રોજ-રોજ નહાવાનો કંટાળો આવે છે?

14 November, 2022 03:15 PM IST  |  Mumbai | Aparna Shirish

હાલમાં વર્લ્ડવાઇડ એક ટ્રેન્ડને અનુસરીને સેલિબ્રિટીઝ પણ રોજ નહાવું જરૂરી નથી એ વાતને સમર્થન આપી રહી છે. જોકે આપણા શહેરમાં એ ફૉલો કરી શકાય કે નહીં એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

કોવિડની મહામારીએ લોકોને શીખવ્યું કે વારંવાર હાથ ધોવા જોઈએ. જોકે મહામારીનો પ્રભાવ આછો થતાં જ મોટા ભાગના લોકો આ વાતો ભૂલી ગયા છે.  રોજ નહાવું જ જોઈએ એ વાતનો આગ્રહ ઍટ લીસ્ટ આપણે ત્યાં તો રાખવામાં આવે જ છે. અને એ બાળપણથી જ બેઝિક હાઇજીન હૅબિટ તરીકે શીખવવામાં આવે છે. જોકે આનાં કારણો ધાર્મિક અને સામાજિક બન્ને હોય છે. પણ આજકાલ એક નવો જ ટ્રેન્ડ આવ્યો છે. એ છે રોજ નહીં નાહવાનો. હૉલીવુડની બ્રૅડ પિટ સહિતની કેટલીક સેલિબ્રિટીઓ તેમ જ હાઇજીન અને સ્કિન એક્સપર્ટ ડૉક્ટરોએ પણ આ ટ્રેન્ડને સમર્થન આપ્યું છે. તેમના મતે અઠવાડિયામાં બે-ત્રણ વાર શાવર લો તો ચાલી જાય. જોકે આ સાંભળીને જ નહીં નાહવાનો નિર્ણય લઈ લેવાની જરૂર નથી.

શા માટે જરૂરી નથી રોજ નહાવું? |  આપણે ત્યાં જો કોઈ વ્યક્તિ કહે કે એ દરરોજ સ્નાન નથી કરતી તો તેને આપણે ફુવડ, અનહાઇજીનિક વગેરે નામ આપી દઈએ છે. પણ જો હૉલીવુડનો બ્રૅડ પિટ કહે કે એ ક્યારેક નહાવાને બદલે ફક્ત વેટ વાઇપથી શરીર લૂછી લે છે તો એની પાછળનું કારણ જાણવાનું મન જરૂર થાય. લંડન સ્કૂલ ઑફ હાઇજીનના પ્રોફેસર બુમફિલ્ડ મુજબ વ્યક્તિએ રોજ-રોજ તો નહાવાની જરૂર નથી. તેનું કહેવું છે કે ત્વચા પર માઇક્રોબ્સ હોય છે જે દુર્ગંધ પેદા કરે છે, જેનાથી છુટકારો મેળવવા માટે રોજ લોકો નહાય છે. જોકે આ માઇક્રોબ્સ કોઈ નુકસાન નથી કરતા. એ સિવાય પર્સનલ હાઇજીન માટે નહાવું જ જરૂરી નથી. નહાવાથી આપણે કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ અને સોશ્યલી લોકો આપણને ઍક્સેપ્ટ કરે એવી આપણી ઇચ્છા હોય છે. બાકી સાબુ રગડીને રોજ નહાવાથી કોઈ રોગ સામે રક્ષણ નથી મળવાનું. આ સિવાય પ્રોફેસરનું તો એમ પણ કહેવું છે કે ચામડી પર રહેલા સારા બૅક્ટેરિયા ત્વચા પર ઑઇલનું લેવલ મેઇન્ટેન કરવામાં મદદરૂપ થાય છે. જો સાબુથી રોજ એને સાફ કરી દેવામાં આવે તો નુકસાન થાય.’

ટ્રેન્ડ ફૉલો કરવો? | જરાય નહીં. ડર્મેટોલૉજિસ્ટ મહિમા જૈન ન નહાવાના આ ટ્રેન્ડને જરાય સમર્થન નથી આપતાં. તેઓ કહે છે, ‘આપણે ત્યાંના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં કેટલાકને તો દિવસમાં બે વાર નહાવાની સલાહ આપવામાં આવે છે. આ ટ્રેન્ડ વેસ્ટર્ન ન્ટ્રીમાં જ્યાં ખૂબ જ ઠંડી હોય ત્યાં ચાલી જાય, પણ આપણા મુંબઈના ભેજવાળા વાતવરણમાં તો નહીં જ. શિયાળામાં ખૂબ ઠંડી પડે ત્યારે પણ નહીં.’

શા માટે રોજ નહાવું જરૂરી? |  આપણા શરીર પર રહેલા સારા બૅક્ટેરિયા પર પરસેવો થાય અને એને જો સાફ કરવામાં ન આવે તો ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે. એ સિવાય આપણી ત્વચા પરના મૃત કોષો દૂર થઈ નવી ચામડી આવે એ માટે એક્સફોલિએશનની પણ જરૂર પડે છે. બૅક્ટેરિયાનો ગ્રોથ વધતાં શરીર પરથી દુર્ગંધ આવે છે. ખાસ કરીને શરીર ફોલ્ડ થતું હોય એ ભાગોમાં. અને એટલે જ રોજ સ્નાન કરવું જરૂરી છે.

કોણે કેટલી વાર નહાવું? | મુંબઈમાં રહીને રોજ ટ્રેનમાં કે પોતાની ગાડીમાં ટ્રાફિકનો સામનો કરીને ઑફિસ જતા હો તો ન નહાવાના આ ટ્રેન્ડને ભૂલી જ જવો. એક વાર નહાવું તો ફરજિયાત જ છે. આ વિશે વધુ વાત કરતાં ડૉ. મહિમા કહે છે, ‘જો તમારો આખો દિવસ ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં જતો હોય તો દિવસમાં એક વાર સ્નાન કરો તો ચાલે, પણ જો સ્પોર્ટ્સ ઍક્ટિવિટી સાથે કે પછી તડકામાં ફરવું પડતું હોય એવું કામ હોય કે જ્યાં પરસેવો થાય તો દિવસમાં બે વાર નહાવું જરૂરી છે. અહીં એક વાર પ્રૉપર સાબુથી અને બીજી વાર પ્રૉપર શાવર લઈ શકાય.’

ફ્રીઝિંગ કોલ્ડવાળા વાતાવરણમાં ન નહાઓ તો ચાલે, પણ મુંબઈના ભેજવાળા વાતાવરણમાં ન નહાવાનો ટ્રેન્ડ ફૉલો કરવો અનેક સ્કિન ઇન્ફેક્શનને આમંત્રણ આપશે : ડૉ. મહિમા જૈન, ડર્મેટોલૉજિસ્ટ

columnists health tips life and style