ ચાલે છે. આવા કેસમાં ફૅમિલી કાઉન્સેલિંગનો પાર્ટ આવતો નથી. ફૅમિલી મેમ્બરોએ કેટલાંક ઇન્ડિકેશનને સમજવાં જરૂરી છે. ઘરની કોઈ પણ વ્યક્તિના નૉર્મલ બિહેવિયરમાં પરિવર્તન જણાય ત્યારે એને માનસિક અસ્વસ્થતાનું પ્રાથમિક લક્ષણ સમજીને જાગી જવું જોઈએ. તેની વર્તણૂક પર નજર રાખવી તેમ જ છાતીમાં દુ:ખે છે, કંઈ ગમતું નથી જેવી ફરિયાદોને ગંભીરતાથી લેવી. બધા તબીબી રિપોર્ટ નૉર્મલ આવ્યા પછી પણ બિહેવિયરમાં ચેન્જ ન થાય તો સાઇકોલૉજિકલ ટ્રીટમેન્ટ માટે જવું. 

columnists Varsha Chitaliya health tips